રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): સમાજમાં ખંડણી અને Extortion કરતાં લાંચનું પ્રમાણ વધુ છે. લાંચમાં મોટેભાગે બન્ને પક્ષને ફાયદો થતો હોય છે; જેમકે બિલ્ડરને અને રેવન્યૂ અધિકારીને. જ્યારે Extortion અને ખંડણી [Ransom] માં માંગનારને જ ફાયદો થાય; આપનારને નુકશાન જ થાય છે. ખંડણી ન આપે તો જીવ પણ ગુમાવવો પડે ! જ્યારે Extortion માં ઈજા કે મૃત્યુના ડરનો સામનો કરવો પડે છે. લાંચમાં જીવ નહી; પરંતુ સ્વમાન ગુમાવવું પડે છે. સરકારી કામ કરવા માટે લાંચ લેવાય છે; પોલીસ ગુનામાં અટક નહીં કરવા માટે/લોકઅપમાં નહીં પૂરવા માટે લાંચ લે છે. લાંચ આપનારની મજબૂરી હોય છે. આ મજબૂરીનો ફાયદો સરકારી કર્મચારીઓ/અધિકારીઓ લે છે. લાંચ લેવામાં સત્તાનો દુરપયોગ થાય છે. સરકારને/જાહેરહિતને નુકશાન થાય છે પણ અંગત લાભ થાય છે. જ્યારે ખંડણીમાં અપહરણ કરીને ડીમાન્ડ કરવામાં આવે છે; તેમાં દાદાગીરીનું/ભયનું/ત્રાસનું/આતંકનું તત્વ વિશેષ હોય છે. ખંડણી માંગનાર ત્રાસવાદી/ગુંડા/અસામાજિક તત્વ હોય છે. ખંડણી ગમે તેની પાસે માંગવામાં આવે છે; જ્યારે લાંચ જેને કામ પડે તેની પાસેથી મંગાય છે; તેમાં ધમકીનું તત્વ હોય છે; જેમકે પૈસા ન આપો તો જમીન સરકાર હસ્તક થશે/પ્રિમિયમની રકમ વધુ ભરવી પડશે/કેસ કરીશ તો વર્ષો નીકળી જશે/લોકઅપમાં પૂરીશ વગેરે. લાંચના ગુનામાં 7 વરસની કેદની જોગવાઈ છે. Extortionમાં 3 વર્ષથી કેદથી લઈને જનમટીપ સુધીની જોગવાઈ છે. જ્યારે ખંડણીમાં IPC કલમ-364A  હેઠળ ફાંસીની જોગવાઈ છે.

લાંચિયાઓને પકડવા માટે Prevention of Corruption Act-1988 છે/એન્ટિ કરપ્શન બ્યૂરો/CBI છે; છતાં લાંચનું પ્રમાણ વધતું જાય છે. લાંચના ગુનામાં સજા માટે ‘ડીમાન્ડ’/ ‘સ્વીકાર’/ ‘રીકવરી’નું તત્વ મહત્વનું છે. લાંચના કેસોનું મૂલ્યાંકન કરીએ તો જણાય છે કે નીચલા સ્તરના કર્મચારીઓ/ અધિકારીઓ વધુ ભ્રષ્ટ છે; જ્યારે ઉપલા સ્તરના અધિકારીઓ પવિત્ર છે ! સત્તાપક્ષના નેતાઓ તો જાણે પવિત્ર ગાય ! લાંચ તો ગરીબ માણસે પણ આપવી પડે છે. સસ્તા અનાજની દુકાનદાર પણ ગરીબોને ઓછું અનાજ આપીને પુરવઠા મામલતદારને હપ્તો આપતો હોય છે. જ્યારે ખંડણી માંગનાર ક્યારેય ગરીબને ટાર્ગેટ કરતો નથી; તે તો અમીરોને નિશાન બનાવે છે; એકી સાથે જથ્થાબંધ પૈસા મળે ત્યાં તીર મારે છે. ખંડણીખોર ગરીબોને મદદ કરતો હોય; એવું બને; જ્યારે લાંચિયો મંદિર/મસ્જિદ/ચર્ચમાં થોડું દાન કરીને પાપ ધોઈ નાખે છે !

દરેક ખંડણીમાં બળજબરીથી કઢાવી [Extortion] લેવાનું તત્વ હોય છે; પરંતુ Extortion માં ખંડણીનું તત્વ હોતું નથી. જ્યારે લાંચ [Bribe] માં આપનારની લાલચ હોય છે અથવા તો મજબૂરી હોય છે; અને ડીમાન્ડ કરનારનો ઈરાદો અંગત લાભ લેવાનો હોય છે. ગુનાની ગંભીરતા મુજબ સૌ પ્રથમ ખંડણી આવે; પછી બળજબરીથી કઢાવી લેવું અને છેલ્લે લાંચ આવે. અસ્તિત્વની દ્રષ્ટિએ લાંચ સર્વત્ર છે પછી બળજબરીથી કઢાવી લેવું એટલે કે Extortion છે અને છેલ્લે ખંડણી છે. સૂક્ષ્મ અર્થમાં, આપણે ડીઝલ/પેટ્રોલના ઊંચો દર ચૂકવીએ છીએ તે ‘સરકારી Extortion’ ન કહેવાય?

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)