પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ): હમણાં થોડા દિવસ પહેલા ગાંધીનગરની ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર અડાલજમાં બાલાજી કુટીર બંગલોમાં રેડ કરી દારૂ પીતા યુવક-યુવતીઓને પકડ્યા હતા. આમ તો ગુજરાતમાં કોઈ માણસ દારૂ પીવે તે કોઈ મોટી ઘટના નથી. પરંતુ બાલાજી કુટીરમાં દારૂ પીતા જે લોકો પકડાયા તે બધા જ શ્રીમંતો હતા. કદાચ તેમણે દારૂ પીધો તેના કરતા મોટો ગુનો તેમનો શ્રીમંત હોવુ મોટો ગુનો તેવી લાગી રહ્યુ હતું. દારૂ પીનારા જે લોકો હતા તેમાં વિસ્મય શાહ નામનો એક યુવક હોવાને કારણે અખબાર અને ટેલીવીઝન સમાચારોએ તેમને ખાસ્સી જગ્યા અને સમય ફાળવ્યો હતો. પાંચ વર્ષ પહેલા પણ આ જ યુવક વિસ્મય શાહ સમાચારમાં ચમક્યો હતો. અમદાવાદના જજીસ બંગલા રોડ ઉપર તે પુર ઝડપે પોતાની બીએમડબ્લ્યુ કાર લઈ નિકળ્યો અને બે યુવકોના મોત થયા હતા. આ ઘટના પણ ખાસ્સા દિવસો સુધી અખબારમાં ચમકતી રહી હતી.

હું પોતે પણ વ્યવસાયી પત્રકાર છું. મેં પણ અનેક અકસ્માતો જોયા છે અને તેનુ રિપોર્ટીંગ કર્યુ છે. અનેક વખત બસ અથવા ટ્રક પલ્ટી મારી જાય તેવા કિસ્સામાં દસ-બાર લોકોના મોત થાય તેમ છતાં બીજા કે ત્રીજા દિવસે લોકો તો ઠીક પણ મારા સહિતના પત્રકારો પણ તે ઘટના ભુલી જાય છે. પરંતુ પાંચ વર્ષ પહેલા વિસ્મય શાહનો હિટ એન્ડ રનનો કેસ જલદી ભુલાયો નહીં. વિસ્મય મહિનાઓ સુધી જેલમાં રહ્યો હતો. પાંચ વર્ષ બાદ વિસ્મય, તેની પત્ની અને તેના શ્રીમંત મિત્રો એક બંધ બંગલામાં પાર્ટી કરી રહ્યા હતા અને પોલીસ ત્રાટકી અને બધા પકડાઈ ગયા. હજી વિસ્મયના જામીન થયા નથી તે જેલમાં છે. વિસ્મય દારૂ પીતા પકડાયો તે સમાચાર હજી અખબારમાં અને ટીવીમાં જગ્યા લઈ રહ્યા છે જાણે 1960 પછી ગુજરાતમાં દારૂ પીવાનો પહેલો કેસ થયો હોય તેવુ લાગી રહ્યુ છે.

આ સમાચાર લખવાની પત્રકારોને મજા આવી રહી છે તેવુ નથી પણ આ સમાચાર વાંચનાર અને જોનારને પણ મનમાં લાગી રહ્યુ છે કે વિસ્મય શાહને પકડી પોલીસે બરાબર કર્યુ છે. કદાચ જેમને વિસ્મય શાહની ધરપકડને કારણે એક વિચિત્ર પ્રકારનો આનંદ થઈ રહ્યો છે તેઓ પણ દારૂ પીતા હશે. આમ છતાં એવી કઈ બાબત છે કે જે તેમને આનંદ આપી રહી છે.? આ પ્રકારની ઘટના જ્યારે પણ ઘટે ત્યારે તેનું રિપોર્ટીંગ કરનાર પત્રકાર મધ્યમવર્ગનો હોય છે અને જેમને આ પ્રકારના સમાચાર વાંચવાની મઝા પડે તેઓ મોટો  વાંચક વર્ગ પણ મધ્યમવર્ગનો હોય છે. આ વિસ્યમની કારની કારણે બે વ્યક્તિના મોત થયા અને વિસ્યમ દારૂ પીવે છે તેની નૈતિકતાનો મુદ્દો નથી. પરંતુ જ્યારે પણ કાયદાની એડફેટે કોઈ પણ શ્રીમંત ચઢે ત્યારે આપણને મઝા પડે છે. આવુ થવા પાછળનું કારણ મોટા ભાગના મધ્યવર્ગને શ્રીમંતો સામે એક અજાણ્યો ગુસ્સો છે.

