પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): ચૂંટણીના બે દિવસ પહેલા ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહિરનો એક મહિલા સાથેનો ઓડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો. આખો દિવસ સોશિયલ મીડિયામાં આ ઓડિયો ફરતો રહ્યો. જ્યાં જુઓ ત્યાં ગુજરાત આખામાં આ ઓડિયોની ચર્ચા હતી. બીજા દિવસે અખબારોમાં પણ આ ઘટનાએ ખાસ્સી જગ્યા રોકી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા પણ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયેલા હાર્દિક પટેલનો મહિલાઓ સાથેનો વીડિયો જાહેર થયો અને સોશિયલ મીડિયામાં તો ઠીક ન્યૂઝ ટીવી ચેનલ્સ અને અખબારોમાં દિવસો સુધી આ ઘટનાની નોંધ લેવાતી રહી હતી. 2017ની ઘટનાને કારણે ભાજપ ગેલમાં આવી ગયુ હતું કારણ હાર્દિક ભાજપને પાડી દેવાની વાત કરતો હતો. પરંતુ વાસણ આહિરનો ઓડિયો જાહેર થતાં ભાજપ શરમજનક સ્થિતિમાં આવી ગયુ છે. આ પ્રકારની ઘટનાઓ જ્યારે પણ ઘટે ત્યારે સોશિયલ મીડિયા ઉપર સતત ટ્રોલ થતી હોય છે. જેમને જીવનના અનેક કામોમાંથી નવરાશ હોય છે તેઓ વિવિધ પ્રકારની કોમેન્ટો પણ કરતા હોય છે.

હાર્દિક પટેલ અને વાસણ આહિરની ઘટના આઝાદ ભારતમાં પહેલી વખત ઘટી નથી. આવી ઘટનાઓ  સતત ઘટતી રહી છે. આવી ઘટનાઓનું મારે જ્યારે પણ રિપોર્ટીંગ કરવાનું આવ્યુ ત્યારે હું સ્પષ્ટ મતનો રહ્યો છું કે હાર્દિક હોય અથવા વાસણ આહિર હોય પણ સંપુર્ણ રીતે વ્યક્તિગત બાબત છે, પણ મારી આ વાત સાથે અનેક વાંચકો સહમત થતાં નથી કારણ તેમને લાગે છે તેમને આ મામલે ન્યાયાધીશ બની ન્યાય તોળવાની મળેલી તક ઉપર હું તરાપ મારી રહ્યો છું. લોકો આવી ઘટના વખતે  જેઓ આવી ઘટના સાથે સંકળાયેલા છે તેમની ઉપર વ્યભિચારી સહિત વિવિધ થપ્પા મારી દેવા માટે ઉતાવળીયા થઈ જાય  છે. અનેક વાંચકો જાણે હાર્દિક અને વાસણ આહિરને માફ કરવાના મુડમાં હોતા નથી.

હાર્દિક પટેલે જે કંઈ કર્યું અથવા વાસણ આહિર જે કંઈ કરી રહ્યા છે તેમને સવાલ પુછવાનો અને તેમનો કાન પકડવાનો અધિકાર માત્રને માત્ર તેમના માતા-પિતા, પત્ની, બાળકો, બહેન અથવા જેમને સંબંધના રૂએ અધિકાર મળ્યો છે તેઓ પુછી શકે કે તમે આવુ કેમ કર્યુ?  હાર્દિક અને વાસણ આહિરની ઘટનામાં એક સામ્યતા એવી પણ  છે કે હાર્દિકના વીડિયોમાં દેખાતી મહિલા અથવા વાસણ આહિર સાથે વાત કરતી મહિલા પૈકી કોઈ મહિલાએ પોતાનું શોષણ થયુ છે તેવી ફરિયાદ પોલીસમાં અથવા સમાજ સામે કરી નથી. આમ છતાં આપણે ન્યાયના ઠેકેદાર બની નૈતિકતાની ચર્ચા શરૂ કરી દઈએ છીએ. સરકારમાં બેઠેલી  કોઈ વ્યક્તિ અથવા જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ પોતાના પદ અને વગનો ઉપયોગ કરી કોઈને પરાણે સંબંધ બાંધવા ફરજ પાડતો નથી ત્યાં સુધી આપણે તેની સાથે નિસ્બત હોવી જોઈએ નહીં.

