મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ:  ક્રિકેટ સહિતની રમતો ઉપર સટ્ટો રમાડી રહેલા બુકીઓ ગુજરાતની ચૂંટણી ઉપર પણ કરોડો રૂપિયાનો સટ્ટો રમાડી રહ્યા હતા. મહિના પહેલા બુકીઓએ ભાજપને 110 બેઠકો મળી રહી છે તેવા દાવા સાથે ભાજપના પચાસ પૈસા અને કોંગ્રેસનો  દોઢ રૂપિયાના ભાવ આપી સટ્ટો લખવાની શરૂઆત કરી હતી, પણ ચૂંટણીના ઉમેદાવારો જાહેર થયા બાદ બુકીઓ દ્વારા ભાજપને 105 બેઠકો અને કોંગ્રેસને 90 બેઠકો મળી રહી છે તેવા દાવો કરી ભાજપ અને કોંગ્રેસનો એક-એક રૂપિયો ભાવ કરી દીધો હતો.

પરંતુ છેલ્લાં ત્રણ દિવસથી તમામ બુકીઓ ગુજરાતની ચૂંટણીમાં ભાજપ અથવા કોંગ્રેસ જીતશે તેની ઉપર દાવ લગાડવાનું બંધ કરી દીધુ છે. એક બુકી સાથે થયેલી વાતચીત પ્રમાણે આંકડાઓ પ્રમાણે ભાજપની જીત નિશ્વીત હોવાનું હમણાં સુધી લાગી રહ્યુ હતું, પરંતુ સામા પક્ષે કોંગ્રેસ અને હાર્દિકની સભામાં જે રીતે ભીડ વધવા લાગી અને નરેન્દ્ર મોદીની સભામાં ભીડ ઘટવા લાગી તેના કારણે ખરેખર પરિણામ શુ આવશે તે અસ્પષ્ટ છે. આ સંજોગોમાં જુના ભાવ પ્રમાણે બુકીઓ લખવાનું ચાલુ રાખે તો મોટી ખોટ આવવાની સંભવાના છે. જેના કારણે બુકીઓ હવે આ સટ્ટો આગળ કરવા માગતા નથી.

બીજા તબક્કાના મતદાન પહેલા બુકીઓ બજારમાંથી ખસી જતા ભાજપના નેતાઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે કારણ હમણાં સુધી બુકી માટે ભાજપ હોટ ફેવરીટ હતું, પણ બુકીના મનમાં ઉભી થયેલી અસ્પષ્ટતાએ ભાજપના નેતાઓને પણ ફરી ગણિત માંડવા મંજબુર કર્યા છે.