પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આમ તો માણસના અનેક ચહેરા  હોય છે દરેક માણસ અલગ અલગ સ્થળે અને અલગ અલગ સંજોગોમાં  અલગ વ્યવહાર કરતો હોય છે જેના કારણે કોઈ એક જ ચહેરો જોઈ કોઈ માણસ આવો જ છે તેવું ધારી લેવાની જરૂર નથી, ખરેખર આપણને જે દેખાય છે તેવું મોટા ભાગે હોતું નથી. 1988માં હું પત્રકાર તરીકે એક નવી દુનિયામાં દાખલ થયો ત્યારે મારા માટે કેટલીક આંચકારૂપ બાબતો હતી, હું જેમને વિદ્યાર્થીકાળમાં વાંચતો હતો અને તેમનાથી ખાસ્સો પ્રભાવીત હતો તેવી મોટી વ્યકિતઓના પરિચયમાં આવવાનું થયું જ્યારે હું તેમની નજીક ગયો ત્યારે મને ખબર પડી કે તેઓ જેટલું ઉત્તમ લખે છે તેવું ઉત્તમ જીવતા નથી, તેમના લખાણ સાથે તેમની પોતાની જ જીંદગી મીસમેચ થાય છે, જ્યારે મને સામે પક્ષે એવી વ્યકિતઓ પણ મળી જેઓ ઉત્તમ લખતા ન્હોતા પણ માણસ તરીકે તેઓ ખુબ ઉત્તમ હતા. છેલ્લાં કેટલાય વર્ષોથી આ મુદ્દે ચર્ચા ચાલે છે કે જેઓ લેખન ક્ષેત્રમાં છે તેઓ જેવું લખે તેવું તેમનું જીવન હોવુ જોઈએ કે નહીં.

આ અંગે ભીન્ન મત પ્રર્વત્તે છે લેખન ક્ષેત્રમાં રહેલી વ્યકિતઓમાંથી મોટો વર્ગ માને છે કે તેમના લેખન અને વ્યકિતગત જીવનને અલગ રાખવા જોઈએ, કારણ તેમની વ્યકિતગત જીંદગી પણ છે પત્રકાર અથવા લેખક જે લખે છે તેમાં તે એક આદર્શની સ્થિતિની કલ્પના કરે છે, એટલે તે જે આદર્શ સ્થિતિની કલ્પના કરે તેવી સ્થિતિ તેના વ્યકિતગત જીવન અને પરિવારમાં હોવી જરૂરી નથી, પણ બીજો એક નાનો વર્ગ જે લેખન ક્ષેત્રમાં છે તે માને છે કે આપણે પોતે જે કરી શકીએ  અને જે પ્રમાણે આપણે જીવીએ છીએ તેવા મુદ્દે જ લખવું જોઈએ એટલે પહેલા તો તેઓ જે માને છે તે પ્રમાણે જીવવાની વાત કરે છે અને પોતે પોતાની વાતને અમલમાં મુકે ત્યાર બાદ તે લખવાની વાત કરે છે આમ પત્રકાર અને લેખક જ્યારે લખતા હોય છે અને વાંચકો તેમને વાંચે ત્યારે તેઓ લખાણને આધારે નક્કી કરે છે કે તેમનો પ્રિય પત્રકાર અને લેખક પણ આવી જ જીંદગી જીવે છે.

પણ આપણી અંદર માણસ બનવાની પ્રક્રિયા નીરંતર ચાલ્યા કરતી હોય છે માત્ર આપણે સમયાનંતરે ચેક કરતા રહેવાનું હોય છે કે તે પ્રક્રિયા બંધ તો થઈ ગઈ નથી, હું વ્યકિતગત  માનું છંમ કે આપણે જે લખીએ તેવું જીવવું અથવા તેવું જીવવા માટેનો સતત પ્રયાસ કરવો બની શકે કે આપણે જે વિષય ઉપર લખ્યુ સંભવ છે, કે તેવું જીવવામાં આપણે જ ભુલ કરી બેસીએ તો વાંધો નથી પણ  શેરબજારની જાહેર ખબરની જેમ વાંચકોના જોખમે આપણે બધુ જ વાંચકો ઉપર છોડી દઈએ તે પણ વાજબી નથી, જ્યારે પત્રકાર સરકાર-પોલીસ અને જાહેર વ્યવસ્થા ઉપર લખે છે ત્યારે ત્યાં તેની જવાબદારી પુરી થતી નથી, જ્યારે આપણે જાહેર જીવનની વ્યકિતઓ અથવા મુલ્યો ઉપર લખીએ છીએ ત્યારે આપણી વિશેષ જવાબદારીઓ ઊભી થાય છે.

