મેરાન્યૂઝ નેટવર્ક અમદાવાદ: ગુજરાત પોલીસના સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારી શીવાનંદ ઝા અને અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંગ વચ્ચે લાંબા સમયથી કોલ્ડવોર ચાલી રહી હતી, તાજેતરમાં અમદાવાદના સોલા અને સેટેલાઈટ  વિસ્તારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે કોલ સેન્ટરો ઉપર દરોડો પાડયો હતો અને દરોડા વખતે રેડને રોકવા સરદારસિંગ નામનો એક કોન્સટેબલ દોડી આવ્યો હતો, આ  બાબત અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંગના ધ્યાન ઉપર મુકવામાં આવતા તેમણે સરદારસિંગને સસ્પેન્ડ કરી દીધો છે. જો કે આ ઘટના પછી શીવાનંદ ઝા અને એ કે સિંગને પુછવામાં આવે કે તમને વાંધો કયાં પડયો ત્યારે મને સફાઈપુર્વક કહેશે કે તેઓ નિયમ પ્રમાણે જ કામ કરી રહ્યા છે. પણ હવે તેમના વચ્ચે તંગ થયેલા સંબંધોની જાણ ચીફ મિનીસ્ટર ઓફિસ સુધી થઈ છે.

છેલ્લાં પાંચ-સાત વર્ષથી અમદાવાદમાં ચાલી રહેલા અસંખ્ય કોલ સેન્ટરો દ્વારા વિદેશમાં વસતા નાગરિકોને ડરાવી તેમને પાસેથી કરોડો રૂપિયા રોજ પડાવી લેવામાં આવતા હતા, ગુજરાત પોલીસ માટે આ કોલ સેન્ટરો દારૂ કરતા પણ વધારે કમાણી કરી આપતા હતા, પરંતુ ત્રણ વર્ષ પહેલા અમેરીકાના એફબીઆઈ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી અને પોતાના અમેરીકન નાગરિકોને અમદાવાદ અને મુંબઈના કોલ સેન્ટરો દ્વારા લુંટવામાં આવી રહ્યા છે તેવી જાણકારી મળતા અમેરીકાના દુતાવાસ દ્વારા ભારત સરકારને આ મામલે પત્ર લખ્યો હતો, જેની અસર મુંબઈ અને અમદાવાદ પોલીસ સુધી પહોંચી હતી.

આ મામલે અમદાવાદ પોલીસના કેટલાંક અધિકારીઓ સક્રિય રીતે સંકળાયેલા હતા, અમદાવાદ પોલીસની મહત્વની ગણાતી પ્રિવેન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચમાં આ સ્ટાફ ફરજ બજાવતો હતો, જેમાં કોન્સટેબલ સરદારસિંગ પણ હતો. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે શીવાનંદ ઝા જયારે નિયુકતી થયા ત્યારે તેમણે પોતાની ટીમ પસંદ કરી અધિકારીઓ અને સ્ટાફને મુકયા હતા, સામાન્ય રીતે પોલીસ કમિશનર બદલાય તેની સાથે પીસીબી સ્ટાફ પણ બદલાય છે પણ એ કે સિંગ પોલીસ કમિશનર થયા પછી તેમણે શીવાનંદ ઝા દ્વારા મુકવામાં આવેલા સ્ટાફને યથાવત રાખ્યો હતો. આમ પીસીબી શહેરનાં ચાલતા નાના મોટા તમામ ધંધાઓ અને કોલ સેન્ટરોની પ્રવૃત્તીથી વાકેફ હતી.

 તાજેતરમાં સેટેલાઈટ વિસ્તારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સાયબર બ્રાન્ચે દરોડોના કાર્યવાહી શરૂ કરી ત્યારે તેમને રોકવા પીસીબીનો કોન્સટેબલ સરદારસિંગ ત્યાં પહોંચી ગયો઼હતો, જો કે મહત્વની બાબત એવી છે કે સરકારસિંગનો ગોડ ફાધર કોણ છે, સરદારસિંગ તો આખી રમતનું એક પ્યાદુ છે. ખરેખર સરદારસિંગ કોના માટે કામ કરે છે અને કોના આદેશથી તે રેડ રોકવા માટે કોલ સેન્ટર ઉપર પહોંચ્યો હતો તેની તપાસ કરવાની જરૂર છે, જો કે સરદારસિંગને પોલીસ કમિશનર દ્રારા સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસના અનેક  ઉચ્ચ અધિકારીઓ નારાજ થયા છે કારણ તેમની સહાનુભુતી સરદારસિંગ સાથે છે.

તેમને બચાવ છે કે જયારે કોલ સેન્ટર ઉપર રેડ થઈ ત્યારે સરદારસિંગને જાણકારી મળી કે કોઈ નકલી પોલીસવાળા રેડ કરવા આવ્યા છે તેથી તે ખરેખર પોલીસ છે નકલી પોલીસ છે તેની ખરાઈ કરવા ત્યાં પહોંચ્યો હતો પણ જયારે સરદારસિંગને ખબર પડી કે ક્રાઈમ બ્રાન્ચ છે ત્યારે તે ત્યાંથી પરત ફર્યો હતો, સરદારસિંગે પોતાના બચાવમાં પણ સિનિયર પોલીસ અધિકારીઓને આ કારણ જ આપ્યુ છે. જો કે કોલ સેન્ટર ઉપર પોલીસે રેડ કરી તે જાણકારી નજીકમાં આવેલા સ્થાનિક પોલીસ સ્ટેશનને ના થઈ પણ સેટેલાઈટથી દસ કિલોમીટર દુર અમદાવાદ કમિશનર બેસતા સરદારસિંગને  કોણે જાણ કરી તેનો જવાબ તો તે પોતે જ આપી શકે તેમ છે.