મેરાન્યૂઝ નેટવર્ક મોરબી: ગત નવેમ્બર માસમાં ગાંધીનગર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ સિરામિક એકઝીબીશનને અભૂતપૂર્વ સફળતા મળી છે. આ એક્સ્પોથી મોરબીના સિરામિક ઉદ્યોગને એક નવી દિશા મળી છે. આ એક્ઝીબીશનની સફળતાથી હેરાન થઇને કેટલાક લોકોએ હવે પછી આ એકઝીબીશનમાં  ભંગાણ સર્જાય તેવી રમત શરૂ કરી દીધી છે

સમગ્ર દેશના કુલ સિરામિક ઉત્પાદનનું 90% જેટલું ઉત્પાદન મોરબી કરે છે. વિશ્વના ૪૨ જેટલા દેશોમાં હાલમાં મોરબી દ્વારા સિરામિક પ્રોડકટસની નિકાસ કરવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી મુંબઈ,દિલ્હી, બેંગ્લોર,જયપુર ખાતે સિરામિક ઉદ્યોગના ખાનગી એકઝીબીશન યોજાતા રહ્યા છે. જેમાં ખૂબ ઊંચા    ભાવથી મોરબીના કેટલાક ઉદ્યોગકારો પોતાના સ્ટોલ પણ કરતા હોય છે. પરંતુ બે વર્ષ પૂર્વે મોરબી સિરામિક એસોસીએશન એક કંપની સાથે જોડાણ કરીને અમદાવાદ રીવર ફ્રન્ટ ખાતે વાઇબ્રન્ટ સિરામિક એકઝીબીશન કરાયુ હતું. જેમાં સફળતા મળ્યા બાદ ગત નવેમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે આ એકઝીબીશન યોજાયું હતું. જેમાં મોરબીના ૨૭૫ જેટલા ઉદ્યોગકારોએ પોતાના સ્ટોલ બનાવ્યા હતા અને દેશ વિદેશના દોઢ લાખ જેટલા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા મુલાકાતીઓએ વિઝીટ કરી હતી અને મોરબીના ઉદ્યોગકારોને ખુબ વધુ માત્રામાં સિરામિક પ્રોડકટસ ઓર્ડર પણ મળ્યા હતા.

એકઝીબીશનનું ટર્ન ઓવર તથા નફો કરોડોમાં હોય છે. વાઇબ્રન્ટ સિરામિક એક્સ્પો સફળ થતા છેલ્લા બે વર્ષથી ખાનગી એકઝીબીશનમાં ચકલા ઉડવા લાગ્યા હતા જેના પગલે આ ખાનગી એકઝીબીશનના આયોજકોએ મોરબી સિરામિક એસોસીએશન કેટલાક અસંતોષી ઉદ્યોગપતિઓનો સંપર્ક સાધ્યો હતો અને તેમને 9 આંકડાની રકમ પણ ઓફર કરી હતી. જેને પગલે અત્યારે મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખોને બદલાવવા માટેની અંદરખાને રમત ચાલી રહી છે. ગત વાઇબ્રન્ટ એસોસીએશનને નફો પણ કરોડોમાં થયો છે. તેમ છતાં હવે પછી આ એસોસીએશન થાય જ નહિ અને તેનો સીધો લાભ ખાનગી આયોજકોને મળે તે માટે એસોસીએશનના અમુક પૂર્વ હોદેદારો પણ ખાનગીમાં બેઠકો યોજી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આ બાબતને લઈને શું પરિણામ આવે છે તે આગામી જનરલ મીટીંગમાં નક્કી થશે.