પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): પહેલા હું માનતો કે શિક્ષણનો અભાવ હોય ત્યાં કટ્ટરતા વધુ હોય છે, કટ્ટરતાની વાત એટલે કોઈ એક ચોક્કસ ધર્મમાં વિશ્વાસ કરનારની વાત નથી, કારણ આપણે ત્યાં  કટ્ટરતા શબ્દનો પ્રયોગ થાય એટલે કોઈ ચોક્કસ ધર્મના લોકો અને ખાસ પ્રકારના વસ્ત્ર પહેનાર આપણી આંખ સામે આવી જાય છે, પણ છેલ્લાં અઢી દાયકાથી માહોલ જે પ્રકારે બદલાયો છે, તે પ્રકારે હવે શિક્ષિત જ નહીં ઉચ્ચ શિક્ષણ મેળવાનારના મનમાં પણ અનેક પ્રકારની કટ્ટરતા પ્રવેશી ચુકી છે, માત્રને માત્ર ધાર્મિક કટ્ટરતા હોય તો તે વ્યક્તિગત બાબત છે પરંતુ વિવિધ પ્રકારની વૈચારિક કટ્ટરતાના મુળીયા ખુબ ઊંડા ઉતરી ગયા  છે, કટ્ટરતાનો સીધો અને સરળ અર્થ કરીએ તો હું જે માનુ છું, તે જ સાચું છે, મારા મત અફર છે, આ એક પ્રકારની કટ્ટરતા છે, હું તેનાથી આગળ વધીને કહું કે હું જે માનું છું તે આખરી સત્ય છે તેવું માનવાનો અધિકાર છે, પણ જેઓ મારા સત્ય સાથે સંમત્ત નથી તેઓ મારા દુશ્મન છે, દેશદ્રોહી છે, તેઓ હિન્દુ વિરોધી છે, જો મુસ્લિમ છું તો તમે કાફર છો આ ખુબ જ ધાતક કટ્ટરતા છે.

ધાર્મિક કટ્ટરતાએ તરફ રહી, પણ તેની સાથે આપણે જે વૈચારિક  કટ્ટરતાનો ભોગ બની રહ્યા છીએ તેનો આપણને અંદાજ જ આવી રહ્યો હતો,આપણે જાણે અજાણે આ રમતમાં ભાગ લઈ રહ્યા છીએ અને તેનો હિસ્સો બની રહ્યા છે. જો કે વિવિધ પ્રકારની કટ્ટરતા પણ આપણા શિક્ષણનો જ ભાગ છે,  શિક્ષણનો અર્થ માત્ર સ્કૂલ -કૉલેજ પુરતો સિમીત નથી, શિક્ષણ આપણને ઘરથી લઈ આપણી સોસાયટી, આપણા મિત્રો અને આપણી ઓફિસથી લઈ જાહેર સ્થળે થાય છે,આ બધા શિક્ષણમાં કોઈ આપણને પેન પાટી અથવા કાગળ પેન આપી કઈ લખાવતુ નથી, પણ આપણા માનસની પાટી ઉપર તેઓ ઈચ્છે તે પ્રકારનું લખાણ લખી નાખે છે અને આપણે અજાણતાપણે તે લખાણને સાચું માનવા લાગીએ છીએ, આ પ્રકારનું જે  શિક્ષણ આપણને મળે છે તે મોટા ભાગે  ધર્મ અને સંસ્કારના નામે આપવામાં આવે છે, જેના કારણે આપણી કટ્ટરતા ઉપર ધર્મ અને સંસ્કારની મહોર વાગી જાય છે.


