ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : ઘઉ બજારની તેજી, ધડાકાભડાકા સાથે આગળ વધી રહી છે, દુબળી ગાય ને બગા ઘણી એટલા બધા કારણો ભેગા થઈ ગયા છે. ઓસ્ટ્રેલીયા, અમેરીકન પઠાર (મેદાની વિસ્તાર)માં સૂકું હવામાન, દક્ષિણ પૂર્વ કેનેડામાં જહાજી સમસ્યા, તેમજ રશિયામાં કરવેરા વિવાદે જગતભરના નિકાસકારોના જીવ અધ્ધર કરી દીધા છે. ગત સપ્તાહે રશિયામાં સતત પાંચમા અઠવાડિયે ભાવ વધ્યા હતા. વિશ્વને સૌથી વધુ ઘઉ નિકાસ કરતાં રશિયામાં નાનો પાક અને નિકાસ જકાતમાં વધારાને લીધે શિપમેન્ટ ૩૪ ટકા ઘટી ગયા છે.

સ્થાનિક ફુગાવાને કાબુમાં રાખવા રશિયા વધુ નિકાસ નિયંત્રણો મૂકવા માંગે છે. અમેરિકન કૃષિમંત્રાલયે શિયાળુ ઘઉ પાકના રેટિંગ ઘટાડીને એનાલિસ્ટોને આશ્ચર્યમાં મૂક્યા હતા. કેસી હાર્ડ રેડ વીંટર ઘઉ વાયદો પણ તેજીના પાટે ચઢી ગયો છે. સીબીઓટી માર્ચ સોફ્ટ રેડ વિન્ટર વ્હીટ વધીને ૮.૩૮ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) મુકાવા અગાઉ નવેમ્બર ૨૦૧૨ની ઊંચાઈએ ૮.૮૬ ડોલર બોલાયો હતો. માર્ચ પછીના તમામ દૂર ડિલિવરીના વાયદા નવી ઊંચાઈએ મુકાઇ રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

પેરિસ વાયદો અગાઉના તમામ વિક્રમો તોડીને નવી ઊંચાઈએ મુકાયો હતો. યુરોનેક્સ્ટ માર્ચ વાયદો ૩૧૧ યુરો (૩૪૮ ડોલર) પ્રતિ ટન વિક્રમ ઊંચાઈએ ગયો હતો. ડિસેમ્બર રોકડો/હાજર વાયદો વધીને ૩૧૩.૫ યુરો બોલાયો હતો. ડોલર સામે યુરો નબળો પડી રહ્યો છે, તેનો લાભ લેવા નિકાસકારો ઉતાવળા થયા છે એ જોતાં યુરોપિયન યુનિયન દેશોમાં નીચા વર્ષાન્ત સ્ટોકનો ભય સર્જાયો છે.

ઊભા પાકની લણણી સમયે ઓસ્ટ્રેલિયામાં વરસાદ પડવાથી પાક નબળી ગુણવત્તાનો આવવાની ભીતિ છે. એક તરફ જાગતિક માંગ વધી રહી છે, બીજી તરફ પશ્ચિમ કેનેડામાં પૂરની સ્થિતિ સર્જાતાં નિકાસ ટ્રાન્સપોર્ટમાં રૂકાવટ આવી છે. ૧ જુલાઇથી શરૂ થયેલી યુક્રેનની ૨૦૨૧-૨૨ની મોસમમાં ૨૨ નવેમ્બર સુધીમાં ઘઉ નિકાસ ૨૧.૭ ટકા વધીને ૧૪૦ લાખ ટન થઈ હતી, એમ કૃષિમંત્રાલયે જણાવ્યું હતું. પ્રોત્સાહક નિકાસ પ્રચારથી એક તરફ નિકાસ વધી, બીજી તરફ ભાવ સતત વધતાં રહી ૨૨ નવેમ્બરે ૩૩૯.૨૫ ડોલર પ્રતિ ટન ઉપજ્યા હતા.

એસએન્ડપી પ્લાટસના અવલોકન મુજબ ૨૨ નવેમ્બરે છેલ્લા એક મહિનામાં યુક્રેનના ઘઉ નિકાસ ભાવ ૧૧.૫ ટકા વધીને ૩૩૯.૨૫ ડોલર થયા હતા, તેમનું માનવું છે કે આ મોસમમાં નિકાસ ૨૨૫ લાખ ટન થશે, અલબત્ત યુએસડીએ મુજબ આ નિકાસ ૨૪૦ લાખ ટન થશે. યુક્રેનનું ઘઉ ઉત્પાદન ગતવર્ષના ૨૫૪ લાખ ટનથી વધીને ૩૨૩ લાખ ટન આવશે.

Advertisement


 

 

 

 

 

અફઘાનિસ્તાનના નાગરિકો સાથે ભાઈચારો દાખવવાના આશયથી પાકિસ્તાન સરકારે ભારતથી મોકલાનારા ૫૦૦૦૦ ટન ઘઉ અને જીવનાવશ્યક દવાઓને વાયા વાઘા બોર્ડર પાકિસ્તાન માર્ગે અફઘાનિસ્તાન મોકલવાની પરવાનગી આપી છે. યુનાઈટેડ નેશન્સની સંસ્થા ફાઓએ કહ્યું હતું કે પાકિસ્તાન સરકારના આ નિર્ણયની અમે ભારતના વિદેશ મંત્રાલયને જાણ કરી દીધી છે.   

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૬-૧૧-૨૦૨૧