મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી છે, તેવું સ્કુલમાં જતા નાના બાળકોને પણ ખબર છે, પરંતુ અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનની બરાબર સામે આવેલા રામદેવનગરમાં માત્ર દારૂ જ નહીં પણ ગાંજો પણ ખુલ્લે આમ વેચાય છે. પોલીસ સ્ટેશનમાંથી હાંક મારો તો પણ રામદેવનગરમાં સંભળાય તેમ છે પરંતુ છેલ્લાં કેટલાય મહિનાથીઓ સવાર સાંજ દારૂ ગાંજાની વિરૂધ્ધમાં રેલીઓ કાઢતી મહિલાઓની પીડા પોલીસને સંભળાતી નથી. દારૂ ગાંજામાં બરબાદ થઈ રહેલા પોતાના પતિ અને સંતાનોને બચાવવા માટે રામદેવનગરની મહિલાઓ એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો અને તે અંગે નિયમ પ્રમાણે સેટેલાઈટ પોલીસ પાસે મંજુરી પણ માંગી પણ પોલીસે મંજુરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. ધરણાની મંજુરી કેમ મળતી નથી, તેવું પુછવા ગયેલી મહિલાઓને પોલીસે કહ્યું તમે ધરણા કરશો તો અમારી આબરૂ જશે.

અમદાવાદના સમૃધ્ધ ગણાતા સેટેલાઈટ વિસ્તારમાં રામદેવનગર નામની એક વસાહત છે, જ્યાં બાવરી સમુદાયના લોકો રહે છે, બાવરી સમુદાયમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને દારૂ અને ગાંજાના વ્યસનનું પ્રમાણ વધારે છે, બરાબર સેટેલાઈટ પોલીસ સ્ટેશનની સામે રામદેવનગરમાં દારૂ અને ગાંજોનું ખુલ્લેઆમ વેચાણ થાય છે, રામદેવનગરનું ભાગ્યે જ કોઈ ઘર એવુ હશે કે ઘરના પુરૂષો આ વ્યસનથી બચી શક્યા હશે, આ ઉપરાંત ખાસ કરી ગાંજો ખરીદવા માટે ઘણા કોલેજ -સ્કુલ સ્ટુડન્ટ્સ પણ રામદેવનગરમાં આવે છે. આ સમસ્યાનો અંત આણવા માટે બાવરી સમુદાયની સ્ત્રીઓ સમુદાયના આગેવાનો અને પંચને મળી રજૂઆત કરી કે આપણો સમુદાય બરબાદ થઈ રહ્યો છે જેના કારણે આપણા વિસ્તારમાં મળતો દારૂ-ગાંજો બંધ કરાવવામાં આવે પણ આ મામલે બાવરી સમુદાયના પંચે પણ મહિલાઓને કોઈ મદદ કરવાનો ઈન્કાર કર્યો હતો.

બાવરી સમુદાયની મહિલાઓ લડી લેવાના મુડમાં હતી. તેમણે સવાર સાંજ પોતાના વિસ્તારમાં દારૂ ગાંજો બંધ કરાવવા માટે રેલી કાઢવાની શરૂઆત કરી, પણ બાવરી સમુદાયના જે લોકો દારૂ ગાંજો વેંચતા હતા તેમની ઉપર તેની કોઈ અસર થઈ નહીં, ખરેખર તો આ કામ પોલીસનું છે પણ પોલીસ નિષ્ફળ જવાને કારણે બાવરી મહિલાઓ મેદાને પડી, પણ દારૂ ગાંજામાં અઢળક કમાણી હોવાને કારણે દારૂ ગાંજો વેચતા લોકોએ તેમને અટકાવી શકે તેવા તમામ સાથે ગોઠવણ કરી લીધી હતી, એટલે રેલીઓનો પણ કોઈ પ્રભાવ પડયો નહીં. આખરે આ મહિલા આ વિસ્તારમાં કામ કરતી સ્વૈચ્છીક સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ પાસે પહોંચી મંચના આગેવાન મીત્તલ પટેલને મળી તેમણે રજૂઆત કરી હતી.

મીત્તલ પટેલે તેમને કહ્યું કે, દારૂ ગાંજો બંધ કરાવવા માટે તમારે જાતે જ લડવુ પડશે, બાવરી સમુદાયની મહિલાઓ પોતે લડાઈ માટે તૈયાર હતી, આખરે નક્કી થયું કે તા 20મી મેના રોજ રામદેવનગરમાં પ્રવેશવાના રસ્તા ઉપર બાવરી સમુદાયની મહિલાઓ સાંજના 5 થી 7 દેખાવ કરી પોલીસ અને સમાજનું આ મુદ્દે ધ્યાન દોરશે, આ  દેખાવ માટે મીત્તલ પટેલ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર અને સેટેલાઈટ પોલીસને તા 17મી મેના રોજ મંજુરી માંગતી અરજી કરવામાં આવી હતી, પરંતુ તા 19મીના રોજ સેટેલાઈટ પોલીસે મંજુરી આપવાનો ઈન્કાર કર્યો હતો, આથી મીત્તલ પટેલ અને મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી અને મહિલા પોલીસ ઈન્સપેકટર પાસે મંજુરી કેમ આપતા નથી, તેવી પૃચ્છા કરી ત્યારે જવાબ મળ્યો કે, આ દેખાવ સીધો તમે પોલીસ સામે દેખાવ કરી રહ્યા છો અને તમે દેખાવ કરો તો અમારી આબરૂ જાય માટે મંજુરી આપીશું નહીં.

એક તરફ પોલીસ દારૂ ગાંજો રોકી શકતી નથી અને જે મહિલા તેની સામે લડે છે તેને મદદ પણ કરવા તૈયાર નથી. જો કે આ મહિલાઓ પોતાની ધરપકડની તૈયારી સાથે સાંજના દેખાવો કરવાનો નિર્ણય કરી લીધો છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ પોતાની આબરૂને કઈ રીતે મુલવે છે.