અંકુર ચૌવ્હાણ (મેરાન્યૂઝ.અમદાવાદ ): કોરોનાનો પ્રવેશ દેશમાં થયો ત્યારે કોઈએ એવું વિચાર્યું નહીં હોય કે આ બીમારી સાથે ધર્મને સાંકળી દેવાશે. દિલ્હીમાં તબલીગી જમાતના મેળાવડાનાં કારણે ધર્મનો એન્ગલ હવે આ બીમારી સાથે ઉમેરાઈ ચૂક્યો છે. દેશમાં જ્યાં-જ્યાં પણ કોરોનાના હોટસ્પોટ દેખા દે છે, તેમાં હવે પહેલી તપાસ એ થાય છે કે અહીંયાથી તબલીગીમાં જનારાં કેટલાં હતાં? તબલીગી એક ધાર્મિક સમૂહ છે, જેની શાખા દુનિયાભરમાં પ્રસરેલી છે. ઇસ્લામને સાચી રીતે અનુસરવા અર્થે આ સમૂહની રચના થઈ હતી. દક્ષિણ એશિયામાં તેની અસંખ્ય શાખાઓ આવેલી છે, અને લાખોની સંખ્યામાં સભ્યો છે.

તબલીગી સાથે જોડાયેલી દરેક બાબતની અત્યારે તપાસ થઈ રહી છે. એક વાત એવી પણ આવી રહી છે કે, વેસ્ટ ઇન્ડિઝમાં 2007 દરમિયાન રમાયેલાં ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમના કોચ રહેલાં બોબ વુલ્મરનું મોતના છેડાં પણ તબલીગી સાથે જોડાયેલા હતાં. આ વાત તે વખતે પણ પ્રકાશમાં આવી હતી, પણ તપાસમાં તેના પર ઠંડું પાણી રેડી દેવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ ગાળા દરમિયાન પાકિસ્તાનની ટીમના અડધો અડધ ખેલાડીઓ તબલીગી જમાત સાથે સંકળાયેલાં હતાં. 

આમ થયું તેનાં કારણો પણ વહેતાં થયા છે, જેમ કે બોબ વુલ્મર તત્કાલિન પાકિસ્તાની ટીમમાં દિવસ દરમિયાન એકથી વધુ વાર પઢાતી નમાજથી નારાજ હતા. આ નારાજગી તેમણે તત્કાલિન પાકિસ્તાની ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના વડા સહિયાર ખાનને પણ જણાવી હતી. તેમ છતાં તેનો કોઈ નીવેડો આવ્યો નહોતો. પાકિસ્તાનનું તે સમયે પર્ફોમન્સ સતત નબળું રહ્યું હતું. જોકે બોબ વુલ્મરની મૃત્યુની તપાસને અંતે તો કુદરતી ગણીને બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ તેને લગતાં પ્રશ્નોના જવાબ હજુ સુધી કોઈને મળ્યા નથી.