બહુમતી મધ્યવર્ગ શ્રીમંતોને ધિક્કારે છે. વિસ્મયને કારણે જ્યારે પાંચ વર્ષ પહેલા અકસ્માત થયો ત્યારે તે ફિયાટ અથવા એમ્બેસેડર કાર ચલાવતો હતો તો અકસ્માતની ગંભીરતા બદલાઈ જતી? પત્રકારો પણ આ સમાચારને એટલુ મહત્વ આપતા નહી. પરંતુ અકસ્માત વખતે વિસ્મય બીએમડબ્લ્યુ કાર ચલાવતો હોવાને કારણે ગંભીરતા બદલાઈ ગઈ હતી. અહિંયા ગુસ્સો બે વ્યક્તિના મોત કરતા વધુ એક શ્રીમંત વ્યક્તિએ અકસ્માત કર્યો તેનો ગુસ્સો વધારે હતો. સામાન્ય માન્યતા એવી છે કે વિશ્વના મોટા ભાગના શ્રીમંતો કંઈક કાળુ ઘોળુ કરીને  તે શ્રીમંત થયા છે તેના કારણે આપણે તમામ શ્રીમંતોને એક જ લાકડીએથી હાંકીએ છીએ. એક છુપી લાગણી તેવી પણ છે કે આપણે એટલા માટે શ્રીમંત થઈ શકતા નથી કારણ આ શ્રીમંતો આપણને શ્રીમંત થવા દેતા નથી. આમ શ્રીમંતોને ધિક્કારને છતાં આખરે શ્રીમંત થવાની જ ઈચ્છા છે.

રસ્તા ઉપર કોઈ ઓડી કાર એકદમ ઝડપે પસાર થાય ત્યારે મોંઢામાંથી અનાયસે નિકળી પડે છે કે બાપાની કમાણી વાળા નીકળ્યા પણ અંદરથી ઈચ્છા તો આપણે ક્યારે ઓડીના માલિક થઈશુ તેની છે. આમ શ્રીમંતના મામલે આપણા બેવડા ધોરણ છે, જયાં સુધી આપણી પાસે આપણી અપેક્ષા કરતા વધુ પૈસા આવતા નથી ત્યાં સુધી આપણને શ્રીમંતો ગમતા નથી. 2016માં નરેન્દ્ર મોદીએ જ્યારે નોટબંધી જાહેર કરી ત્યારે મારા શ્રીમંત મિત્રો જેમની ઘર અને ઓફિસમાં કરોડો રૂપિયા પડ્યા હતા તેમના ચહેરા જોઈ મને એક વિકૃત આનંદ થયો હતો કે કેવા ફસાયા. પણ જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ ખબર પડી કે જેમની પાસે કરોડો રૂપિયા હતા તેવા કોઈ બેન્કની લાઈનમાં ઉભા ન્હોતા પરંતુ મારા જેવા જેમની પાસે પાંચ-પચ્ચીસ હજાર હતા તેઓ મનમાં એક ચોર હોવાની ભાવના સાથે બેન્કોની કતારમાં ઉભા હતા.

વાત અહિયા એવી છે કે મારી ઈચ્છા પણ એવી છે કે મારા ઘરમાં પણ મારા મિત્રોની જેમ પૈસાની થપ્પી લાગે પણ મારી પાસે નથી, એટલે જેમની પાસે છે તેઓ બધા ચોર છે તેવી લાગણી સાથે હું મારા મનને સમજાવી લઉ અને જ્યારે પણ મને મોકો મળે ત્યારે શ્રીમંતોની વૈચારિક ધોલાઈ કરૂ. આ યોગ્ય વ્યવહાર નથી. જેમની પાસે ખુબ પૈસા છે તેઓ બધા જ ચોર છે તેવો અંતિમ મત  ન્યાયી નથી અને જેમની પાસે પૈસા નથી અથવા મધ્યમવર્ગના છે તેઓ તમામ પ્રામાણિક છે તેવુ માની લેવાની અતિશયોક્તિ પણ યોગ્ય નથી.