પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): સુરતના 432 હિન્દુઓએ પાંચ વર્ષ પહેલા હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની મંજુરી માંગી હતી. તાજેતરમાં સુરત કલેક્ટર દ્વારા તે પૈકી 432 હિન્દુઓને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની મંજુરી આપી દીધી છે. ગુજરાત અને દેશમાં આ કોઈ પહેલી ઘટના નથી. દેશના અનેક મોટા દલિત નેતાઓ અને દેશના લાખો હિન્દુઓ પોતાનો જન્મ જે હિન્દુ ધર્મમાં થયો તેનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે. માણસ પોતાના ચહેરાને, નામ અને ધર્મને કાયમ પ્રેમ કરતો જ હોય છે પરંતુ લાખો દલિત પોતાનું નામ અને ધર્મ બદલી રહ્યા છે છતાં કરોડો રૂપિયાના ખર્ચે મંદિરો અને મઠો બનાવી રહેલા આપણા હિન્દુ નેતાઓને શરમ શુદ્ધા આવતી નથી. માત્ર ચોક્કસ જ્ઞાતિમાં જન્મ લેવાના કારણે મળતી વેદનાઓ અને અપમાનને કારણે હિન્દુઓ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી રહ્યા છે છતાં આપણા કહેવાતા સાધુ-સંતો અને કહેવાતા સુધારાવાદી કથાકારોની નજર સામે માણસ માણસ ઉપર અત્યાર કરે તેને રોકવા માટે અસરકાર પગલા ભરાયા નથી.

આઝાદીની લડાઈનું રણશીંગુ ફુંકનાર મહાત્મા ગાંધીને 1916માં જ સમજાઈ ગયુ હતું. દેશ ગુલામીની દશામાં છે તેની સાથે માનસીક ગુલામીમાં પણ છે. દેશના દલિતો સાથે ઉચ્ચ વર્ણના લોકો જે પ્રકારનો વ્યવહાર કરી રહ્યા છે તે હરગીજ ચલાવી લેવા તેમ નથી. જેના કારણે બાપુ (મહાત્મા ગાંધી) એ પોતાના આશ્રમમાં દલિત પરિવાર લાવી વસાવ્યો હતો. માત્ર ગાંધીજી જ નહીં બાબા સાહેબ આંબેડકર પોતે પણ દલિત વિરોધી માનસિકતાનો ભોગ બનતા હતા, જેના કારણે તેમણે પોતાના મૃત્યુના વીસ વર્ષ પહેલા કહ્યુ હતું કે હું ભલે હિન્દુ ધર્મમાં જન્મ્યો પણ મારૂ મૃત્યુ હિન્દુ તરીકે થશે નહીં, તેઓ 1956માં મૃત્યુ પામ્યા તેના થોડા મહિના પહેલા નાગપુરમાં બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો અને ત્યારે તેમની સાથે લાખો દલિતોએ પણ બૌદ્ધ  ધર્મનો અંગીકાર કર્યો હતો. ત્યારથી આજ સુધી દેશના લાખો દલિતો પોતાનો ધર્મ છોડી બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી રહ્યા છે.

એક તરફ આપણે અયોધ્યામાં રામ મંદિર માટે વર્ષોથી લડી રહ્યા છીએ. રામ મંદિરના નામે સરકારો બદલાતી રહે છે. જે રામને આપણે જોયા નથી તેના માટે લડીએ છીએ પણ જે માણસને આપણે આપણી નજર સામે રોજ જોઈ છીએ પણ તે કોઈ એક ચોક્કસ કુળમાં જન્મ્યો હોવાને કારણે આપણે રોજ તેનું અપમાન કરીએ છીએ, તેનો તીરસ્કાર કરીએ છીએ છતાં ગૌરવપુર્વક આપણે પોતાને રામના વંશજ અને હિન્દુ હોવાનું ગૌરવ લઈ રહ્યા છીએ. આપણા કેટલાક હિન્દુ સંતો અને મહંતોને માણસને માણસ બનાવવાનો વિચાર આવ્યો નહીં તેના બદલે તેમણે મોંઘા આરસમાંથી ઈશ્વર બનાવ્યો અને તેના ઘુંમટને સોનાથી મઢી દીધા, સંતો અને મહંતોએ મંદિરની બહારની દુનિયામાં શુ થઈ રહ્યુ છે તેની ચિંતા ઘણીવાર કરી નહીં. તેવી જ રીતે પોતાને સુધારાવાદી કથાકારો કહેતા કથાકારોએ પોતાની છબીને નુકશાન થાય નહીં તેવા સુધારા સમાજ પાસે કરાવ્યા હતા.

