ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ભારતનો કોઈ નાગરિક સોનું વેચવા આવે ત્યારે, તેણે કેટલા સમય સુધી સોનાનો કબજો (ભોગવટો) કર્યો છે અને જુદા જુદા સ્વરૂપમાં વેચાયેલા સોના થયેલા પર નફાને આધારે ટેક્સ ચૂકવવાનો રહે છે. જો તમે ત્રણ વર્ષ પછી સોનું વેચ્યું હોય તો તેના પર થયેલા નફાને ટૂંકાગાળાનો ગણવામાં આવશે. આ નફાને ડેટ ફંડ પર ગણવામાં આવતા કેપિટલ ગેઇન્સની રીતે જ ગણતરીમાં લેવામાં આવશે. 

સોના પર મળેલા ટૂંકાગાળાના નફાને ગ્રાહકની કૂલ આવકમાં ઉમેરવામાં આવશે અને ઇન્કમટેક્સના ટેક્સ સ્લેબ પ્રમાણે કર વસુલવામાં આવશે. જો આવું સોનું ત્રણ વર્ષના સમયગાળા પછી વેચવામાં આવ્યું હશે તો તેના પર મળેલા નફાને લાંબાગાળાનો નફો ગળવામાં આવશે. આવા કિસ્સામાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ગણીને ૨૦ ટકાની કર આકારણી કરવામાં આવશે.

ભારતમાં સોનાની ખરીદી ચાર પ્રકારે કરવામાં આવે છે. સિક્કા, જ્વેલરી અને બાર સ્વરૂપે ફીઝીકલ ખરીદી, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) ડીજીટલ તેમજ સોવરીન ગોલ્ડ બોન્ડનો સમાવેશ થાય છે. ગોલ્ડ ઈટીએફ આમ તો ફીઝીકલ સોનું જ ગણાય છે, તેના ભાવ પણ ફીઝીકલ સોનાના ભાવને આધારે નિર્ધારિત થાય છે. 

સોવરીન ગોલ્ડ બોન્ડ, વાર્ષિક અઢી ટકા વ્યાજદરે ૮ વર્ષની પાકતી મુદત શરતે કેન્દ્ર સરકાર દ્વારા ઇસ્યુ થાય છે. આમ તો ગોલ્ડ બોન્ડ એ સૌથી સલામત મૂડી રોકાણ સાધન છે, પણ તેની લેવેચ કરવા માટેના પ્લેટફોર્મ ઉપલબ્ધી નહીવત અથવા માર્યાદિત છે. જો તમે ૮ વર્ષની પાકતી મુદત માટે ગોલ્ડ બોન્ડ જાળવી રાખો તો તે સૌથી ઉત્તમ એટલા માટે છે, કારણ કે તેના પર કોઈ કેપિટલ ગેઇન્સ ટેક્સ નથી લાગતો. પણ જો પાકતી મુદત પહેલા તેને વેચો છો તો તમને કોઈ કરલાભ થતો નથી. 

અલબત્ત, ટૂંકાગાળા માટે રાખવામાં આવેલા ગોલ્ડ બોન્ડ પર ખાસ કઈ ફાયદો મળતો. જો તમે એક જ વર્ષમાં આ બોન્ડ, શેરબજાર કે સેકન્ડરી માર્કેટમાં વેચવા જાવ તો, તે ડિસ્કાઉન્ટ ભાવથી વેચવા પડે છે. તમે જુઓ, જેમણે પ્રથમ ગોલ્ડ બોન્ડ ઇસ્યુમાં રોકાણ કર્યું હશે, તેનું નવેમ્બરમાં કાચી મુદતનું પ્રથમ રીડમ્પશન થવાની છે, આવા રોકાણકારને તો ચાંદી જ ચાંદી થઇ જવાની છે. આ ગોલ્ડ બોન્ડ નવેમ્બર ૨૦૧૫મા ઇસ્યુ થયા ત્યારે પ્રતિ ગ્રામ ભાવ રૂ.૨,૬૮૪ હતો, આજે ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન (ઇબ્જા)નો સોનાનો બજાર ભાવ બમણો રૂ. ૫૦૨૦૦ આસપાસ બોલાય છે.

ફીઝીકલ સોનાની માફક જ ગોલ્ડ ઈટીએફ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ પર મળેલા નફાની ગણતરી કરવામાં આવે છે. ઓન લાઈન એપ્સ મારફત સોનાની ખરીદી એ સોનામાં રોકાણનું એક નવું મધ્યમ છે. સંખ્યાબંધ બેંકો, મોબાઇલ વોલેટસ અને ઘણી બધી દલાલ પેઢીઓ મારફત એમએમટીસી-પીએએમપી અથવા સેફ ગોલ્ડનું એપ્સ મારફત વેચાણ કરવામાં આવે છે. આવા ડીજીટલ સોનાનાં નફા પર પણ કરવેરાની ગણતરી ફીઝીકલ સોના કે ગોલ્ડ ઇટીએફની જેમજ થાય છે.

રોકાણકાર ઇસ્યુ પ્રાઈસથી ગોલ્ડ બોન્ડ ખરીદે છે અને પાકતી મુદતે તેનું રીડમ્પશન કરે છે. આવા બોન્ડ સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા ઇસ્યુ કરે છે. પાકતી મુદતે તેના પર કોઈ ગેઇન્સ ટેક્સ લાગતો નથી, આમ તેને ટેકસફ્રી બોન્ડ કહેવાય છે.       

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)