મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્લી: કાશ્મીરની સ્થિતિ હજુ સામાન્ય થઈ નથી. કાશ્મીરની સ્થિતિ યથાવત્ થાય તે માટે કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે, પણ તેના પ્રયાસમાં હજુ સ્થાનિક લોકોની સામેલગીરી નથી. આ જ કારણે એસએમએસ, બ્રોડબેન્ડ અને કેટલાંક ક્ષેત્રમાં ઇન્ટરનેટ સેવા બહાલ કરી હોવા છતાં તેનું ધાર્યું પરિણામ આવ્યું નથી. કેન્દ્ર સરકારે 370ની કલમ હટાવીને રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ સ્થાનિક નેતાઓને નજરકેદ કર્યા છે. આજે પણ પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી, ફારૂખ અબદુલ્લા અને ઉમર અબદુલ્લા નજરકેદ છે. કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બને તે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 36 કેન્દ્રિય મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે. આ તમામ મંત્રીઓ 18 થી 25 તારીખ સુધીમાં કાશ્મીરમાં 60 સ્થળોની મુલાકાત લેશે અને સ્થાનિક લોકોને વિકાસ કાર્યોની માહિતી આપશે. આ ઉપરાંત કેન્દ્રિય યોજનાની પણ જાણકારી આપશે. વડા પ્રધાને મંત્રીઓને ખાસ સૂચન કર્યું છે કે શહેરો જ નહીં બલકે ગામડાંઓમાં પ્રવાસ કરશો, જેથી લોકોનું સરકારના પ્રત્યેના વલણમાં બદલાવ આવે. આ મંત્રીઓમાં સ્મૃતિ ઇરાની, પિયુષ ગોયલ, જી. કિશન રેડ્ડી, જિતેન્દ્રસિંઘ, કિરેન રીજુજુ, હરદીપ પુરી, પુરષોત્તમ રૂપાલા, જનરલ વી. કે. સિંઘ, અનુરાગ ઠાકુક અને રવિશંકર પ્રસાદ જેવા મજબૂત પોર્ટફોલિયો ધરાવનારાં મંત્રીઓના નામ છે. વડા પ્રધાન મોદીએ મંત્રીઓને સ્થાનિક લોકો સાથે સંવાદ કરવાની પણ વાત કહી છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ચ સચિવ બી. વી. આર. સુબ્રહ્મણ્યમે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, મંત્રીઓ કાશ્મીરમાં 60 સ્થળોની મુલાકાત લેશે. જોકે આ પૂરી કવાયત વિશે કોંગ્રેસના કાશ્મીરી નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું છે કે, જૂઠ્ઠાણુ ફેલાવવાનો આ એક વધુ પ્રયાસ છે. છેલ્લા પાંચ મહિના દરમિયાન અગાઉ પણ બે વખત આવું થઈ ચૂક્યું છે, જ્યારે યૂરોપિય સાંસદો અને વિદેશી રાજનયકોને 'ગાઇડેડ ટુર' કરાવવામાં આવી હતી. દેશ-દુનિયાના લોકોને કાશ્મીરની વાસ્તવિક સ્થિતિ ન માલૂમ થાય તે માટે સરકાર આ તમામ પ્રયાસ કરી રહી છે. બાકી તો રાજ્યનું સ્ટેટ્સ બદલાઈ જાય, તેમના અધિકારો પર તરાપ આવે અને તેમના બંધારણીય અધિકાર છીનવી લેવામાં આવે ત્યારે કોઈ પ્રજા વિકાસ કાર્યો વાતો સાંભળવા તૈયાર ન હોય.