પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): મહાત્મા ગાંધીએ 100 વર્ષ પહેલા આપણી વાત આપણા લોકો સુધી પહોંચાડવા માટે અમદાવાદમાં નવજીવનની શરૂઆત કરી હતી. 1919માં નવજીવનની સ્થાપના થઈ જેને હવે 100 વર્ષ પુરા થયા છે. આ એક સંજોગ છે કે 2019માં મહાત્માની 150મી જયંતિ પણ છે. આમ નવજીવનના 100 વર્ષ અને ગાંધીની 150મી જયંતિ નિમિત્તે મોરારીબાપુએ નવજીવનને એક કથા આપવાનું વચન આપ્યુ હતું. નવજીવન ટ્રસ્ટનો હેતુ મોરારીબાપુની રામકથાના માધ્યમથી ગાંધીની વાત લોકો સુધી પહોંચાડવાનો હતો. ગાંધી બહુ દુરનું વિચારતા હતા, ગાંધીએ ગાંધી આશ્રમથી લઈ ગુજરાત વિદ્યાપીઠ સહિત નવજીવનની પણ સ્થાપના કરી, પણ ગાંધીજી પોતાનું વસીયતનામુ બનાવતા ગયા તેમાં તેમણે લખ્યું કે દેશમાં મારી કોઈ મિલ્કત અને સંપત્તી હોય તેની મને ખબર નથી મારી  સંપત્તી મારા વિચાર છે. હું તેનો અધિકાર નવજીવનને સોંપુ છું, આમ નવજીવનને વારસમાં ગાંધીએ જે કઈ લખ્યું તે મળ્યું છે.

ગાંધીએ પોતાની વસીયતમાં લખ્યું છે કે નવજીવન ટ્રસ્ટે કોઈની પાસેથી પણ દાન અને કોઈ પણ સરકાર પાસેથી અનુદાન લેવું નહીં. તો પ્રશ્ન થાય કે નવજીવન ટ્રસ્ટ ચાલે કેવી રીતે, પણ બાપુ તેનો ઉકેલ આપતા ગયા અને લખ્યું કે મેં જે કઈ લખ્યું છે તેનો અધિકાર નવજીવન ટ્રસ્ટને આપુ છું, તેના વેચાણમાંથી જે કઈ મળે તેમાંથી નવજીવન ચલાવજો, સારી બાબત એવી છે કે 100 વર્ષથી નવજીવન ટ્રસ્ટ દેશના કોઈ પણ શ્રીમંતનું એક રૂપિયાનું દાન અથવા કોઈ સરકારી મદદ વગર ચાલી રહ્યું છે. મોરારીબાપુએ જ્યારે નવજીવન ટ્રસ્ટને કથા આપી ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો કે કથા કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય, રામના માધ્યમથી મોરારીબાપુ મહાત્મા ગાંધીની વાત કહેવાના હતા, પણ કથા માટે પૈસા લાવવા કયાંથી? પણ આ પ્રશ્ન મોરારી બાપુ પણ જાણતા હતા, તેમણે નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈને કહ્યું તમે ચિંતા છોડો યજમાનની વ્યવસ્થા પણ હું કરીશ.

મોરારીબાપુ નવજીવન ટ્રસ્ટને કથા આપે તે જ મોટી ઘટના હતી, પણ ત્યાર બાદ યજમાન લાવવાની જવાબદારી પણ ખુદ બાપુએ ઉપાડી લીધી હતી. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં તા 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન મોરારીબાપુની કથા યોજાઈ ગઈ, બાપુ હોય ત્યાં બધુ જ ભવ્ય હોય છે. કથાના મંડપ સહિત કથામાં રોજ આવનાર 20 હજાર લોકો માટે જમવાની વ્યવસ્થાથી લઈ તમામ વ્યવસ્થામાં કયાંય પણ આંગળી મુકી શકાય તેવી એક પણ ખામી ન્હોતી, પણ બાપુએ કહ્યું હતું કે યજમાન પણ હું લાવીશ તો તે યજમાન હતા ગીરીશ દાણી. જેઓ તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટ ચલાવે છે અને તુલસી વલ્લભ નિધિ દ્વારા તમામ જવાબદારી ઉપાડવામાં આવી હતી. અમદાવાદ સહિત એક ખાસ તબ્બકાના લોકો છે તેમને ખબર છે કે ગીરીશ દાણી કોણ છે, હું દાણીના વ્યકિગત જીવન અને કામની વાત કરવા માગતો નથી, કારણ તે અંગે ખુદ મોરારીબાપુ પણ બધુ જ જાણે છે, પણ મારે કોઈ સામાન્ય  માણસને ગીરીશ દાણીનો પરિચય આપવા હોય તો એટલું જ કહીશ કે ગીરીશ દાણી માલેતુજાર લોકોના પ્રતિનિધિ છે.

