પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરાનાની સ્થિતિમાં કેન્દ્ર અને રાજય સરકારને સુઝયા તે બધા જ પ્રયાસો કર્યા, તે પ્રયાસો સાચા હતા કે ખોટા તેની ચર્ચા આપણે અહીં કરતા નથી, પણ હવે જે સ્થિતિ નિર્માણ થઈ રહી છે તેમાં સામાન્યજનના મનમાં ડર અને સરકાર સામેનો અવિશ્વાસ છે, અહિયા હું ભાજપ કોંગ્રેસની પણ વાત કરતો નથી,જે રાજયોમાં જે પક્ષની સરકાર છે તે તમામની સામે પ્રજાને અવિશ્વાસ ઉભો થયો છે તેનું આ પરિણામ છે અને તેના કારણે દેશ આખ્ખામાં ઠેર ઠેર કતારો છે. સરકાર સામેનો અવિશ્વાસ અને મનમાં રહેલા ડરને કારણે સામાન્ય માણસના ઘરમાં જે વસ્તુઓ પડી છે તે ફરી મળશે કે નહીં તેવા ડરમાં તે જરૂરી કરતા વધુ ખરીદી કરી રહ્યો છે.

એક ઉદાહરણ આપી આ વાત સમજાવું, સામાન્ય દિવસોમાં આપણે આપણા ઘરમાં નિરાંતે સુઈ જઈએ છીએ કારણ આપણે માનીએ છીએ આપણે સુઈ જઈએ ત્યારે રસ્તા ઉપર પોલીસ અને આપણી સોસાયટીનો ચોકીયાત જાગતા હોય છે, આપણે પોલીસ ફરે છે કે નહીં અને ચોકીયાત જાગે છે કે નહીં તે જોવાની તસ્દી પણ લેતા નથી પણ આપણો તેમના તરફનો વિશ્વાસ નિરાંતની ઉંઘ આપે છે, પણ જ્યારે જ્યારે અચાનક ચોરીઓની ઘટના ઘટવા વાગે ત્યારે આપણા મનમાં ડરનો જન્મ થાય છે, રસ્તા ઉપર પોલીસ અને નાકા ઉપર ચોકીયાત હોવા છતાં સોસાયટી અને ગામના લોકો હાથમાં લાકડીઓ સાથે રાતે પહેરો ભરવા લાગે છે. આવી જ સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો છે છતાં મનમાં ડર અનેે અવિશ્વાસ નિર્માણ થયો છે, આપણને લાગી રહ્યું છે કે આપણી સરકાર હવે આપણું રક્ષણ કરી શકે તેમ નથી અને આપણું ધ્યાન રાખી શકે તેમ નથી, આજે આપણી જે સ્થિતિ છે તેના કરતા આવતીકાલે વધુ ખરાબ સ્થિતિ નિર્માણ થવાની છે, ત્યારે આપણું ધ્યાન રાખનાર કોઈ નથી આપણે જ આપણું કરવાનું છે. આ ડર અને અવિશ્વાસને કારણે જેમની પાસે પૈસા છે તેવા બધા જ લોકો ઘરમાં અનાજ અને કઠોળ હોવા છતાં આવતીકાલે મળશે કે નહીં તેવા ડરમાં કતારમાં ઊભા રહી ગયા છે, આવી જ સ્થિતિ શાકની લારીઓ ઉપર છે રોજ શાક ઉગવાનું છે રોજ શાક મળવાનું છે છતાં થેલીઓ ભરી લોકો શાક ખરીદી રહ્યા છે.

આવી સ્થિતિ માત્ર ગુજરાતમાં જ નહીં બધા જ રાજ્યોમાં છે જ્યાં કોરોનાની તાકાત સામે સરકારો લાચાર થઈ ગઈ છે તેવું પ્રજા માની રહી છે, કોરાના કરતા પ્રજાના મનમાં રહેલો ડર અને અનિર્ણાયક સ્થિતિનો ડર છે તે કોરોના કરતા વધુ ધાતક છે. બીજી ખાસ બાબત પ્રજા માની રહી છે કે, નેતા અને અધિકારીના મનમાં કોઈ તુક્કો આવે એટલે પ્રજાને સમય આપ્યા વગર તેનો અમલ કરવાની ફરજ પાડી દેવામાં આવે છે, એટલે આવતીકાલે કંઈ પણ થશે તેવો ડર પ્રજાના મનમાં આવી ગયો છે. તેની દવા તો સરકારે સુશાસન દ્વારા કરવી પડશે.