પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ,અમદાવાદ): દેશમાં કોરોનાને કારણે ધંધા રોજગારની જે સ્થિતિ નિર્માણ થઈ છે ,તેના કારણે ચારેકોરથી મંદીની બુમો ઉઠવા લાગી છે,દેશમાં લાખો લોકો બેરોજગાર થયા છે તે વાતને નકારી શકાય તેમ નથી પણ ખરેખર આપણે વિકટ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ ? આપણી સામે જે સ્થિતિ છે તેનો સામનો થઈ શકે તેમ છે કે નહીં તેનો ખુબ શાંતિથી વિચાર કરીએ તો ખબર પડશે આપણે જે સમસ્યાને વિકરાળ માનીએ છીએ એટલી સમસ્યા વિકરાળ નથી. ધંધા રોજગાર બંધ થયા અથવા આવકના સ્ત્રોતમાં ઘટાડો થયો છે તે વાસ્વીકતા છે પણ હાલમાં તકલીફની બુમો જે વર્ગ પાડે છે તે મધ્યમ-ઉચ્ચ મધ્યમ અને શ્રીમંત વર્ગ છે, જે ગરીબને તકલીફ પડી છે, તે ગરીબ વર્ગ તો આ પરિસ્થિતિને પ્રારબ્ધ માની તેમા જીવતા બહુ જલદી શીખી જાય છે.

આપણી મોટા ભાગની તકલીફો આપણે જાતે નિર્માણ કરેલી છે,ઉદારહણ રૂપે વાત કરીએ તો પહેલા આપણા ઘરે ફોન પણ ન્હોતો,તો પણ આપણી જીંદગી સરળ ચાલતી હતી, હવે આપણા ઘરમાં જેટલા માણસ એટલા સેલ ફોન થઈ ગયા છે, આવુ વાહનનું છે પહેલા ઘરમાં એકાદ સ્કુટર હોય તો તેમની ગણના શ્રીમંતમાં થતી હતી, હવે ઘરમાં દરેક વ્યકિતનું અલગ વાહન છે,હાલમાં એસ્ટ્રોલીયા રહેતા મારા અમદાવાદી મિત્ર ડૉ કૌશીક મહેતા કહે અમે નાના હતા,ત્યારે તમામ ભાઈ-બહેન મમ્મી-પપ્પા-કાકા-કાકી અને દાદા-દાદી સાથે રહેતા અને તમામ માટે ન્હાવાનો એક જ સાબુ આવતો હતો હવે ઘરમાં દરેક વ્યકિત પોતાની પસંદ અને બ્રાન્ડનો અલગ સાબુ અને અલગ શેમ્પુ મંગાવે છે આમ માત્ર આપણા એક દિવસની જરૂરીયાત ઉપર જ નજર કરીએ તો આપણા જીવનમાં એટલી બધી બાબતો ઉમેરાઈ ગઈ છે જેના વગર આપણને ચાલી શકે અથવા ચલાવી લઈ તો જીવનમાં કોઈ ફેર પડતો નથી.

થોડા મહિના પહેલા અમે મુંબઈના જાણિતા પત્રકાર દિપક સોલીયાના સાબરમતી જેલમાં કેદીઓ સાથે મુલાાકાત કરવા લઈ ગયા હતા. દિપકે ગાંંધી ખોલીમાં કેદીઓ સાથે વાત કરતા એક સવાલ પુછયો કે કયો દેશ શ્રીમંત ગણાય, જે દેશમાં બુલેટ ટ્રેન છે કે પછી જે દેશની પ્રજા બુલેટ ટ્રેન વગર જીવી શકે, બહુ સરળ લાગતા પ્રશ્નને સમજાવતા દિપકે કહ્યુ 1909માં ગાંધીજીએ લખેલા હિન્દ સ્વરાજનો મર્મ જ આ છે જે પ્રજા સગવડ વગર જીવી તે જ સમૃધ્ધ છે, આવુ જ કઈક વર્ષો પહેલા મુંબઈમાં પોતાનો કરોડોનો હિરાનો કારાબોર છોડી સાધુત્વનો માર્ગ પસંદ કરનાર અતુલ શાહએ હિતરૂચીવિજય મહારાજ થયા પછી અનેક સભામાં કહ્યુ છે કે આ દેશની પ્રજાને સુખી થવુ હોય તો હિન્દ સ્વરાજ વાંચવુ જોઈએ,1909માં ઈગ્લેન્ડથી આફ્રિકા જતી વખતે જહાજમાં લખેલા હિન્દ સ્વરાજમાં ગાંધીએ ગામડાઓને સમૃધ્ધ કરી સુખી થવાનો રસ્તો બતાડયો છે.

આપણા દેશની તમામ સરકારો અને પ્રજાએ ગામડા તરફ દુર્લક્ષ દાખવ્યુ જેના કારણે ગામના યુવાનો શહેર તરફ દોડતા રહ્યા અને ગામડા ખાલી થયા પણ જેવો કોરોના આવ્યો તેની સાથે જેમની પાસે ગામમાં ઘર હતા તેમણે ગામડાની વાટ પકડી હતી, આ સમયમાં જેમની પાસે ગામમાં ઘર છે તે સમૃધ્ધ ગણાય. ગાંધીએ હિન્દ સ્વરાજમાં ટ્રેનને કારણે માહમારી ફેલાશે તેવો ડર પણ વ્યકત કર્યો હતો,જે સાચો પણ પડયો છે જેના કારણે ભારતના ઈતિહાસમાં પહેલી વખત થયુ કે ટ્રેનો બંધ કરવી પડી,ગાંધી હિન્દ સ્વરાજમાં બહુ સરળ રીતે સમજાવે છે કે તમારી જરૂરીયાતો ઘટાડો તે જ સુખનો માર્ગ છે, આજે જે આ આર્થિક મંદીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ જો આપણે ચલાવી લેતા આવડી ગયુ તો મંદી નડશે નહીં.

લોકડાઉનને કારણે હું જે ઈસ્ત્રીવાળાને ત્યાં કપડા આપતો હતો,તેની દુકાન બંધ હતી, એટલે ઈસ્ત્રી વગરના કપડાંં પહેર્યા પણ હવે મને ઈસ્ત્રી વગરના કપડાં પહેરવાની આદત થઈ ગઈ છે. માની લો કે ઈસ્ત્રીના કપડાંં પહેરવા જ છે તો ઘરે ઈસ્ત્રી કરી લેવાની આમ આપણે આવી નાની નાની અનેક બાબતો ઘટાડી શકીએ તો જેને સારી કહેવાય તેવી જીદંગી જીવવામાં કઈ ખાસ તકલીફ પડે નહીં, ખરેખર સગવડોએ આપણને લાચાર અને ગરીબ બનાવી દીધા છે લીમડાના ઝાડ નીચે નિરાંતે સુઈ જતો મજુર આપણા કરતા વધારે સુખી છે કારણ તેને એસી વગર ઉંઘ આવે છે.