સામાન્ય રીતે આપણે જે માનીએ છીએ તે જ લખીએ છીએ ત્યારે આપણે લેખની અને કરણીમાં અંતર આવે તે યોગ્ય નથી. મેં અન્યાય સામે બંડ પોકારવું જોઈએ તેવું લખતા અને બોલતા પત્રકારો અને લેખકોને જોયા છે જ્યારે તેમને વ્યકિતગત જીવનમાં આવી સમસ્યાનો સામનો કરવાનો વખત આવે ત્યારે તેઓ સ્ટેન્ડ લેતા નથી અને તેઓ કિંમત ચુકવ્યા વગર વચલો રસ્તો કાઢી લેતા હોય છે. સામાજીક સમરસતાની વાત કરનાર પત્રકાર અને લેખકની દીકરી કોઈ દલિત અથવા મુસ્લિમના દીકરા સાથે લગ્ન કરવાની વાત કરે ત્યારે તે લેખક-પત્રકારની સમરસતાનો તરત અંત આવી જાય છે. આવી સ્થિતિમાં બીજા કોઈને નુકશાન થતું નથી નુકશાન માત્રને માત્ર ઉત્તમ લખનાર પત્રકાર અને લેખકને થાય છે. કારણ તે લખે છે તેવું જીવી શકતો નથી તેવી ખબર પડે છે ત્યારે તે અંદરથી મુરઝાય છે. ઘણી વખત તેનો જ પરિવાર તેના લખાણ અને જીંદગી સામે સવાલ ઊભા કરે છે.

હું મારા લખાણમાં અનેક વખત મારી વ્યકિતગત જીંદગીનો વાતો ટાંકતો રહું છું કારણ હું માત્ર તેવું દર્શાવવા માંગુ છું કે હું પણ એક સામાન્ય માણસ છું અને મારી અંદર પણ સતત ગડમથલો થયા કરે છે અને તેમાંથી મને જેમ રસ્તો મળે છે તેમ તમે પણ તમારી અંદર આવી હલચલ ઊભી થવા દો  તો તમને પણ તમારો રસ્તો મળશે. હું 2007માં દિવ્ય ભાસ્કર છોડી ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં જોડાયો, ગુજરાતી અખબારો માટે દારૂ પકડાય અથવા પીધેલો પકડાય તો બહું મોટી ઘટના હોય છે આ સમાચારને અખબારમાં બહુ મોટી જગ્યા પણ મળે છે, પણ હવે હું અંગ્રેજી અખબારમાં હતો એક દિવસ આ પ્રકારના દારૂ અંગેના સમાચાર આવ્યા બે વ્યકિતઓ પીધેલી પકડાઈ, મેં તરત સમાચાર લખી નાખ્યા, તે સમાચાર જોઈ મારા તંત્રીએ મને કહ્યું દારૂના સમાચાર લખ્યા? મેં તેમની સામે જોયું, તેમણે મને કહ્યું મને લાગે છે જે આપણે કરતા હોઈએ તે મુદ્દે આપણે લખવું જોઈએ નહીં, મને ખબર છે કે આ વાંચી કેટલાંક લોકોના નાકને ટેરવા ચઢી જશે કારણ દારૂના મુદ્દે આપણે 1960થી દંભીપણું અપનાવ્યું છે. હું દારૂની હિમાયત પણ કરતો નથી અને વિરોધ પણ કરતો નથી પણ બહુ નાજુક બાબત છે.

આપણા હાથમાં લેખનનો ડંડો છે તેનો અર્થ નથી કે વાંચકને આપણે તે ડંડે હાંકીએ, હું અગાઉ અનેક વખત તેવું લખી ચુકયો છું છતાં ફરી મને યાદ રહે તે માટે સતત લખુ છું કે મારા દિકરા-દીકરીને કોઈ દલિત અથવા મુસ્લિમ સાથે પ્રેમ થાય તો હું તેમના લગ્ન અચુક તેમની સાથે કરાવીશ જ્યારે આપણે લખીએ ત્યારે આપણી જવાબદારી વધી જાય છે. કારણ વાંચક આપણી સામે જુવે છે બની શકે કે આપણે જે જીવી શકતા નથી તેવા મુદ્દા ઉપર આપણે આપણી પેન બંધ કરી દેવી તે આપણા અને વાંચકના બંન્નેના હિતમાં છે.