મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ મુંબઈના કોઈ લીકર બારમા દારૂની મહેફિલ ચાલતી હોય એવી જ મહેફિલ સુરતના ઉધના વિસ્તારમાં ચાલી રહી હતી. રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, સુરતના ઉધના વિસ્તારમાં મોટા પાયે દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. આ માહિતીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ દરોડો પાડવા ઉધના પહોંચ્યા ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈ ચૌકી ઉઠ્યા હતા. જાણે ગુજરાત બહારના રાજ્યોના કોઈ લિકર બાર હોય તેમ લોકો દારૂ ખરીદી ત્યાં જ દારૂ પીવા બેસતા હતા.

સુરતના કુખ્યાત અશોક વિશ્વકર્મા દ્વારા આ અડ્ડો ચલાવવામાં આવી રહ્યો હતો. એક જ સ્થળે દારૂ દારૂનું વેચાણ અને દારૂ પીવાની વ્યવસ્થા પણ આપવામાં આવતી હતી. દારૂ ખરીદનારને બાઇટિંગમાં સિંગ-ચણા સહિત ઠંડુ પાણી પણ પૂરું પાડવામાં આવતું હતું. દારૂ ખરીદનાર અને પીનારને ખાતરી આપવામાં આવતી હતી કે, પોલીસ સાથે ગોઠવાયેલું છે. અહીંયા દરોડો પડશે નહીં જેના કારણે જાણે આ ગુજરાતનું ભાગ જ નથી એવી રીતે લોકો દારૂ પી રહ્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એન. લાઠીયા પોતાના સ્ટાફ સાથે દરોડો પાડવા પહોંચ્યા ત્યારે અચાનક પોલીસ આવી ગઈ છે. તેવી ખબર પડતાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે પોલીસની સંખ્યા કરતાં ત્યાં દારૂ પીવા આવનારની સંખ્યા તથા વેચનારની સંખ્યા વધારે હતી. જેના કારણે પોલીસ માત્ર પાંચ લોકોને જ પકડી શકી હતી. બાકીના આરોપીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા.

પોલીસને અડ્ડામાંથી અઢી લાખ રૂપિયાની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલાને ગંભીર ગણી ડીજીપીએ સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.