પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હમણાં ભાજપમાં આવેલી નવી પેઢીને કદાચ તલાટી કાકાનું નામ યાદ નહીં હોય, ભાજપનું પ્રદેશ કાર્યાલય પહેલી ખાડીયાના એક નાનકડા ઘરમાં ચાલતુ હતું અને ત્યાર બાદ ભાજપનું પ્રદેશ કાર્યાલય અમદાવાદના ખાનપુરમાં આવ્યુ ત્યારે મારી પહેલી વખત પરિચય થયો તલાટી કાકા સાથે, જો કે ત્યારે ભાજપની સ્થિતિ સારી ન્હોતી જેના કારણે મારા જેવા ગણ્યા ગાઠયા પત્રકારો જ ભાજપના પ્રદેશ કાર્યાલયમાં આવતા હતા, તલાટી કાકા આપણને જુવે એટલે હાથનો ઈશારો કરી પુછે પાણી પીશો, તમે હા પાડો તો પાણી લઈ આવે પછી પાછા ઈશારો કરી પુછે કે ચ્હા પીશો અને અને હા પાડો તો સેવકને કહી ચ્હા મંગાવે, આટલુ વાંચતા તમને લાગ્યુ હશે કે તલાટી કાકા બ્હેરા બોબડા હશે, પણ તમારી કલ્પના ખોટી છે.

તલાટી કાકા બ્હેરા બોબડા ન્હોતા, તેઓ જનસંઘના સમયથી જોડાયેલા કાર્યકર હતા, જયારે જનસંઘની કોઈ ટીકીટ લેવા તૈયાર ન્હોતુ અને ચુંટણી આવે તો પ્રચાર કરવાના પણ પૈસા ન્હોતા ત્યારે તલાટી કાકા રંગ અને પીંછી લઈ રસ્તા ઉપરની દિવાલો ઉપર જનસંઘને મત આપજો અને પછી ભાજપને મત આપજો તેવુ લખવા જતા હતા, ભાજપન તેમને કોઈ પૈસા આપતુ ન્હોતુ કારણ ભાજપ પાસે જ પૈસા ન્હોતા, ભાજપ તેમને રંગ અને કુચડો લાવી આપે એટલે રોજ રાતે શહેરની દિવાલો ઉપર તેઓ ભાજપના સ્લોગનો લખવા જતા હતા, તલાટી કાકાને મનથી ઈચ્છા હતી કે કેન્દ્રમાં ભાજપની એકલા હાથે સરકાર બને, જયારે રાજયમાં પણ ભાજપની સરકાર બને તેવા આશાર ન્હોતા ત્યારે એક સાવ સામાન્ય કાર્યકર સ્વપ્ન જોતો હતો કે એક દિવસ કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે.

કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે તેવી અપેક્ષામાં તલાટી કાકાએ એક બાધા લીધી હતી તેમણે જયાં સુધી કેન્દ્રમાં સરકાર બનશે નહી ત્યાં સુધી મૌન વ્રત ધારણ કરવાની બાધા લીધી હતી. તેના કારણે તેઓ કોઈની સાથે બોલીને વાત કરતા ન્હોતા , તેઓ  વાત કરવા માટે કાગળ અને પેન સાથે રાખતા હતા, તેઓ તેમની બધી જ વાત કાગળ ઉપર લખીને કહેતા હતા.,અમે મઝાકમાં કહેતા તલાટી મરી જશો, તો પણ તમારી સરકાર આવશે નહીં હવે બોલી નાખો, ત્યારે તલાટી કાકા ખડખડાટ હસી પડતા અને કાગળ ઉપર લખતા સરકાર આવશે જરૂર આવશે, પણ કમનસીબી તલાટી કાકા થોડા વર્ષો પહેલા કેન્દ્રમાં સરકાર જોયા વગર કાયમ માટે વિદાય લઈ ગયા આવા તો દેશમાં લાખો કાર્યકરો છે જેના કારણે ભાજપને સત્તા મળ્યા પછી તેને હટાવવુ કોગ્રેસ અને અન્ય વિરોધ પક્ષ માટે શકય બનતુ નથી.

નરેન્દ્ર મોદી અને અમીત શાહ સામે એકસો વાંધા હોય તો પણ તલાટી કાકા જેવા નિષ્ઠાવાન કાર્યકરોને ફૌજ ભાજપ પાસે છે જે તેમની તાકાત બની ગઈ છે.. 1995માં ગુજરાતમાં ભાજપને પહેલી વખત સત્તા મળી પરંતુ શંકરસિંહ વાઘેલાની સત્તા લાલસાએ સરકાર તોડી પાડી હતી. પરંતુ માર્ચ 1998માં ભાજપને ફરી સત્તા મળી અને ભાજપને કેશુભાઈ પટેલને ફરી સત્તાનું સુકાન સોપ્યુ હતું. ભાજપની સરકાર ફરી બનતા કેશુભાઈ પટેલને પોતાના મુખ્યમંત્રી કાર્યાલયમાં મિડીયાની જવાબદારી સંભાળી શકે તેવા કાર્યકરને જરૂર હતી, ભાજપના પ્રદેશ કાર્યાલમાં મિડીયાની જવાબદારી સાંભળા હર્ષદ પટેલ અને યમલ વ્યાસ હતા, સ્વભાવે બંન્ને સૌમ્ય માણસ પત્રકારોના છણકા અને ગુસ્સાને સહન કરી તેઓ ભાજપની છબી કેવી રીતે મિડીયા દ્વારા લોકો સુધી સારી રીતે પહોંચે તેવો જ પ્રયાસ કરતા હતા, યમલ વ્યાસ તો વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ હતા, પણ તેમને ભાજપ માટે અઢળક લગાવ હતો.

