રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): અન્યાય થતો હોય ત્યારે મૌન ધારણ કરવું; ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોય ત્યારે કથાઓ કરી વાસ્તવિકતા ભૂલાવવી; હિંસા થતી હોય ત્યારે યોગ કરવા; બુધ્ધિજીવીઓની હત્યા થતી હોય ત્યારે ભજન કરવા કે તાળીઓ પાડવી; મોંઘી શિક્ષણ ફી ન ભરી શકે એટલે ગરીબ/ વંચિત બાળકો અભ્યાસ છોડી દે કે ગરીબ હોવાના કારણે હોસ્પિટલની સારવાર ન લઈ શકે અને મરણ પામે કે અસહાય હોય તેને ગુંડાઓથી સુરક્ષા ન મળે; તે સ્થિતિ પ્રત્યે આંખ બંધ રાખવી; ગતજન્મ/ આવતા જન્મની વાતમાં લોકોને ચકરાવે ચડાવીને વર્તમાન પ્રત્યે અંધ કરવા; આ બધા લક્ષણો માનવવિરોધી છે, રાક્ષસી છે. પ્રત્યેક માનવવાદીએ જાગૃત રહેવું જોઈએ અને રાજકારણમાં રસ લેવો જોઈએ. શિક્ષણ ફી/ પેટ્રોલ/ બસ-ટ્રેન ભાડું/ શાકભાજી/ અનાજ/ કઠોળ/ તેલ/ દૂધ/ મીઠું-મરચું/ દવાઓ વગેરેનો ભાવવધારો રાજકીય નિર્ણયોને આધારે થાય છે. માનવવાદીઓની ગેરભાગીદારીના કારણે લીલાછમ્મ ખેતરો આખલા ચરી જાય છે !

માનવવાદી એટલે જેના આચાર-વિચારમાં કેન્દ્રસ્થાને વ્યવસ્થા નહીં, પણ માણસ હોય. રેશનલ/ બુદ્ધિશાળી/ સેક્યુલર/ સંવેદનશીલ વ્યક્તિ; દરેક માણસના હ્રદયમાં રામ બેઠેલો છે, તેમ માને છે. માનવવાદી વ્યક્તિ ધર્મ/ નાત-જાત/ રંગરૂપના કારણે કોઈને અન્યાય કરતી નથી. માનવવાદી વ્યક્તિ અસ્પૃશ્યતામાં માનતી નથી; તે પશુ કરતા માણસને પવિત્ર માને છે. માનવવાદી વ્યક્તિ કોમવાદથી દૂર રહે છે; ગૂઢવાવાદ, ઝનૂન, અસહિષ્ણુતા, મિથ્થા તત્વજ્ઞાન, અબૌધિકતા, લાગણીની ઉશ્કેરણી, ડબલ થિંક, મૂળભૂતવાદ, સ્થગિતતા, માનવવિરોધી વલણ અને બિનલોકશાહી વલણથી દૂર રહે છે. કોઈ નેતાએ મુસ્લિમોને સીધા કરી દીધા એ કારણસર જ તેની વાહવાહી કોઈ માનવવાદી વ્યક્તિ ક્યારેય કરે નહીં. તે હાઈપર પેટ્રોઓટિઝમથી દૂર રહે છે. તે દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા/ સમાનતા/ બંધુત્વમાં માને છે. તે લોકશાહી જીવન પધ્ધતિ, માનવ અધિકારો સાથેની લોકશાહી, આર્થિક-સામાજિક સમાનતા, સામાજિક ન્યાય, માનવ આધારિત નીતિવાદ, મુક્ત વિચારસરણી, સહિષ્ણુતા, પ્રગતિશીલતામાં માને છે. માનવવાદી વ્યક્તિ જીવન મૂલ્યોમાં માને છે, ધર્મ/ પરલોક/ દિવ્યતામાં નહીં. તે નરસિંહ મહેતા/ કબીર/ અખાની માણસાઈમાં માને છે. રેશનલ એટલે નાસ્તિક નહીં. રાક્ષસો નાસ્તિક હતા અને હત્યાઓ કરતા; રેશનલ માનવી આવું વિચારી શકે નહીં. રેશનલ માણસ સંવેદનાથી ભરેલો હોય છે. રેશનલ માણસ બીજાની વેદના જોઈ શકતો નથી; તે બીજાની પીડા પોતાની ગણે છે.

માનવવાદ/ રેશનાલિઝમ એટલે માત્ર કથાકારો/ ભૂવાઓ/ મુંજાવરો/ જ્યોતિષ/ દોરાધાગા/ અંધશ્રદ્ધાનો વિરોધ નહીં, પરંતુ માનવમૂલ્યો કચડી નાખનારનો સખત વિરોધ. બંધારણીય મૂલ્યો ઉપર બળાત્કાર કરનારની કડક ટીકા કરવી જ પડે. સંસદના પગથિયે માથું ટેકવે તે લોકશાહી પ્રત્યેની નિષ્ઠાનો પુરાવો નથી, પરંતુ લોકશાહીના મૂલ્યોની માવજતમાં કેટલી રુચિ લે છે તે મહત્વનું છે. ઢગલો ગુણો ધરાવનાર તાનાશાહ ખતરનાક હોય છે. તાનાશાહ ક્યારેય માનવવાદી હોઈ શકે નહીં. તાનાશાહ માટે માનવ એક સાધન હોય છે. તાનાશાહ વાહવાહીમાં માને છે; વાહવાહી કરનાર ભ્રષ્ટ અધિકારીઓને મહત્વની જગ્યાએ મૂકે છે. DySP પરમારને નિવૃતિ પછી પણ મહત્વની જગ્યાએ ચાલુ રાખીને SPનું પ્રમોશન આપે છે અને મૂલ્યનિષ્ઠ અધિકારી આર. બી. શ્રીકુમાર, IPSને પ્રમોશનથી વંચિત રાખે છે એને પ્રમોશન માટે હાઈકોર્ટમાં જવું પડે છે ! તાનાશાહ બોલશે કંઈક અને કરશે કંઈક જુદું જ; ગરીબકલ્યાણ મેળા યોજશે અને 10 લાખનો કોટ પહેરશે.

(લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી છે)