પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેના કારણે હવે ફરી રામ મંદિર સહિત હિન્દુ-મુસ્લિમના પ્રશ્નો અને વિવાદો સપાટી ઉપર આવશે. કારણ આપણી ચૂંટણી આપણા દેશની ગરીબી , શિક્ષણ અને રોજગાર જેવા પ્રશ્નો ઉપર કોઈ પણ પક્ષ લડતો નથી. ભાજપ કોંગ્રેસ ઉપર આરોપ મુકશે કે કોંગ્રેસ મુસ્લિમનું તુષ્ટીકરણ કરે છે અને કોંગ્રેસ કહેશે કે ભાજપની નિતીઓ લધુમતીની વિરૂધ્ધમાં છે. વર્ષોથી આવા આરોપ સાંભળી રહેલી પ્રજા પણ હવે માનવા લાગી છે કે ભાજપ હિન્દુ તરફી અને મુસ્લિમ વિરોધી છે, જયારે  કોંગ્રેસ મુસ્લિમ તરફી છે.

પહેલી નજરે સાવ સામાન્ય લાગતી આ વાત ખુબ જ અસામાન્ય છે. દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધીની ઘટનાઓને જરા જુદા દ્રષ્ટીકોણથી જોઈ અને વિચારીએ તો કોંગ્રેસની કરણી અને વ્યવહારમાં રહેલો ભેદ સમજાઈ જશે. કોંગ્રેસના નેતાઓ બીનસાપ્રદાઈક હોવાનો દાવો કરે છે. પરંતુ કોંગ્રેસી નેતાઓ નખશીખ હિન્દુત્વ તરફી છે કદાચ તેઓ ભાજપીઓ કરતા પણ વધુ કટ્ટર હિન્દુ છે તેવુ કહીએ તો અતિશયોક્તિ કહેવાશે નહીં. કોંગ્રેસના શાસન ઉપર નજર કરીએ તો મુસ્લિમોને સૌથી વધુ કોઈએ નુકશાન કર્યુ તો તે કોંગ્રેસે છે. કોંગ્રેસે કહ્યા વગર મુસ્લિમોને શિક્ષણથી વંચીત રાખ્યા અથવા તેઓ શિક્ષિત થાય તે દિશામાં કોઈ પ્રયાસ કર્યો જ નહીં, જેના કારણે હિન્દુઓની સરખામણીમાં મુસ્લિમોમાં શિક્ષણનું પ્રમાણ ઓછુ રહ્યુ.

મુસ્લિમોમાં શિક્ષણનું પ્રમાણ ઓછુ રહ્યુ તેના કારણે સરકારી નોકરી સહિત વિવિધ સરકારી હોદ્દા ઉપર પણ મુસ્લિમ વસ્તીની ટકાવારી કરતા ઓછા મુસ્લિમો સરકારનો હિસ્સો બન્યા. વાત માત્ર સરકારી હોદ્દા ઉપર જ નહીં કોંગ્રેસે પોતાના પક્ષમાં પણ મુસ્લિમોને પુરતુ નેતૃત્વ આપ્યુ નહીં. દેશમાં આટલી મોટી સંખ્યા મુસ્લિમોની હોવા છતાં કોંગ્રેસે એક પણ મુસ્લિમને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચવા દિધા નહીં. કોઈ મુસ્લિમ નેતા રાષ્ટ્રીય ફલક ઉપર પહોંચે અને તે નેતાને  કાશ્મીરથી કન્યાકુમારીના મુસ્લિમોને પોતાનો નેતા માને તેવુ થવા દિધુ નહીં. કોગ્રેસ માટે મુસ્લિમો તેમની વોટ બેન્ક કરતા વિશેષ ક્યારેય રહ્યા નહીં. કોંગ્રેસમાં જે મુસ્લિમ નેતા રહ્યા તે મહોલ્લા અને ક્યારેક રાજ્યના નેતા બની રહી ગયા.

જ્યા સુધી કોમી રમખાણોનો સવાલ છે અને તેમા માર્યા જતા મુસ્લિમની વાત છે તો સૌથી વધુ મુસ્લિમો કોંગ્રેસના શાસનમાં માર્યા ગયા આંકડા આજે પણ ઉપલ્બધ છે. કોમી રમખાણોની વાત આવે ત્યારે તરત 2002 અને નરેન્દ્ર મોદીનું નામ માનસપટ ઉપર આવે છે. પરંતુ 2002માં થયેલા તોફાનો કરતા પણ વિકરાળ તોફાન 1969માં થયા હતા. ત્યારે કોંગ્રેસનું શાસન હતું અને બીનસત્તાવાર આંકડા પ્રમાણે પાંચ હજાર મુસ્લિમો માર્યા હતા. 1969 અને 2002 વચ્ચે તફાવત એટલો જ છે કે 1969માં ટેલીવીઝનનું આગમન થયુ ન્હોતુ જેના કારણે ત્યારના તોફાનની વિકરાળતા આપણે જોઈ શક્યા નહીં. મુસ્લિમો મારવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસમાં સર્વસંમત્તી છે.

મુસ્લિમ તરફની ધૃણા અને મારી નાખવા જેવુ કૃત્ય ભાજપ દિવસના અજવાળામાં કરે છે તેવા જ કામ કોંગ્રેસ રાતના અંધારામાં અને બોલ્યા વગર કરે છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યનો ઈતિહાસ તપાશો તો અંદાજ આવશે કે બીજા કોઈ પણ પક્ષના શાસન કરતા કોંગ્રેસના શાસનમાં મુસ્લિમોની હત્યા વધુ થઈ છે. કોંગ્રેસ માત્ર હિન્દુ તરફી નથી પણ તે હિન્દુ તરફી હોવાની સાથે કટ્ટર બ્રાહ્મણવાદી પક્ષ છે. કોંગ્રેસનું શાસન જ્યારે પણ દેશ ઉપર રહ્યુ છે ત્યારે રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ, ચૂંટણી પંચના વડા જેવા દેશના મહત્વના પદ ઉપર નિયુક્તિ મેળવનાર બ્રાહ્મણોની સંખ્યા વિશેષ રહીં છે.