ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ):  અમેરિકા, રશિયા, બ્લેકસીના દેશો અને યૂરોપમાં ઘઉ પાકની નબળાઈ જોતાં, નિકાસ બજારમાં વિક્રમ ઉત્પાદન સાથે, બજારમાં દાખલ થઈ રહેલા ભારતને આ વર્ષે નિકાસમાં ભરપૂર એડવાન્ટેજ નિર્માણ થયા છે. પાકના નસીબ મોટા કહેવત, આ વર્ષે ઘઉ ખેડૂતો માટે ઊજળી તકો લઈ આવી છે. ભારતમાં આ વર્ષે ઘઉ ઉત્પાદનના ગતવર્ષના ૧૦૦૭ લાખ ટનના ઐતિહાસિક ઉત્પાદનનો વિક્રમ, ૧૧૫૦ લાખ ટન સાથે ફરી તૂટી જશે. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ જેવા ઘઉ ઉત્પાદક રાજ્યોમાં અત્યારે પાક માટે ખુશનુમા વાતાવરણ છે. ભારતમાં સારી માવજતને કારણે પાક ૨૦૧૬-૧૭થી સતત વધી રહ્યો છે. 

સરકારી આંકડા સૂચવે છે કે વાવેતર વિસ્તાર ગતવર્ષ કરતાં ૩ ટકા વધીને ૩૪૬.૩ લાખ હેકટરમાં થયું હતું. ભારત આ વર્ષે વિપુલ ઘઉ સાથે, નિકાસ બજારમાં સ્પર્ધાત્મક ભાવ સાથે ઉતરશે. મુંબઈ સ્થિત એક ભારતીય નિકાસકારે કહ્યું હતું કે નિકાસકારોએ ઉતાવળે, ઘા કરીને ભાવ ફેકી આવવાની જરૂર નથી. તેમણે પોતાના અનુભવને આધારે કહ્યું હતું કે બજાર અત્યારે ગ્રેટ બુલ માર્કેટમાં દાખલ થઈ છે, પણ આ તેજી બજારને માલની પણ આવશ્યકતા તો છે જ ને. 


 

 

 

 

 

જગતના સૌથી મોટા ઘઉ નિકાસકાર અમેરિકામાં વધુ પડતી ઠંડીને કારણે પાક સામે ચિંતાજનક પડકારો ઉદભવ્યા છે, અમેરિકન કૃષિમંત્રાલયે પણ કહ્યું કે શિયાળુ પાકે ગંભીર ચિંતા પેદા કરી છે. સૌથી મોટા ઉત્પાદક રાજ્ય કેન્સાસમાં ફેબ્રુઆરી દરમિયાન શિયાળુ ઘઉ માટેનું રેટિંગ વધુ ઘટ્યું હતું. અન્ય પઠાર (મેદાની) રાજ્યોમાં માસિક પાક સ્થિતિ મિશ્ર હતી. યુએસડીએ એ ૨૦૨૧-૨૨નો વર્ષાન્ત સ્ટોક, છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઓછો ૬૯૮૦ લાખ બુશેલ (પ્રત્યેક ૨૫.૨૧૬ કિલો) અંદાજયો છે.

 

ગત સપ્તાહે આવેલી તેજીમાંથી કેટલાંક ખેલાડી હળવા થઈ જતાં, બુધવારે સીબીઓટી મે વાયદો બુધવારે ૬.૭૩ ડોલર પ્રતિ બુશેલ બોલાયો હતો. આ ઘટાડો બહુ મોટો ન હતો, પણ તેણે એક બાબત નિશ્ચિત કરી દીધી હતી કે અમેરિકન પાકમાં પોલ છે. અને તે ભાવને બહુ નીચે જવા નહીં દે. ૧૯ ફેબ્રુઆરીએ ઘઉ વાયદો એપ્રિલ ૨૦૧૪ પછીની નવી ઊંચાઈએ ૬.૯૩ ડોલર બોલાયો હતો. 

બ્લેક-સી નિકાસકાર દેશોમાં પણ પાક સારી સ્થિતિમાં નથી. એવા સમાચાર આવ્યા પછી ભાવને ટેકો મળ્યો હતો, એમ સ્ટોનએક્સ કોમીડિટી રિસ્ક મેનેજરે કહ્યું હતું. તેમણે કહ્યું કે રશિયાએ જ્યારથી નિકાસ ટેક્સ નિર્ધારયો છે, ત્યારથી રશિયન ઘઉના વિકલ્પોની શોધમાં જાગતિક ઘઉ બજાર ઉત્સુક બની છે. 

પેરિસ યુરોનેક્સ્ટ મે મિલિંગ ઘઉ વાયદો ૨૨૯ યુરો (૨૭૮.૧૨ ડોલર) પ્રતિ ટન, જ્યારે માર્ચ ૨૩૯ યુરો નોંધાયો હતો. માર્ચ રોકડો (હાજર) વાયદો ગત શુક્રવારે મે ૨૧૩ પછીની નવી ઊંચાઈએ ૨૪૨.૭૫ યુરો નોંધાયો હતો. કટમાં જવા અગાઉ મંદિવાળાઓએ વેચાણ કાપ્યા હતા. યૂરોપમાં ઘઉ પુરાંત સ્ટોક ઘટી રહ્યાના અહેવાલ સાથે ચીનની માંગ નીકળતા જાન્યુઆરીમાં પણ આ વાયદો સાત વર્ષની ઊંચાઈ વટાવી ગયો હતો.


 

 

 

 

 

દરમિયાન સોવઇકો એજન્સીએ કહ્યું હતું કે રશિયન ઘઉપાક શિયાળામાં દાખલ થવા સાથે જ બરફ વર્ષાના, છેલ્લા એક દાયકાના સૌથી ખરાબ સમયનો સામનો કરી રહ્યો છે. સોવઇકો કન્સલ્ટન્સીએ તાજેતરમાં જ ૨૦૨૧-૨૨ પાકના નવા અંદાજો, અગાઉના ૭૭૭ લાખ ટનથી ઘટાડીને ૭૬૨ લાખ ટન કર્યા હતા. ૨૦૨૦-૨૧નું ઉત્પાદન ૮૫૯ લાખ ટન જોઈએ તો આ વર્ષનો પાક સાવ નબળો ગણાવાય છે. 

 

રશિયામાં નાખવામાં આવેલી નિકાસ જકાત, તેના ઘઉ ગ્રાહકોને વિકલ્પ તરીકે યુરોપિયન યુનિયન, યુક્રેન જેવા દેશ તરફ નજર દોડાવવાની ફરજ પાડશે. એપીકે-ઇન્ફોર્મ કન્સલ્ટન્સી મંગળવારે કહ્યું હતું કે આ દેશોમાં ૧ ફેબ્રુઆરીએ પુરાંત ઘઉ સ્ટોક, ૨૦૨૦ ના સમાન સમય કરતાં ૩૫ લાખ ટન ઓછો ૧૮૨ લાખ ટન મુકાયો હતો.        

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)