મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને હૃદય રોગ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રિપોર્ટ મુજબ ભારતને પહેલો વર્લ્ડ કપ અપાવનારાને શુક્રવારે હૃદયરોગનો હુમલો થયો છે. નવી દિલ્હી સ્થિત ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં તેમની એંજિયોપ્લાસ્ટી કરાઈ રહી છે. કહેવાયું છે કે હવે તેમની હાલત સ્થિર છે. હોસ્પિટલના નિવેદન અનુસાર 62 વર્ષના કપિલ દેવને 23 ઓક્ટોબરે સવારે હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગમાં છાતીમાં દુખાવાની તકલીફને કારમે લાવવામાં આવ્યા હતા. તેમના પરિક્ષણ પછી કાર્ડિયોલોજી વિભાગના ડો. અતુલ માથુર દ્વારા તેમની તુરંત કોરોનરી એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલમાં તેઓ હોસ્પિટલના આઈસીયુમાં છે તેમની હાલત સ્થિર છે.
હરિયાણાના જાટ પરિવારમાં જન્મેલા કપિલ દેવ પોતાના લાક્ષણિક અંદાજ માટે જાણિતા છે. 80ના દાયકામાં ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે વિદેશ પ્રવાસ પર જતી અને સાથી ખેલાડીઓ કોલ્ડ્રીંક્સ માણતા ત્યારે પણ કપિલ દેવ નિખંડ દૂધ મંગાવીને પીતા હતા. આમ તો કપિલ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ ઘટનાઓ અને સ્ટોરિઝ છે, પરંતુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે તકરારનો કિસ્સો આજે પણ લોકો ઉછળી ઉછળીને એક બીજાને સંભળાવે છે.
આ ઘટના 1986 માં શારજહાંમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી મેચના પહેલાની છે. દાઉદએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને કહ્યું હતું કે જો કાલે થનારી મેચમાં ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવી દેશે તો તમામ ખેલાડીઓને ટોયોટા કોરોલા કાર ગીફ્ટ કરીશ. ઓફર સાંભળતા જ ક્રિકેટર એક બીજાના ચહેરા જોવા લાગ્યા, પણ કપીલ દેવ તુરંત પ્રેસ કોન્ફરન્સ પુરી કરી ડ્રેસિંગ રૂમમાં આવ્યા.
કપિલે પહેલા મહમૂદને કહ્યું- મહમૂદ સાહેબ આપ જરા બહાર જતા રહો, ત્યારે જ તેમણે દાઉદને જોતા કહ્યું કે, આ કોણ છે, ચલ બહાર ચલ, કપિલના જવાબને સાંભળતા જ દાઉદ ડ્રેસિંગ રૂમથી બહાર નીકળી ગયો. જોકે ડ્રેસિંગ રૂમમાં દાઉદને વેંગસરકરના સિવાય કોઈ પણ ન્હોતું ઓળખી શક્યું હતું. આ ઘટનાને શારજહાં ડ્રેસિંગ રૂમ કાંડ નામથી જાણવામાં આવે છે. ટીમ ઈન્ડિયાના હાલના હેડ કોચ રવિ શાસ્ત્રીએ બાદમાં કહ્યું હતું કે જ્યારે કપિલને દાઉદ ઈબ્રાહિમ અંગે ખબર પડી તો તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો. 1999માં કપિલ દેવનું નામ મેચ ફિક્સિંગમાં આવ્યું હતું, જોકે આ આરોપોને બાદમાં ફગાવી દેવામાં આવ્યા હતા. કપિલ દેવે ક્રિકેટ ક્ષેત્રે ઘણી ઊંચી સિદ્ધીઓ હાંસલ કરી હતી.