રાહુલ પટેલ (મેરાન્યૂઝ.રાજપીપલા ): પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં તૈનાત નવસારી પોલીસનાં PSI એન.સી.ફીણવ્યાએ કરેલ આત્મહત્યા બાદ મોદીના આખા કાર્યક્રમમાં જાણે મોટો ધબ્બો પડી ગયો છે પણ જાડી ચામડીના ઉચ્ચ અધિકારીઓને તો આની ક્યાંથી પડેલી હોય.

17 સપ્ટેમ્બરે સવારે 10.40 કલાકે પ્રધાનમંત્રી જયારે નર્મદા ડેમ પર નર્મદા નિરના વધામણાં કરી રહ્યા હતા, તે જ વખતે 6 કિલોમીટર દૂર VVIP સર્કિટ હાઉસ ખાતે નવસારી LIB શાખામાં ફરજ બજાવતા 29 વર્ષીય એન. સી. ફિણવ્યાએ પોતાના સાથી PSI એમ. બી. કોંકણીની ગ્લોક પીસ્ટલ મેળવીને કપાળનાં ભાગે ગોળી ચલાવી આત્મહત્યા કરી હતી.

સર્કિટ હાઉસને પ્રધાનમંત્રી મોદી માટે સેફ હાઉસ બનાવવામાં આવ્યું હતું. જ્યાં અનિવાર્ય સંજોગોમાં પ્રધાનમંત્રી રોકાણ કરી શકે. જેથી બ્લ્યૂ બુક મુજબ સર્કિટ હાઉસમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પોઇન્ટ નંબર 98 ગ્રાઉન્ડ ફ્લોર પર મૃતક PSI ફિણવ્યા ફરજ પર હાજર હતા.

10.40 કલાકે PSIનું મોત થયું, બાદમાં PM મોદીએ વિશ્વ વન, ગરુડેશ્વર દત્ત મંદિર, વિયર ડેમ અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કની મુલાકાત લઈને બાદમાં સભા સંબોધી હતી. બાદમાં તેઓ કેવડિયાથી ગાંધીનગર રવાના થયા હતા.

પી.એમ. નો કાર્યક્રમ વિના વિઘ્ને સંપન્ન થયાનું માની સર્કિટ હાઉસમાં જ ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓએ રાજકીય નેતાઓએ ફ્લાવર- બટાકાનું શાક, દૂધીનો હલવા સહિત અન્ય વ્યંજનોની જ્યાફતો ઉડાવી હતી. હિન્દૂ શાસ્ત્રોની માન્યતા મુજબ જ્યારે ઘરમાં કોઈનું મરણ થાય તો તે ઘરમાં જમવાનું બનતું નથી અને જ્યાં સુધી મૃતકના અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી તો જમવાનું નિષેધ મનાય છે.

PSI PMનાં સુરક્ષા બંદોબસ્તમાં હાજર હતા અને તેમનું મરણ પણ સર્કિટ હાઉસમાં થયું હતું અને જ્યારે જ્યાફતો ઊડતી હતી ત્યારે મૃતકનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હતું, પરંતુ ઉલ્લેખ કરેલ તમામ લોકોએ સર્કિટ હાઉસમાં જ જ્યાફતો ઉડાવી.

હદ તો ત્યારે થઈ કે જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ પોતાના પોલીસ પરિવારના એક સભ્યને ગુમાવ્યા બાદ પણ જ્યાફતો ઉડાવી હતી. આને કહેવાય માનવતા મરી પરવારી.