ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): અમેરિકન કૃષિમંત્રાલયે પોતાના અને વિશ્વના ઘઉનું સરવૈયું તેજીને પ્રોત્સાહિત કરે તેવું રજૂ કરીને ઘઉ બજારમાં નવી ચિનગારી મૂકી છે. યુએસડીએ અમ પણ વેપારીઓને આશ્ચર્યમાં મૂકી દેવાની બાબતે જાણીતું છે, પણ ઉત્પાદનની બાબતે મોડા મોડા રીએક્શન આપવામાં વધુ પ્રખ્યાત છે. બુધવારે સીબીઓટી સપ્ટેમ્બર ઘઉ વાયદો ફેબ્રુઆરી એક તબક્કે ૨૦૧૩ની ઊંચાઈએ ૭.૬૪ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) પહોંચ્યા પછી ગુરુવારે પ્રત્યાઘાતી ઘટાડામાં ૭.૩૬ ડોલર રહ્યા હતા. આ તરફ ફ્રાન્સમાં ઉનાળુ ઘઉની લણણી ઢીલમાં પડી છે, સાથે જ સરેરાશ પ્રોટીન ઘટી રહ્યાના અહેવાલ પણ મળી રહ્યા છે.

ગત સપ્તાહે પેરિસ સ્થિત યુરોનેકસ્ટ ડિસેમ્બર વાયદો ગતસપ્તાહે ડિસેમ્બર ૨૦૧૨ પછીની નવી ઊંચાઈએ પહોંચી ટન દીઠ ૨૫૪.૨૫ યુરો બોલાયો હતો. ઓગસ્ટના બીજા સપ્તાહમાં ભાવ ૨૩૨.૨૫ યુરો અને ૯ જુલાઇએ નોંધાયેલી ૧૯૯.૫૦ યુરોની બોટમથી વર્તમાન ભાવ ૯.૫ ટકા અને ૨૭.૪ ટકા ઊંચા  હતા. ઘઉની તેજી અહીથી આગળ વધવાની સંભાવના નકારાતી નથી.

Advertisement


 

 

 

 

 

બ્લેક-સી (કાળા સમુદ્ર)ના દેશોમાં ઘઉના ભાવમાં આગ લાગી છે, તેનાથી કોઈને આશ્ચર્ય ના થવું જોઈએ. ૧૨.૫ ટકા પ્રોટીનના રશિયન ઘઉ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ૨૭૦ ડોલર પ્રતિ ટન એફઓબી, સપ્ટેમ્બર શિપમેન્ટ શરતના સોદા થયા હતા. ઘણા ટ્રેડરો અને નિકાસકારોએ ઓગસ્ટ શિપમેન્ટના એજ શરતો સાથે ૨૮૭ ડોલરમાં કર્યા હતા. લણણીની મોસમ ચાલતી હોઇ સ્થાનિક વપરાશકારો માટેના જથ્થાબંધ ટ્રેડરો ભાવ ઘટવાની રાહમાં મંદીના સોદા કરી રહ્યા હતા, પણ સ્થાનિક ઉત્પાદનના આંકડા નાટ્યાત્મક રીતે ઘટીને આવતા હવે ફિઝિકલ માલ કવર કરવા તેઓ વેચાણ કાપવા દોડ્યા છે.

૨૦૨૧ના વૈશ્વિક પાકના અનુમાનો નબળા આવવા સાથે પુરવઠા સ્થિતિ ટાઈટ થઈ જવાના અનુમાન ભાવમાં પ્રતિબિંબિત થવા લાગ્યું છે. યુએસડીએ એ તેના અગાઉના અનુમાનો પડતાં મુકયા છે અને હવે જાગતિક નિકાસકાર દેશના ઉત્પાદન અંદાજો પર છરી ફેરવી દીધી છે. યુએસડીએ એ ૨૦૨૧-૨૨ના અમેરિકન વર્ષાન્ત સ્ટોકના અગાઉના અંદાજો ૬૬૫૦ લાખ બુશેલથી ફરીથી ઘટાડીને હવે ૬૨૭૦ લાખ બુશેલ મૂક્યા છે.

અમેરિકન ઘઉનું ઉત્પાદન અનુમાન ૧.૭૫ અબજ બુશેલથી ઘટાડીને હવે ૧.૭૦ અબજ બુશેલ મૂક્યું છે. આ ઉત્પાદન ઘટાડો હાર્ડ રેડ વિન્ટર વ્હીટ અને સોફ્ટ વ્હાઇટ વિન્ટર વ્હીટ બંનેમાં થયો છે. અલબત્ત, અમેરિકાએ સ્થાનિક પુરાંત સ્ટોક સ્થિતિ નાજુક હોવાથી, માંગ અંદાજ જરા ઘટાડીને મૂક્યા છે.

Advertisement


 

 

 

 

 

યુએસડીએ એ રશિયન ઉત્પાદન અંદાજ, ૧૨૫ લાખ ટન ઘટાડીને ૭૨૫ લાખ ટન મૂક્યો હતો, જે ૨૦૧૮-૧૯ પછીનો સૌથી ઓછો હશે. કેનેડાના કૂલ ઉત્પાદનમાં પણ ૭૫ લાખ ટનનો ઘટાડો કર્યો હતો. યુક્રેન અને ઓસ્ટ્રેલિયામાં ઉત્પાદન વધારો અનુમાનિત છે પણ તે રશિયા અને કેનેડાના ઘટાડાને સરભર નહીં કરી શકે.

પરિણામે જાગતિક વર્ષાન્ત ઘઉ સ્ટોક, બજારની અપેક્ષા કરતાં પણ ઓછો, ૨૯૧૭ લાખ ટનથી ઘટાડીને ૨૭૯૧ લાખ ટન મૂકવામાં આવ્યો હતો. આનો અર્થ એ પણ થાય કે વર્ષાન્ત સ્ટોક વર્ષાનું વર્ષ પણ ઘટશે. ભારતીય કૃષિમંત્રાલયના ડેટા મુજબ આ વર્ષે ઘઉનું ઉત્પાદન અગાઉના અનુમાન ૧૦૮૦ લાખ ટન સામે ઐતિહાસિક વિક્રમ સાથે ૧૦૯૫.૨ લાખ ટન આવશે, જે ગત વર્ષે ૧૦૭૮.૬ લાખ ટન હતું.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)