પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સબરીમાલા સહિત આજે પણ અનેક મંદિરમાં મહિલાઓને પ્રવેશના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ પુરૂષ પ્રધાન માનસીકતા મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપતી નથી. હાલમાં જ ગુજરાતની આઈપીએસ અધિકારી અને પાટણના પોલીસ સુપ્રીટેન્ડન્ટ શોભા ભુતડાએ પોતાના બ્લોગ ઉપર એક પોસ્ટ લખી તેમાં તેમણે કહ્યું કે માસીક ધર્મ વખત મંદિરમાં જવા માટે મારે ખુબ હિંમત કરવી પડી હતી, નાની હતી ત્યારે મારા દાદીએ મને કહ્યું કે જો માસીક ધર્મ વખતે ઘરના પુરુષ સભ્ય તને જોઈ જશે તો તેમનો બીજો જન્મ માનવનો નહીં હોય.

પણ જ્યારે હું સિવિલ સર્વીસની પરિક્ષાની તૈયારી કરતી હતી ત્યારે અમારે અમારી કુળ દેવીના દર્શને જવાનું થયું ત્યારે હું માસીક ધર્મમાં હતી. મારા પરિવારના સભ્યો તે અંગે જાણતા હતા. મારે મંદિરમાં જવું હતું પણ તે માટે મારે ઘણી મહેનત કરવી પડી હતી. હું આ સ્થિતિમાં મંદિરમાં જઈશ તો સિવિલ સર્વીસમાં નાપાસ થઈશ તેવું પણ મને કોઈએ કહ્યું હતું, પણ મેં કહ્યું મારી કુળ દેવી મારી માતા છે. હું જેવી છું તેવી તેની છું અને હું તેને મળવા જઈશ અને હું મંદિરમાં ગઈ હતી અને પરિક્ષામાં પણ પાસ થઈ હતી, પણ હું માસીક ધર્મ વખતે મંદિરમાં ગઈ હતી તે જાહેર કરતા મારે દસ ગણી સુધી હિંમત એકઠી કરવી પડી હતી.

ભુતડા લખે છે કે અમે સ્ત્રીઓ પણ માણસ છીએ, માસીક ધર્મ અમારો વ્યકિગત પ્રશ્ન છે. તેની સાથે પુરુષોને કોઈ નીસ્બત નથી, અમે દિકરી, માતા પત્ની અને બહેન છીએ અમારી સાથે પણ સમાન વ્યવહાર કરવામાં આવે. અમારૂ પણ વ્યકિતગત જીવન છે. તેનો સમાજના તમામ લોકોએ ખ્યાલ રાખવો જોઈએ.

શોભા ભુતડા બાદ વડોદરામાં ડેપ્યૂટી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા આઈપીએસ અધિકારી સરોજ કુમારીએ કહ્યું કે, હું પણ માસીક ધર્મ વખતે મંદિરમાં જઉ છું, રાજસ્થાનના નાનકડા ગામમાં જન્મેલા સરોજ કુમારી કહે છે મારા પિતા ભારતીય લશ્કરમાં સીપાઈ હતા અને માતા અશિક્ષીત હતી.

છતાં મારી માતાએ મને કહ્યું માસીક ધર્મ વખતે આપણે ઘરના ખુણામાં બેસી રહેવાની જરૂર નથી, હું ત્યારે પણ મંદિરે જતી અને આજે પણ માસીક ધર્મમાં હોઉ ત્યારે પણ મંદિરમાં જઉ છું, મારે કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. કારણ, મારા નિર્ણય માટે હું પોતે જ જવાબદાર છું, ધોરણ આઠ પછી ગામમાં સ્કૂલ ન્હોતી. જેના કારણે રોજ દસ કિલોમીટર ચાલીને સ્કૂલે જવું પડતું હતું, સ્કૂલેથી પરત આવી ખેતરમાં કામ કરવા જતી હતી. આ દરમિયાન જ મેં પોલીસ અધિકારી થવાનું સ્વપ્ન જોયું હતું તે મેં પુરૂ કર્યું.

સરોજ કુમારી કહે છે મારા માતા પિતા સુધારાવાદી હતા. ભાઈના લગ્ન વખતે દહેજ નહીં લેવાનો નિર્ણય કર્યો ત્યારે આખો સમાજ નારાજ થઈ ગયો હતો. છતાં તેમણે દહેજ લેવાનો ઈન્કાર કર્યો મૃત્યુ બાદ ભોજનની પ્રથા પણ તેમણે બંધ કરાવી હતી.