કથાકારો પણ બે પ્રકારના થયા. એક કથા કથાકારો શ્રીમંતો અને ઉદ્યોગપતિઓ સુધી સિમિત રહ્યા અને બીજા કથાકારો સરકારી કથાકારો થઈ ગયા. તેઓ જેની સરકાર તેની સાથે રહ્યા. આમ આપણા મંદિરો અને મઠો ભવ્ય થયા અને કથાકારોના કથા મંડપ મહેલો જેવા થયા પણ મંદિરો અને કથામાં આવતો માણસ અંદરથી કેટલો ખોખલો થઈ રહ્યો છે તેની તેમણે ક્યારેય ચિંતા જ કરી નહીં. જે દેશમાં દલિતો માટે અલગ કુવા અને પાણીના નળ અલગ હોય, મંદિરોમાં પણ તેમને પ્રવેશ મળે નહીં, સામાન્ય લોકો સાથે તેઓ નવરાત્રીમાં નાચી શકે નહીં, દલિતોની વસાહત પણ અલગ થાય તો આ ક્યા પ્રકારનું હિન્દુત્વ? તેવો પ્રશ્ન કોઈ સાધુ સંતોએ પોતાના ભક્તોને પુછ્યો નહીં. જેના કારણે દલિતોએ રોજના અપમાનથી બચવા માટે પહેલા તો પોતાની નામ અને અટકો બદલવાની શરૂઆત કરી, દલિતોએ પણ પંડ્યા, અમીન અને પટેલ જેવી ઉચ્ચ વર્ણમાં આવતી અટકો ધારણ કરી જેથી કરી આપનારી તેમની પેઢી નવી ઓળખ મેળવે અને પોતાને પરમાર અને મકવાણા જેવી અટકને કારણ જે ત્રાસ સહન કરવો પદ્યો તેમાંથી નવી પેઢીને બચાવી શકાય.

પણ આ પ્રયોગ ખાસ સફળતા અપાવી શક્યિ નહીં, કારણ ખોટ નામમાં ન્હોતી, ખોટ તો માનસિકતામાં હતી. અટક બદલ્યા પછી પણ તેમના જન્મના દસ્તાવેજોમાં તેમની સાચી ઓળખ હતી, જેમાં તેમની જાતી અને જ્ઞાતિનો ઉલ્લેખ ડોકિયા કરતો હતો. જેના કારણે આખરે થાકી જ્યાં આપણને માણસ ગણવામાં આવશે તેવા ધર્મમાં જઈશુ તેવુ માની દેશના લાખો દલિતો દર વર્ષે બૌદ્ધ થઈ રહ્યા છે. પણ આપણા સાધુ-સંતો અને કથાકારોને તેની શરમ પણ આવતી નથી. જ્યારે પણ દલિતોની વાત નિકળે ત્યારે તરત પાંચમાંથી ત્રણ વ્યક્તિઓ કહે છે ખોટી વાત છે. હવે પહેલા જેવુ રહ્યુ નથી હવે તો ઘણો સુધારો થયો છે. હું કહુ છું ના કંઈ જ બદલાયુ નથી, કદાચ પહેલા કરતા જ્ઞાતિ અને ધર્મની કટ્ટરતા પહેલા કરતા વધી છે. પછી તરત બીજી દલીલ થાય કે ગામડાઓમાં આવુ થતુ હશે શહેરમાં તો કોઈ હવે જ્ઞાતિ પુછતાં નથી. પણ હું કહીશ શહેરો પણ બદલાયા નથી, તેનું તાજુ ઉદાહરણ સુરત જેવા ગુજરાતના કોસ્મોપોલીટન શહેરમાં 500 દલિતો બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે. જે પોતાને હિન્દુ ગણે છે તે તમામ માટે આ બાબત શરમજનક છે.