પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે રાજ્ય સરકાર નવા કાયદા બનાવ્યા હોવાનો દાવો તો કરે છે. પરંતુ ગુજરાત પોલીસની મહત્વની કેટલીક બ્રાન્ચોમાં સિક્રેટ ફંડના આભાવે ક્રાઈમ ડિટેક્શન માટે પોલીસને દારૂ-જુગારમાંથી મળતા પૈસા ઉપર આધાર રાખવો પડે છે તે પણ એક કડવી વાસ્તવિકતા છે. વર્ષ 2009માં આઈપીએસ અધિકારી અભય ચુડાસમા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. અમદાવાદના પુર્વ વિસ્તારમાં એક દિવસ ઝેરી દારૂ પીવાને કારણે એક પછી એક માણસો ટપોટપ મરવા લાગ્યા હતા અને બે જ દિવસમાં ઝેરી દારૂ પીવાને કારણે મોતને ભેટનારનો આંકડો 150 થઈ ગયો હતો. આ મૃતકો તમામ અત્યંત ગરીબ પરિવારના હતા અને ઘરમાં કમાનારી વ્યક્તિઓ મૃત્યુ પામી હતી.

ક્રાઈમ બ્રાન્ચ, એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડ અને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ જેવી અત્યંત મહત્વની બ્રાન્ચ ઉપર ગુનાનો ભેદ ઉકેલવાની વિશેષ જવાબદારી હોય છે. જો કે સમયની સાથે પોલીસને મળતી માળખાગત સુવિધામાં કોઈ સુધારો અને વધારો થયો નથી. સરકારી નિયમ પ્રમાણે આજે પણ પોલીસ કોન્સ્ટેબલને સાયકલ એલાઉન્સ આપવામાં આવે છે, જ્યારે વિશ્વ ચંદ્ર ઉપર પહોંચી ગયુ અને દેશમાં બુલેટ ટ્રેન દોડવાની તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે આ આધુનિક યુગમાં પોલીસને સાઈકલ એલાઉન્સ આપવુ તે હાસ્યસ્પદ અને શરમજનક સ્થિતિ છે. આ ઉપરાંત સરકારી નિયમ પ્રમાણે પોલીસ ઈન્સપેક્ટર કક્ષાના અધિકારીઓને તપાસના કામે ગુજરાત બહાર જવુ હોય ત્યારે રેલવે અને એસટી બસની કુપન આપવાની વ્યવસ્થા છે.

જ્યારે ગુનેગાર એસયુવી કારમાં અથવા વિમાનમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભાગી જતો હોય ત્યારે તેને પકડવા જતી પોલીસ કઈ રીતે રેલવે અને બસ દ્વારા તેનો પીછો કરી શકે? આ પ્રકારના ગુનેગારને પકડવા માટે પોલીસે પણ વિમાનનો પ્રવાસ કરવો પડે અથવા એસયુવી કારમાં જ જવુ પડે. પરંતુ નિયમ પ્રમાણે ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ અને તેની ઉપરના અધિકારીઓ વિમાનમાં પ્રવાસ કરી શકે તેવી જોગવાઈ હોવાને કારણે કોઈ પોલીસ ઈન્સપેક્ટર અથવા સબઈન્સપેક્ટર આરોપીને પકડવા માટે વિમાનમાં જાય તો સરકાર તેમને ફદીયુ પણ આપતી નથી. આ અધિકારીએ વિમાનની ટિકિટનો ખર્ચ પોતાના ખીસ્સામાંથી કાઢવો પડે છે.

કોઈ પણ સરકારી અમલદાર ખીસ્સામાંથી પૈસા કાઢી નોકરી તો કરે નહીં. આ પ્રકારે પોલીસ અધિકારીઓને તપાસ માટે ગુજરાત બહાર જવુ પડે અને બાતમીદારો પાસેથી  બાતમી મેળવવા માટે મોટી રકમ ચુકવવી પડે ત્યારે તેમનો તમામ મદાર દારૂ-જુગારમાંથી મળતી રકમ ઉપર હોય છે. સરકારી દસ્તાવેજ ઉપર આ વાત સાબીત થઈ શકે નહીં કે પોલીસ દારૂ-જુગારના પૈસામાંથી ડિટેક્શન કરે છે, પણ આ નગ્ન સત્ય છે અને તે તમામ સિનિયર પોલીસ અધિકારીઓ જાણે છે. થોડા વર્ષો પહેલા વડોદરાના કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીને પકડવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો નિકળી હતી, જેમાં એક પોલીસ અધિકારી પોતાના મિત્રની નવી ઈનોવા કાર લઈ નિકળ્યા હતા.

પાછા ફરતી વખતે કારને અકસ્માત નડ્યો અને કાર સંપુર્ણ ડેમેજ થઈ ગઈ અને એક કોન્સ્ટેબલ  ઘાયલ પણ થયો હતો. આ પોલીસ અધિકારીએ પોતાના મિત્રને નવી ઈનોવા કાર લઈ આપી અને ઘાયલ કોન્સ્ટેબલનો ખર્ચ પણ પોતે ઉપાડ્યો હતો પણ તેમના કોઈ સિનિયરે તેમને પુછ્યુ નહીં કે  આ પૈસા તમે ક્યાંથી લાવ્યા?

2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ ડીસીપી અભય ચુડાસમાએ પોતાના સ્ટાફને બોલાવ્યો હતો અને કહ્યુ કે, લઠ્ઠાકાંડને કારણે અમદાવાદમાં 150  માણસ મરી ગયા. મને લાગે છે પોલીસ અધિકારી તરીકે તમારે આ પૈસા લેવા જોઈ નહીં, સાથે હું તેમને એટલી સ્પષ્ટતા કરૂ કે આ મામલે તમારે તમારો નિર્ણય કરવાનો છે. પરંતુ દારુના મામલે મારા નામે કોઈની પાસે પૈસા માગતા નહીં. જાણકારી પ્રમાણે અભય ચુડાસમાએ 2009માં પોતાના અંગે લીધેલો આ નિર્ણય જાળવી રાખ્યો છે, હાલમાં તેઓ વડોદરા રેન્જમાં આઈજીપી છે.