પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ): હવે ગુજરાતની ચૂંટણીમાં મતદાન કરવા માટે માત્ર પંદર દિવસ રહ્યા છે. ગુજરાતના શહેર અન ગામડાનો મતદાર અલગ રીતે વિચારે છે, ગામડાના મતદારને પોતાની અનેક સમસ્યાઓ છે, જેમાં સારા શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પાણી અને ખેતી સહિતના અનેક પ્રશ્ન છે, જ્યારે શહેરી મતદારના પ્રશ્ન ગ્રામીણ મતદારો કરતા ઓછા અને જુદા છે. જેના કારણે બંન્ને મતદારો અલગ રીતે મતદાન કરે છે, ગુજરાતના શહેરી મતદારોના મનમાં 1995થી જે ઘર કરી ગયું છે તે છે ગુજરાતની સલામતી ભાજપને આભારી છે, શહેરનો હિન્દુ મતદાર માને છે કે ગુજરાતના મીયા(મુસ્લિમ) ભાજપને કારણે કંટ્રોલમાં છે, જો ભાજપ હારી ગયું અને કોંગ્રેસની સત્તા આવી તો મુસ્લિમો આપણને ખતમ કરી નાખશે.

કોંગ્રેસના શાસનમાં અનેક મુસ્લિમ ગેંગો અસ્તીત્વમાં આવી અને કોમી તોફાનો પણ ભરપુર થયા તેને પણ નકારી શકાય તેમ નથી, કોંગ્રેસની આ ભુલને કારણે જ કોંગ્રેસ ગુજરાતમાં આટલા વર્ષ સત્તાની બહાર રહી અને ભાજપે લોકોના મનમાં મુસ્લિમોના ડરનો જે ફાયદો લીધો તે આજે પણ યથાવત છે. 22 વર્ષ પછી પણ ભાજપ જ્યારે પોતાના પ્રચારના તમામ હથિયારો વાપરી નાંખે છે, ત્યારે ફરી વખત શહેરી મતદારોને મુસ્લિમનો ડર બતાડી, હિન્દુઓની સલામતી ભાજપને આભારી છે તેવો અહેસાસ કરાવે છે. ખાસ કરી અમદાવાદની પોળમાં રહેતા અથવા ધંધો કરતા હિન્દુઓની વાત નિકળે ત્યારે તરત કહે છે, તમને ખબર નથી 25 વર્ષ પહેલા મુસ્લિમોનો ત્રાસ કેવો હતો.

આજે તે પોળમાં રહેતા અને ધંધો કરતા વેપારીઓને મુસ્લિમો કનડતા નથી, પણ પોળમાં કોઈને ઘરનું રીપેરીંગ કરવું હોય તો સ્થાનિક ગુંડાઓ આવી રીનોવેશનનું પ્રોટેકશન મની લઈ જાય છે. કોઈને ઘર વેચવું હોય અથવા ખરીદવુ હોય તો સ્થાનિક હિન્દુ નેતા અને કોર્પોરેટરને નૈવેધ ધરાવો પડે છે. પોળમાં રહેતા હિન્દુઓની સ્થિતિ આકાશમાંથી ટપકયા અને ખજુર ઉપર લટકયા જેવી છે, પણ તેઓ પોતાના સ્થાનિક હિન્દુ ગુંડાઓ સામે ફરિયાદ કરતા પણ ડરે છે. જ્યારે મુસ્લિમ ગુંડાઓનો ત્રાસ હતો, ત્યારે તો પોલીસ અને કોંગ્રેસની મીલી ભગતનો આરોપ મુકી શકાતો હતો, પણ હવે હિન્દુ ગુંડાઓ હપ્તા ઉઘરાવે છે અને મુસ્લિમ ગુંડાઓ કોર્પોરેટર સાથે ભાગીદારી કરી ગેરકાયદે મકાનો બનાવી રહ્યા છે. આમ બન્ને કોમના ગુંડાઓને સાથે ધંધો કરવામાં કોઈ વાંધો નથી.

આ સ્થિતિમાં પણ હિન્દુઓને સીધી રીતે નહીં તો આડકતરી રીતે ડર બતાડવામાં આવે છે કે ગુજરાતની શાંતિ ભાજપને આભારી છે. ગુજરાતની વસ્તી છ કરોડની છે, જેમાં મુસ્લિમોની વસ્તી 60 લાખની છે. જ્યારે અમદાવદાની વસ્તી કુલ 60 લાખની છે, જેમાં મુસ્લિમોની વસ્તી 7 લાખની છે.  આમ વસ્તીની ટકાવારીમાં જુઓ તો ગુજરાતમાં મુસ્લિમો 10 ટકા છે, જ્યારે હિન્દુઓ 90 ટકા છે. છતાં 90 ટકા હિન્દુઓ એવું માનતા હોય કે આપણને 10 ટકા મારી નાંખશે તો આ હિન્દુઓ ડરપોક છે અથવા મુર્ખ છે. રસ્તા ઉપર ઉતરી હિન્દુ-મુસ્લિમ સામ-સામે મારા મારી કરે તો પણ હિન્દુઓ મુસ્લિમો ઉપર હાવી થઈ જાય તેમ છે.

તો પણ આપણને એવું સમજાવામાં આવે છે કે મીયા આપણને મારી નાંખશે અને આપણે માની પણ લઈ છીએ, તોફાન થાય ત્યારે રસ્તા ઉપર સૌથી પહેલા પોલીસ ઉતરી આવે છે, અમદાવાદનું પોલીસદળ 12 હજાર છે જ્યારે ગુજરાતનું પોલીસ દળ 62 હજારનું છે, જેમાં 99.99 ટકા હિન્દુઓ છે. ખાખી કપડા પહેરનાર પોલીસ પણ તોફાન વખતે હિન્દુઓ તરીકે જ વ્યવહાર કરે છે, 2002ના તોફાનમાં અમદાવાદના પોલીસ કમિશનર પી સી પાંડેએ જાહેરમાં એકરાર કર્યો હતો કે તેમની પોલીસ હિન્દુ થઈ ગઈ હતી.. આમ જેના માથે કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી છે તેવા પોલીસવાળા પણ હિન્દુ હોય ત્યારે કઈ રીતે ગુજરાતના મુસ્લિમો હિન્દુીઓને મારી શકે?

છતાં ભાજપ શહેરી મતદારોને મુસ્લિમ ડરાવે અને હિન્દુઓ ડરી પણ જાય છે. જો કે હિન્દુ-મુસ્લિમ મતોનું જે પ્રકારે ધ્રુવીકરણ થયું છે, તેના કારણે કોંગ્રેસ પણ મુસ્લિમ અને તેમના ઉપયોગ કરવાનું ટાળી રહી છે. રાહુલ ગાંધીનો ગુજરાતમાં આ છઠ્ઠો ચૂંટણી પ્રવાસ છે. આ તમામ  પ્રવાસમાં રાહુલ એક પણ વખત મુસ્લિમ વિસ્તારમાં ગયા નથી અને મુસ્લિમ અંગે કઈ પણ બોલતા નથી. રાહુલની રેલી અને સભા દરમિયાન ટોપી પહેરોલો કોઈ મુસ્લિમ નજીક ફરકે નહીં અને મુસ્લિમ સાથે રાહુલની તસવીર પ્રસિધ્ધ થાય નહીં તેની કોંગ્રેસ કાળજી લઈ રહ્યું છે. આમ ભાજપ મુસ્લિમનો ડર બતાડી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ મુસ્લિમોને દુર રાખી રહી છે.