કેશુભાઈ પટેલના કાર્યાલય દ્વારા સચિવાલયમાં આવતા પત્રકારો સાથે સંવાદ કરે તેવી બે વ્યકિતની માગણી પ્રદેશ ભાજપ પાસે કરી ત્યારે ભાજપે હર્ષદ પટેલ અને યમલ વ્યાસને મુખ્યમંત્રીના કાર્યાલયમાં જવાનો આદેશ આપ્યો, માસીક આઠ હજારનો પગાર નક્કી થયો અને રોજ હર્ષદ પટેલ અને યમલ વ્યાસ સ્કુટર ઉપર ગાંધીનગર પોતાની ફરજ માટે નિકળી હતા હતા, ઉનાળાની 45 ડીગ્રી ગરમીમાં પણ અમે તેમને સ્કુટર ઉપર ગાંધીનગર જતા હોયા હતા., અમે કયારેક તેમને મઝાક પણ કરતા ભાજપ ભાજપ કરશો નહીં ધંધો વળગી જાવ નહીંતર એક દિવસ ગરમીમાં હાઈવે ઉપર ઢબી જશો અને ગાંધીનગર હાઈવેને યમલ-હર્ષદ માર્ગ નામ આપવામાં આવશે. ત્યારે તેઓ પણ તલાટી કાકા જેવુ નિર્દોષ હાસ્ય આપતા હતા.

યમલ અને હર્ષદ કેશુભાઈ પટેલની સરકારમાં જોડાયા પછી થોડા મહિનામાં હર્ષદ પટેલને અમદાવાદની વાસણા કોલેજમાં પ્રાધ્યાપક તરીકે નોકરી મળી હતી., હર્ષદ પટેલે ત્યારે શુ કરવુ જોઈએ તેવી સલાહ હરેન પંડયાની લીધી અને પંડયાએ કહ્યુ પાર્ટીનું કામ તો કરો પણ સાથે સારી નોકરી મળતી હોય તો પણ લઈ લેવી જોઈએ, અને હર્ષદ પટેલે પોતાનું શિક્ષણનું કામ પસંદ કરી નોકરી સ્વીકારી લીધી, જો કે પ્રાધ્યાપક તરીકે નોકરી મળ્યા બાદ પણ મેં અનેક વખત હર્ષદ પટેલને સચિવાયલના ચક્કર કાપતા હતા, એક દિવસ મેં પુછયુ તે ભાઈ નોકરી મળી ગઈ તો હવે ભણાવો, ગાંધીનગર શુ કામ આવો છો. હર્ષદે પોતાની સમસ્યા જણાવી કે કેશુભાઈ પટેલની ઓફિસમાંથી તેમને જે પગાર મળ્યો છે તેમાં કઈક ભુલ થઈ છે અને પંદર દિવસનો વધુ પગાર મને ચુકવ્યો છે. આ પગાર પાછો આપવા માટે હું આવુ છુ પણ મારી વાત કોઈ સમજવા તૈયાર નથી.

જયારે કોઈ પણ પક્ષની સરકાર બને ત્યારે તેના કાર્યકરો કઈ રીતે સરકારનો ફાયદો લઈ પૈસા કમાવી લેવાય તેવા પ્રયાસમાં હોય છે ત્યારે ભાજપનો એક કાર્યકર પોતાને મળેલા પગારમાં પંદર દિવસનો વધુ પગાર આવી ગયો છે તે પરત આપવા માટે ધક્કા ખાઈ રહ્યો હતો. હર્ષદ પટેલને વધુ મળેલા પૈસા માટે 2001 સુધી હર્ષદ પટેલે ધક્કા ખાધા અને પૈસા જમા કરાવ્યા હતા. આમ સાવ સામાન્ય બાબત લાગે, પણ મારી સરકાર છે અને હું મારી સરકાર સાથે ખોટુ કરી શકુ નહીં તેવુ વિચારવા વાળા કાર્યકરો પણ આ પાર્ટી પાસે છે. ત્યાર બાદ પ્રાધ્યાપકની નોકરી સાથે હર્ષદ પટેલ ભાજપના મિડીયાની જવાબદારી સંભાળતા રહ્યા, વર્ષો પછી ભાજપને હર્ષદ પટેલ અંગે વિચાર આવ્યો અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે હર્ષદ પટેલને ટીચર્સ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર તરીકે નિયુકત કર્યા છે. આજથી હવે  હર્ષદ પટેલ એક નવી ભુમીકા છે, અપેક્ષા એટલી જ તેઓ ગુજરાતને શ્રેષ્ઠ શિક્ષકો આપશે.