મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના એક દુષ્કર્મ કેસમાં આરોપીને પાસા કરવાની ધમકી આપી 35 લાખની લાંચ માગવા અને 20 લાખનો હવાલો પાડવાના કેસમાં પીએસઆઈ શ્વેતા જાડેજાના ચર્ચા આખા દેશમાં છે. હાલમાં જ તપાસ ટીમએ કેશોદ ખાતેના તેના ઘરે તપાસ ચલાવી હતી. મંગળવારે સેસન્સ કોર્ટમાં તેના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટે તેના રિમાન્ડ નામંજુર કર્યા હતા. આ દરમિયાન ઘટસ્ફોટ થયો કે શ્વેતા જાડેજા રૂપિયા 1 લાખ 11 હજારની કિંમતનો મોબાઇલ વાપરતી હતી અને આ મોબાઇલ  ફોનના બિલની ચુકવણી ક્રેડિટ કાર્ડથી યોગેશ શર્મા નામની વ્યક્તિએ કરી હતી. હવે સવાલ એ ઉભો થયો છે કે આ યોગેશ શર્મા કોણ છે ? અને તેણે કેમ આટલી મોટી રકમ ચુકવી? આ સવાલનો જવાબ તો પોલીસ તપાસમાં જ બહાર આવશે.

તોડ કેસમાં પીએસઆઇ શ્વેતા જાડેજાના એસઓજીને ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતાં પરંતુ હવે તે પુરા થયા છે. કોર્ટ સમક્ષ પીએસઆઈ શ્વેતાના વધુ રિમાન્ડ માગવામાં આવ્યા હતા. મંગળવારે કોર્ટે તે રિમાન્ડ ખારીજ કર્યા હતા. શ્વેતાના કેસમાં કોર્ટે રિમાન્ડ ફગાવતા કહ્યું કે, તપાસ માટે પુરતો સમય આપવામાં આવ્યો છે. હાલ શ્વેતા જાડેજાને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાના આદેશ કર્યા છે.

મહિલા પીએસઆઈને સ્ટાઈલીશ રહેવાનો ખુબ શોખ છે, તેની પાસે ઘણી એવી વસ્તુઓ છે જેની કિંમત જોઈ શંકાઓ ઉપજે તેમ છે. રિમાન્ડ વખતે શ્વેતાએ પોતે કાયદાની જાણકાર હોવાને પગલે સહયોગ આપ્યો ન હતો. હવે જ્યારે કોર્ટે તેના વધુ રિમાન્ડ આપવાની ના પાડતાં તપાસ કરનારી ટીમને નિરાશ થવું પડ્યું હતું. જીએસપી ક્રોપ સાયન્સ પ્રા. લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર કેનલ વી. શાહને પાસા નહીં કરવા માટે ૩૫ લાખ માગવાના કેસમાં પકડાયેલા મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજાને બચાવવા ઘણા અન્ય પ્રયત્નો પણ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.