મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જમ્મૂ કશ્મીરમાં કલમ 370ની જોગવાઈઓને ખત્મ કર્યા પછી પડોશી દેશ પાકિસ્તાન રોદડાં રોવા લાગ્યું છે. ઘડીમાં બીજા દેશો પાસે શાંતિની વાત કરે છે તો ઘડીમાં પરમાણું બોમ્બ છોડવાની ધમકી પણ આપે છે. આ દરમિયાન ભારતના પણ કેટલાક નેતાઓએ પરમાણું બોમ્બ સામો ફેંકવાની ધમકી આપી છે. પણ શું ખરેખરમાં બંને દેશો પરમાણું યુદ્ધ કરશે?

જો બંને દેશ એક બીજા પર પરમાણું યુદ્ધ કરે તો મોટી જાનહાની સાથે સાથે કહી શકાય કે પ્રલય જેવી સ્થિતિ બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. એક ન્યૂઝ વેબસાઈટના આંકડા પ્રમાણે આગના કારણે 0.79 કિમી સુધી બધું તબાહ થઈ જશે. એર બ્લાસ્ટ-1 પછી 3.21 કિમી સુધી તેના ઝટકા અનુભવાશે. 10.5 કિલોમીટર સુધી રેડિએશન ફેલાશે. 14.2 કિમી સુધીની ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હશે. 47.9 કિલોમીટર સુધી થર્મલ રેડિએશનની અસર થશે. એર બ્લાસ્ટ-3 પછી 93.7 કિલોમીટર સુધી બારીઓના કાંચ તૂટી શકે છે. 100 કિલોમીટર સુધી રીતસર તબાહી થાય તેમ છે.

એર બ્લાસ્ટ શું છે

જેવું નામ તેવું જ કામ, એર બ્લાસ્ટ હવામાં કરાયેલો બ્લાસ્ટ છે. આ વિસ્ફોટથી જમીન પર કોઈ મોટો ખાડો થઈ જતો નથી પરંતુ આ ખુબ જ તાકાતવર હોય છે. હવામાં વિસ્ફોટ પછી આ હવામાં અતિ ઉચ્ચ ક્ષમતાનું દબાણ બનાવી લે છે અને થર્મલ રેડિએશનને વધારે છે. હિરોશિમામાં નખાયેલ બોમ્બ 15 કિલોટનનો પરમાણું બોમ્બ હતો જે હવામાં ફૂટ્યો હતો. વિસ્ફોટની જગ્યા પર ઘાટ્ટા વાદળો બની ગયા હતા. વિસફોટ બાદ તેજ ઝટકો ઉત્પન્ન થાય છે, હવાના દબાણમાં અચાનક બદલાવ આવે છે, ખુબ જ સ્પીડથી હવા ચાલવા લાગે છે. જેટલી ઉંચાઈ પર વિસ્ફોટ થશે તેટલું જબરજસ્ત હવાનું દબાણ સર્જાય છે. હવામાં દબાણમાં બદલાવને કારણે મોટી ઈમારતો પણ જમીનદોસ્ત થઈ જાય છે. તેજ હવાને કારણે ઝાડપાન સહિતની વસ્તુઓ નેસ્તનાબૂદ થઈ જાય છે અને લાખો લોના જીવ જાય છે.

ભારત પાસે પૃથ્વી 2, અગ્ની 1, અગ્ની 2, અગ્ની 3, અગ્ની 4 અને અગ્ની 5 પરમાણું મિસાઈલ્સ છે જ્યારે તેનાથી વધુ પાકિસ્તાન પાસે નસ્ત્ર, અબ્દાલી, ગજનવી, શાહીન-1, શાહિન-1એ, ગૌરી, શાહિન-2, શાહિન, 3 અને અબાબિલ મિસાઈલ છે. જોકે પાકિસ્તાન પાસે ભારત કરતાં વધુ મિસાઈલ્સ હોવા છતાં ભારતીય મિસાઈલ્સની રેન્જ તેના કરતાં ઘણી વધુ છે. જ્યાં પાકિસ્તાનની સૌથી લેટેસ્ટ શાહીન 3 2750 કિમીની રેન્જ ધરાવે છે તો સામે ભારતીય મિસાઈલ અગ્ની 4એ 3500 કિમીની રેન્જ ધરાવે છે અને અગ્ની 5 5200 કિમીની રેન્જ ધરાવે છે.

