મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અમેરિકામાં સ્થિત અને દુનિયા ભરમાં સૌથી રહસ્યમય ગણાતી જગ્યા એટલે કે એરિયા 51 કે જેના અંગે ઘણા લોકોએ વિવિધ દાવાઓ રજુ કર્યા પરંતુ તેમાંથી કોને સાચા માનવા તે જ લોકોને સમજ પડતી નથી. કેટલાક લોકોએ અહીં વીડિયો કે અહીંના રહસ્યોને જાણવાનો પ્રયત્ન કર્યો તો તેમને જેલમાં પણ જવાનો વારો આવ્યો હતો. બીબીસી મુજબ, એરિયા 51ને અમેરિકા અને સોવિયત સંઘના વચ્ચે શીત યુદ્ધ દરમિયાન વિમાનના પરિક્ષણ અને વિકાસ માટે બનાવાયો હતો. જોકે વર્ષ 1955માં તે ખોલાયો હતો, પરંતુ ઘણા વર્ષો સુધી આ જગ્યા અંગે લોકોને કોઈ જાણકારી ન હતી. પહેલીવાર તેના અસ્તિત્વને વર્ષ 2013માં સીઆઈએ દ્વારા ઓફિસ્યલી સ્વીકારવામાં આવી હતી. તેના ચાર મહિના બાદ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ જાહેરમાં એરિયા 51નો ઉલ્લેખ કર્યો હતો.

એવું મનાઈ રહ્યું છે કે અમેરિકી સેના અત્યાધુનિક વિમાનોને વિકસિત કરવા માટે આ એરિયા 51નો ઉપયોગ કરી છે. માનવામાં આવે છે કે લગભગ 1500 લોકો અહીં કામ કરે છે. જેમાંથી ઘણા લોકો લાસ વેગસથી ચાર્ટર્ડ વિમાન દ્વારા આવે છે.

એરિયા 51ની આસપાસ જે રીતે ગુપ્તતા છે, તેનાથી મનમાં ઘણા સવાલો ઊભા થાય છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે વર્ષ 1947માં ન્યૂ મેક્સિકોના રોસવેલમાં એલિયનનું એક અંતરિક્ષ યાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, તે યાનને અને તેના પાયલટ્સની લાશોને અહીં રાખવામાં આવી છે. જોકે અમેરિકી સરકારનું કહેવું છે કે તે કોઈ એલિયન વિમાન ન હતું પણ એક વેદર બલૂન હતું જે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ઘણા લોકોના એવા પણ દાવા છે કે એરિયા 51ના ઉપર યા આસપાસ ઘણીવાર યુએફઓને જોવાઈ છે, જોકે કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે એલિયંસનું અપહરણ કરાયું હતું અને તેમના પર ઘણા પ્રયોગો થયા હતા, પછી તેમને અહીં રખાયા હતા.

1989માં રોબર્ટ લેઝર નામના એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે અરિયા 51ની અંદર એલિયન ટેકનોલોજીનું કામ કર્યું છે. તેનો દાવો હતો કે તેણે એલિયંસની મેડિકલ તસવીરો પણ જોઈ છે. જોકે વાત ગમે તે હોય પણ એરિયા 51ની રહસ્યમયી દુનિયા મનમાં ઘણા પ્રશ્નો ઊભા કરશે, જેનો જવાબ હજુ સુધી ઓફિસ્યલી કોઈ આપી શક્યું નથી.