મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: વલસાડના ભીલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી રૂપિયા 80 લાખની છેતરપીંડીની પોલીસ ફરિયાદમાં પાટીદાર આંદોલન તોડવામાં સક્રિય ભુમીકા અદા કરનાર જેરામ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા રહસ્યમ રીતે વલસાડના કૌભાંડી શાહબંધુઓની મદદ કરી રહ્યા છે. આ જમીન પ્રકરણમાં જેરામ પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસાંહ જાડેજા વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો. જો કે જ્યારે આ મુદ્દે મેરાન્યૂઝ દ્વારા જેરામ પટેલને પુછવામાં આવતા તેમણે પોતાને તેમજ ગૃહમંત્રી જાડેજાને આ પ્રકરણમાં કોઈ નીસ્બત નથી તેવો દાવો કરતા કહ્યુ અમે ત્રાહિત વ્યક્તિની મદદ કરી રહ્યા છીએ. પરંતુ આશ્ચર્ય તે બાબતનું છે કે જેરામ પટેલના દાવા પ્રમાણે તેઓ અને ગૃહમંત્રી જાડેજા ફરિયાદીને ઓળખતા સુધ્ધા નથી. છતાં તેઓ જે રીતે રસ લઈ રહ્યા છે તે બાબત ઘણી સુચક છે. ગૃહમંત્રી આવો રસ રાજ્યના અન્ય ફરિયાદમાં લેતા પ્રજાની ઘણી હાડમારીઓ ઓછી થઈ શકી હોત.

ભીલાડ પોલીસ સ્ટેશનમાં જીજ્ઞેશ રાઠોડ દ્વારા રાજકોટના સવજી પટેલ સહિત કેટલાક આરોપીઓ સામે જીઆઈડીનો પ્લોટના નામે રૂપિયા 80 લાખની છેતરપીંડી થઈ હોવાનું ફરિયાદ નોંધાવી હતી. આ મામલે આ કેસના આરોપીઓ ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની માગણી કરી 80 લાખ પરત આપી દેવાની તૈયારી બતાડી હતી. પરંતુ જેરામ અને પ્રદીપસિંહ જાડેજાના ઓડિયો પ્રમાણે આ કેસમાં ફરિયાદ અને આરોપી વચ્ચે સમાધાન થાય તેવુ ગૃહમંત્રી જાડેજા કોઈ અગમ્યકારણસર ઈચ્છતા નથી. મેરાન્યૂઝ પાસે અન્ય કેટલીક પણ ઓડિયો ક્લિપ છે જેમાં જેરામ પટેલ અને તેમનો પુત્ર ભાવેશ આ કેસના આરોપીઓ સાથે પતાવટ પેટે કેટલીક જમીન લખી આપવાની વાત પણ કરે છે. ત્યા સુધી કે આ ઓડિયો ક્લિપમાં તે એવો પણ દાવો કરી રહ્યો છે કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાથે પણ તેમને સંબંધ છે.

જેરામ પટેલે કબુલ્યુ કે પાટીદાર આંદોલન વખતે તેમણે સરકારને મદદ કરી હતી તેના કારણે ગૃહમંત્રી જાડેજા આ કેસમાં રસ લઈ રહ્યા છે. જો કે જેરામ પટેલનો દાવો છે કે તેઓ આ કેસના ફરિયાદીને ઓળખતા પણ નથી, પરંતુ ફરિયાદી જીજ્ઞેશ રાઠોડના મિત્ર જીનેશ શાહ તેમનો મિત્ર થાય છે તેના કારણે તેઓ રસ લઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે જીનેશ અને અભય શાહ સામે બેન્કો સાથે છેતરપીડી કરવા સહિતની અનેક ફરિયાદો નોંધાયેલી છે. જે મામલે હવે સીબીઆઈ દ્વારા પણ સંબંધી બેન્કોમાં તપાસ લંબાવવામાં આવી છે. આમ જીનેશ શાહ ઉપર જેરામ પટેલને પ્રેમ ઉભરાઈ જવાનું કારણ સમજાતુ નથી. જીનેશ અને અભય શાહ સામે ગાંધીનગર પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ હતી  અનેપોલીસે તેમની ધરપકડ પણ કરી હતી. જો કે તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવે તે પહેલા ગૃહમંત્રી જાડેજાની ઓફિસમાંથી ફોન આવી જતા શાહબંધુઓને છોડી દેવામાં આવ્યા હતા.

આમ પ્રદિપસિંહ જાડેજા પણ દાવો કરતા હોય કે તેઓ કોઈ પણ સ્વાર્થ વગર મદદ કરી રહ્યા છે. તો જેમની સામે અનેક ગુનાઓ પડતર હોવા છતાં તેવા આરોપીઓને છોડી દેવાનો આદેશ કેમ આપ્યો તેનો જવાબ તો તેઓ પોતે જ આપી શકે તેમ છે. અહીં મેરાન્યૂઝના સંવાદદાતાએ જેરામ બાપા સાથે તાજેતરમાં કરેલ ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ પ્રસ્તુત છે, જેમાં તેઓએ પાટીદાર આંદોલન તોડવામાં પ્રદીપસિંહને મદદ કરી હોવાની અને પ્રદીપસિંહ વિરૂદ્ધ કશું ન લખતા તથા તેમની પ્રદીપસિંહ સાથે થયેલ વાતચીતનો વાયરલ થયેલ ઓડિયો પણ સાચો હોવાની વાત કરી રહ્યાં છે.  

હવે જ્યારે જેરામ બાપા જીનેશના કહેવાથી જીગ્નેશ રાઠોડની મદદ કરી રહ્યાં છે તો પછી વિચારવુ એ રહ્યું કે આ કેસમાં વાપીના શાહબંધુમાં એક એવા જીનેશ નાહર ઉર્ફે જીનેશ શાહને શું રસ છે? શું જીનેશના ઇશારે જીગ્નેશ રાઠોડ કેસ ચલાવી રહ્યો છે? સૂત્રોના જણાવ્યા અનુસાર જીનેશ અન્ય લોકોને પણ સવજી પટેલ સહિતના લોકો સામે ફરિયાદ કરવા ઉકસાવી રહ્યો છે અને વાપી વિસ્તારના વિવિધ પોલીસ સ્ટેશનના ચક્કર મારી રહ્યો છે. સુરત રેન્જ આઇજી દ્વારા આદેશ અપાયા છે કે ખોટા કેસ કરનાર સામે કાર્યવાહી થશે ત્યારે જોવું રહ્યું કે જો આવા કોઈ કેસ થાય છે તો પોલીસ શું કાર્યવાહી કરશે.