હિરોશિમા અને નાગાસાકીથી વધુ થશે નુકશાન

ખરેખરમાં જોવા જઈએ તો પરમાણું બ્લાસ્ટ કોઈના માટે પણ સારો કહેવાશે નહીં. જો બંને દેશો એક બીજા પર 100 કિલોટનના પરમાણુ બોમ્બથી હુમલો કરે છે તો તેની અસર એટલી થશે કે 100 કિલોમીટર સુધી તબાહી મચી જશે. દુનીયાએ અત્યાર સુધી હિરોશીમા અને નાગાસાકીમાં બે પરમાણું બ્લાસ્ટ જોયા છે અને તેની ભયાનકતા આજે પણ લોકોને ભયભીત કરી મુકે છે. ખાસ વાત એ છે કે તે સમયે ફેંકાયેલા બોમ્બની ક્ષમતા પણ ઓછી હતી. હિરોશિમા પર નખાયેલો બોમ્બ 15 કિલોટન અને નાગાસાકીમાં ફેંકાયેલો બોમ્બ 20 કિલોટનની તાકાત ધરાવતો હતો. છતાં તેની અસર આપ સર્વે જાણો જ છો તેથી અંદાજ લગાવી શકાય છે કે 100 કિલોટનની ક્ષમતા વાળા બોમ્બ શું કરી શકે.

બુલેટિન ઓન ધ એટોમિક સાઈંટિસ્ટ દ્વારા બનાવાયેલ ડેટા પરથી જાણકારી મળે છે કે, 1986 પછી 2017 સુધી લગભગ પરમાણું હથિયારોમાં ઘટાડો થયો છે. દુનિયાભરમાં કુલ પરમાણુ હથિયાર 1965 દરમિયાન 40,073 હતા, જે પછી તેની સંખ્યા વધીને વર્ષ 1985માં 64,449 થયા તે પછી સતત ઘટાડો નોંધાયો હતો. દુનિયા ભરમાં હાલ 2017ની ગણતરી પ્રમાણે 9,435 પરમાણું બોમ્બ છે. જોકે તે સમયે જ્યારે હિરોશિમા-નાગાસાકી પર બ્લાસ્ટ થયો તેના કરતાં હાલ બોમ્બની ક્ષમતા અત્યંત વધારે છે. તેવા સમયે પરમાણું યુદ્ધની કલ્પના જ કંપારી છોડાવી દે છે. ભારત અને પાકિસ્તાન બંને પાસે ન્યૂક્લિયર હથિયારને લઈ જનાર મિસાઈલ્સ છે. ખાસ વાત એ છે કે બંને દેશ એક બીજાને અંતિમ ખુણાં સુધી ટાર્ગેટ કરાય તેવી મિસાઈલ્સ વિકસિત કરી ચુક્યા છે. ભારત પાસે તો 5000 કિલોમીટર સુધી મારી તોડવાની મિસાઈલ છે જે પાકિસ્તાનની બહાર પણ હુમલો કરવાની ક્ષમતા રાખે છે. પાકિસ્તાન પાસે પણ ન્યૂક્લિયર હથિયાર લઈ જનાર મિસાઈલ છે જે 2750 કિમી સુધી જઈ શકે છે.

જોકે શીત યુદ્ધ બાદ પરમાણું હથિયારોમાં આવેલા ઘટાડા છતાં આજે પણ દુનિયાના ઘણા દેશો પાસે હજારોની સંખ્યામાં આ હથિયાર છે. રુસ પાસે હાલમાં 6500 પરમાણું હથિયાર છે. તે પ્રમાણે અમેરિકા પસે 6185 હથિયાર છે. ફ્રાંસ પાસે 300, ચિન પાસે 290, બ્રિટન પાસે 215, ઈઝરાયેલ પાસે 80, પાકિસ્તાન પાસે 140-150, ભારત પાસે 130-140 અને કોરિયા પાસે 20-30 પરમાણું હથિયાર હોવાનું અનુમાન છે.

એફએએસ અનુસાર, 3600 એટમી હથિયાર મિસાઈલો પર લગાવાયા છે અને આ સૈન્ય દળોના નિયંત્રણમાં છે. તેમાંથી અંદાજત 1800 હથિયાર હાઈ એલર્ટ મોડ પર છે અને શોર્ટ નોટિસ પર હુમલા કરવાની તૈયારી ધરાવે છે. રુસે 1600 હથિયાર મિસાઈલ્સ પર તૈનાત રાખ્યા છે. અમેરિકાએ પણ એટલી જ સંખ્યામાં હથિયારને તૈનાત રાખ્યા છે. ફ્રાંસે 280 અને બ્રિટને 120 પરમાણું હથિયાર તૈનાત રાખ્યા છે.