પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સામાન્ય સંજોગોમાં વિવિધ રમતો ઉપર સટ્ટો કરતા બુકીઓ હવે ગુજરાતની ચૂંટણી તરફ વળ્યા છે. ગુજરાતમાં ચૂંટણી થાય તો કયા પક્ષની સરકાર બનશે તેની ઉપર કરોડોનો સટ્ટો રમાઈ રહ્યો છે, ગુજરાતની ચૂંટણી ઉપર ગુજરાતના ખેલીઓ કરતા ગુજરાત બહારના ખેલીઓ બુકીઓ વધુ સક્રિય બન્યા છે.

સટ્ટા બજારની ધારણા પ્રમાણે ગુજરાતમાં ભાજપને 95-100 બેઠકો મળી રહી છે. બુકીઓ માને છે કે ગુજરાતમાં ભાજપની સીટો ઘટવા છતાં તેઓ સરકાર બનાવવા પુરતી પાતળી બહુમતી મેળવી રહ્યા છે. જ્યારે કોંગ્રેસને 75-80 બેઠકો મળી રહી છે તેવું તેમનું અનુમાન છે, આમ બુકીના મતે કોંગ્રેસની બેઠકોમાં ખાસ્સો વધારો થવા છતાં તેઓ સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. સટ્ટા બજારના ભાવ પ્રમાણે હમણાં ભાજપ અને કોંગ્રેસનો ભાવ એક-એક રૂપિયો જ છે, આમ બંન્ને પક્ષોના સટ્ટાનો ભાવ સરખો ચાલી રહ્યો છે. એક બુકીના જણાવ્યા પ્રમાણે આપને ગુજરાતમાં એક  પણ બેઠક મળતી નથી તેના કારણે બુકી આપ ઉપર કોઈ સટ્ટો કરતા નથી.