કોઈ પણ માણસ શ્રીમંત હોય તે તેનો વાંક નથી. તેમ અહીં માત્ર ગીરીશ દાણી શ્રીમંત છે તેના કારણે બાપુએ તેમને દુર રાખવા જોઈએ તેવું પણ કહેતો નથી, છતાં... છતાં અને છતાં રામકથા માટે મોરારીબાપુ યજમાન તરીકે ગીરીશ દાણીને જ કેમ પસંદ કર્યા તે એક પ્રશ્ન તો છે. કથાના સ્થળે મારે બે વખત જવાનું થયું હતું, મેં ત્યાં ગીરીશ દાણીનો લોકો સાથેનો વ્યવહાર જોયો, જાણે એક સામંત હોય અને ત્યાં આવેલા તમામ ભીખારી-લાચાર અને દરીદ્ર હોય, તેવું લાગી રહ્યું હતું. ગીરીશ દાણીની આસપાસ ફરનાર (સંભવ છે કે દાતાઓ હોય) તેઓ પણ લોકો સાથે દુરવ્યવહાર કરતા હતા. મોરારી બાપુની કથામાં આવનાર સરેરાશ પચાસી વટાવી ચુકેલા લોકો હતા, જેમને ઉઠવા-બેસવાની તકલીફ હતી, પણ ગીરીશ દાણી એન્ડ મંડળીનો જે વ્યવહાર હતો તેની અપેક્ષા તો મોરારીબાપુના કથાના સ્થળે ના જ હોય.

મોરારીબાપુ પોતાની કથામાં સમાનતા- સદ્દભાવના અને પ્રેમની વાત  કરતા હોય પણ આંધળી વ્યકિતને ય ખબર પડે તેવો ભેદ કથામાં આવેલા શ્રીમંતો અને ગરીબો વચ્ચે જોઈ શકાતો હતો શ્રીમંત અને ગરીબો માટે વ્યવસ્થા પણ અલગ અલગ હતી. ખરેખર તો બાપુ રામકથા કરે તે ઉત્તમ બાબત છે પરંતુ એક કથા બાપુએ ગીરીશ દાણી અને તેમના યજમાન કમ આયોજકો માટે રાખવાની જરૂર છે. મોરારી બાપુ કથામાં ગાંધીની સાદગીની વાત કરતા ત્યારે જમવાના મેનુમાં એક ડઝન કરતા વધારે વાનગીઓ હતી, આમ બાપુએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ જે ઉપદેશ આપે છે તેનો વિરોધાભાસ કથા સ્થળે જ જોવા મળે છે. બાપુની આસપાસ શ્રીમંતો જ મધમાખીની જેમ ફરતા જોવા મળતા હતા. અહીં વાત માત્ર ગીરીશ દાણીની નથી, ગીરીશ દાણી તો એક ખાસ વર્ગનું પ્રભુત્વ કરે છે, પરંતુ રામકથાની વ્યાસપીઠને ગીરીશ દાણી જે વર્ગનું પ્રભુત્વ કરે છે તેની કેમ જરૂર પડે છે?

મારા મનમાં ઉદ્દભવેલા આ પ્રશ્ન અંગે મેં મારા એક મિત્ર સાથે ચર્ચા કરી તો તેણે મને સામો સવાલ કરતા પુછ્યું કે માની લો કો બાપુ તમે પૈસા આપે અને કહે કે, તમે કથાનું આયોજન કરો, તો તમે ગીરીશ દાણી જેવું આયોજન કરી શકો?  પ્રશ્ન બહુ નાજુક હતો. ખરેખર ગીરીશ દાણી જેવું આયોજન કરવું કદાચ મારા માટે શકય ન્હોતું, તે વાત સાચી હતી. આમ જે પણ વ્યાસપીઠો છે તેને શ્રીમંતોની જરૂર પડે છે તે પણ એટલી જ વાસ્તવીકતા છે. જેના કારણે એવું બને છે, મોરારીબાપુ અને વ્યાસપીઠ માટે લોકોને આદર હોવા છતાં બાપુના શબ્દો સાંભળવા ગમે છે પણ તે હ્રદયને અસર કરતા નથી. કારણ લોકો બાપુની વ્યાસપીઠને એઢેલી ઉભા રહેતા ગીરીશ દાણીને પણ મંચ ઉપર જુવે છે. કથા સ્થળેથી બહાર નિકળી માણસ પોતાની રોજની જીંદગી જીવે, કારણ તેના મનમાં પણ એક દિવસ હું પણ ગીરીશ દાણી થઈશ તેવી જ કલ્પના હોય છે. તેનો અર્થ કથા સ્થળે આવેલા માણસને ભગવાન રામ અથવા મોરારીબાપુ કરતા ગીરીશ દાણી વધુ પ્રભાવીત કરી જાય છે.