હવે સવાલ એવો ઉભો થાય છે કે જેઓ જાહેર જીવનમાં છે તેમના દ્વારા આ પ્રકારનો વ્યવહાર ઉચિત છે કે નહીં. હું માનુ છુ કે જાહેર જીવનની વ્યાખ્યામાં તો જમીન ઉપર જન્મ લેનાર તમામ માણસો આવે છે કારણ કોઈ ખાનગી જીવન જીવતા નથી અને તે શક્ય પણ નથી. નેતાઓ હજારો અને લાખો લોકો વચ્ચે જીવે છે. જ્યારે તમારા અને મારા જેવા સામાન્ય માણસો બસો-પાંચસો માણસોની વચ્ચે જીવતા હોય છે. તેનો અર્થ એવો થતો નથી કે લાખો લોકો વચ્ચે જીવતા માણસને લફરા કરવાનો અધિકાર નથી પણ આપણે લાખો લોકો વચ્ચે જીવતા નથી એટલે આપણે ઈચ્છીએ તેવી જિંદગી જીવી શકીએ, કોણે કેવી જિંદગી પસંદ કરી જીવવી તે તેનો  સંપુર્ણ વ્યક્તિગત અધિકાર  છે જે માપદંડ આપણને લાગુ પડે તે માપદંડ આપણા નેતાઓને લાગુ પડે છે. નેતાઓની ટીકા કરતા ઘણા વાંચકો મારા સહિત કેટલાય પત્રકારોને પણ ગાળો આપે છે. તેઓ માને છે કે અમે ભ્રષ્ટ છીએ કારણ અમે તેમને પસંદ વાતો સાથે સહમત નથી અને તેમને પસંદ પડે તેવુ લખતા નથી.

આવુ નેતાઓ અને પત્રકારો સાથે થાય છે તેવુ નથી. પોલીસ સાથે ખરાબ અનુભવ થાય તો બધા જ પોલીસવાળા ચોર બની જાય છે. ડૉક્ટર સાથે ખરાબ અનુભવ થાય તો બધા જ ડૉક્ટર્સ બદમાસ થઈ જાય છે. સરકારી કચેરીમાં કોઈ અધિકારી લાંચ માગે તો બધા અધિકારી લાંચિયા થઈ જાય છે. જ્યારે આપણે કહીએ છીએ કે દેશને ભ્રષ્ટચાર સામે વાંધો છે, ચારિત્ર્યહિન નેતાઓની ઘૃણા કરીએ છીએ ત્યારે મને લાગે છે આપણે પોતાને જ છેતરીએ છીએ. રસ્તામાં ટ્રાફિક પોલીસ આપણને કોઈ ગુનામાં પકડે અને બસો રૂપિયા દંડ ભરવાનું કહે ત્યારે એકસોમાં પતાવટ કરતી વખતે આપણને ભ્રષ્ટાચાર યાદ આવતો નથી. અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં સીટ લેવા માટે ચેકરને પાંચસો રૂપિયાથી વધારે આપતી વખતે આપણને વાંધો આવતો નથી પણ જ્યારે આપણા ખીસ્સાને પરવડે નહીં એટલા પૈસાની માગણી થાય ત્યારે જ આપણે દેશ ખાડે ગયાની વાત કરીએ છીએ.

ચાલો આપણે માની લઈએ કે નેતાઓ ચોર છે. પોલીસ ભ્રષ્ટ છે. ડોક્ટર્સ કસાઈ. પત્રકાર વેચાઈ ગયા છે. તો આ બધા કોણ છે? નેતા, પોલીસ, ડૉક્ટર, પત્રકાર, વકીલ, સરકારી અધિકારી બધા આપણામાંથી ત્યાં ગયા છે. જેનો અર્થ આપણે જેવા છીએ તેવો આપણો નેતા છે, તેવો આપણો પોલીસ છે, તેવા આપણા ડૉક્ટર, પત્રકાર અને વકીલ છે. જેનો બહુ સરળ અર્થ થાય કે જ્યારે પ્રજા જ ભ્રષ્ટ હોય ત્યારે તેમનો નેતા, પોલીસ અને ડૉક્ટર પણ તેવો જ હશે.