મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભારે મનોમંથન બાદ અંતે અવસર નાકિયાના નામ પર મહોર મારી છે. અને તેઓ આજે જંગી જાહેરસભાને સંબોધ્યા બાદ પોતાનું ઉમેદવારી પત્રક ભરવાના છે. ત્યારે આ અવસર નાકિયા કોણ છે અને અનેક મજબૂત દાવેદારો હોવા છતાં કોંગ્રેસે બાવળીયા સામેના જંગમાં શા માટે તેમની પસંદગી કરી છે. તે વિશે વિગતવાર જાણવું રસપ્રદ બની રહેશે.

જસદણ પેટાચૂંટણીમાં કુંવરજી બાવળીયા સામે મેદાનમાં ઉતરેલા 47 વર્ષીય અવસર નાકિયાનો જન્મ 4 જુલાઈ 1972 ના રોજ વીંછીયાના આસલપુર ગામે થયો હતો. અવસર નાકિયાને ચાર ભાઈઓ છે અને વર્ષ 1995માં તેમના લગ્ન ગીતાબેન સાથે લગ્ન થયા હતા. જેમના થકી તેમને 5 પુત્રીઓ અને એક પુત્ર સહિત કુલ 6 સંતાન છે. આ થઈ તેમના અંગત જીવનની વાત, પણ તેઓ એકદમ સરળ અને મિલનસાર સ્વભાવના હોવાથી આસપાસના વિસ્તારમાં સારી એવી લોકચાહના ધરાવે છે.

હાલ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કાર્યરત અવસર નાકિયા છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. કુંવરજી જનતાદળમાં હતા ત્યારથી એટલે કે બાવળીયા કરતા પહેલાથી તેઓ કોંગ્રેસમાં છે. માત્ર ધોરણ 7 સુધી અભ્યાસ કરનાર નાકિયાએ રાજકારણના પાઠ કુંવરજી પાસેથી શીખ્યા હોવાથી તેઓ બાવળીયાના ખાસ શિષ્ય તરીકેની ઓળખ ધરાવે છે. અવસર નાકિયા અઢી વર્ષ રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની સેવાઓ પણ આપી ચુક્યા છે.

કુંવરજી બાવળીયાના શિષ્ય રહી ચૂક્યા હોવાને કારણે અવસર નાકિયા તેમના તમામ રાજકીય દાવપેચને સારી રીતે જાણે છે. બાવળીયાએ ભાજપનો ભગવો ધારણ કર્યા બાદ તેમની પક્ષપલટું તરીકેની છાપ ઊભી થઇ છે અને આ કારણે લોકોમાં તેમના પ્રત્યે ભારોભાર રોષની લાગણી છે. જ્યારે અવસર નાકિયા 20 વર્ષથી એક જ પક્ષમાં હોવાથી વફાદાર નેતા તરીકેની છાપ ધરાવે છે. એટલું જ નહીં કોળી જ્ઞાતિના હોવાની સાથે બાવળીયાની જેમ જ અવસર નાકિયાનું પણ સમાજમાં સારૂ વર્ચસ્વ છે.

આવા તમામ પરિબળોને કારણે અવસર નાકિયા કુંવરજી બાવળીયાને ભારે પડી શકે છે. જો કે આપણે ત્યાં કહેવત છે કે ગુરૂ હંમેશા એક ચાલ પોતાની પાસે જ રાખતા હોય છે. ત્યારે બાવળીયાએ આવી કોઈ ચાલ રાખી છે કે નહીં? તેમજ આવી ચાલથી પોતાના ચેલાને પરાજય આપી શકે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગી થતાની સાથે અવસર નાકિયાએ કહ્યું હતું કે, કુંવરજી આજસુધી કોંગ્રેસના નામે જીત્યા છે. તેઓ ભલે પોતાની જીતના દાવાઓ કરે પરંતુ મેદાનમાં આવશે ત્યારે સાચી ખબર પડી જશે.