 

 

 

 

 

કોઈ હિન્દુ માને કે મુસ્લિમ ખરાબ છે, અને કોઈ મુસ્લિમ માને હિન્દુ કાફર છે તો આ તેમનો મત છે, પણ કોઈ ચોક્કસ જ્ઞાતિનો હિન્દુ માને કે તેની દીકરી જો કોઈ પટેલ, દલિત અથવા જૈન કે કોઈ અન્ય ચોક્કસ જ્ઞાતિના વ્યક્તિ સાથે લગ્ન ના કરી શકે કારણ તેની દીકરીએ પસંદ કરેલો યુવક માત્ર તેની જ્ઞાતિનો નથી આ પણ એક પ્રકારની કટ્ટરતા છે, તેવી રીતે સીયા મુસ્લિમ માને કે સુન્ની  મુસ્લિમ કરતા તેઓ શ્રેષ્ઠ છે આ પણ પ્રકારની કટ્ટરતા જ છે, ઘરની બહાર નિકળીએ અને વિધવા સ્ત્રી સામે મળે તો અપશુકન થાય, જો કોઈ બિલાડી આપણો રસ્તો ઓળંગે તો ખરાબ થવાનો સંકેત છે, માંસાહાર કરનાર પાપી છે, આપણી જાત બીજા કરતા ઊંચી છે, બીજા આપણા કરતા નીચી જાતિના છે, આ પ્રકારની એક કટ્ટરતા છે. જો કે કોઈ આપણને આ કટ્ટરતા છે તેના અંગે કયારેય વાત કરતા નથી, પોતાને પ્રગતિશીલ માનનાર અનેકોને હું ઓળખું છું જેઓ ધાર્મિક કટ્ટરતાને ફગાવી ચુક્યા છે, પણ જ્ઞાતિ, હોદ્દો, જાતિ, પદ, રિવાજ જેવી અનેક કટ્ટરતાને બરાબર વળગી રહ્યા છે, તેઓ હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભેદ જોતા નથી, પણ તેમની દીકરી-દિકરો બીજી કોઈ જાતિ-જ્ઞાતિમાં લગ્ન કરે તે તેમને હરગીજ મંજુુર નથી.

આપણે ત્યાં બીજા એક શબ્દનો પ્રયોગ થાય છે જેમાં આપણે કહીએ છીએ કે જો આવું કરીશું નહીં તો આપણો ધર્મ અભડાઈ જશે, ધર્મ અભડાઈ જશે તે બાબત આપણને કટ્ટરતા તરફ ધકેલે છે, પણ શિક્ષતો પણ વિચાર કરતા નથી, કે આપણો ધર્મ એટલો સસ્તો નથી કે કોઈ ચોક્કસ જ્ઞાતિના માણસને સ્પર્શ કરવાથી અથવા અન્ય ધર્મમાં વિશ્વાસ કરનાર માણસની સાથે ભોજન લેવાથી અભડાઈ જાય. ધર્મ અભડાઈ જતા પહેલા આપણે આપણો ધર્મ સમજવો જરૂરી છે, ઈશ્વાર આપણને અનેક બાબતો પસંદ  કરવાની તક આપે છે, પરંતુ આપણે કોના પેટે જન્મવું અને કયાં ધર્મમાં વિશ્વાસ કરનારના ઘરે આવવું તે આપણને કયારેય પુછતો નથી, આપણા જન્મ પછી આપણને ખબર પડે છે કે આપણે હિન્દુ,મુસ્લિમ, પારસી, ખ્રીસ્તી, પટેલ, દવે, શેખ, મન્સુરી, પરમાર અને મકવાણા છીએ, છતાં આપણે આખી જીંદગી આપણા કુળને લઈ અભિમાન કરીએ છીએ અથવા કુળને લઈ દુઃખી થઈએ છીએ.

આપણે એક ક્ષણ વિચાર કરીએ જો આપણે આપણો ધર્મ અભડાય માટે એવું કઈક તો કરતા નથીને ? જો આવું કરીએ છીએ ચોક્કસ આપણો ધર્મ અભડાઈ ગયો છે અથવા અભડાવી રહ્યા છીએ...

  1. બીજા ધર્મ અથવા બીજી જ્ઞાતિના લોકોને ધીક્કારીએ છીએ
  2. આપણા સંતાનો આપણી જ જ્ઞાતિમાં લગ્ન કરે તેવો  આગ્રહ રાખીએ છીએ.
  3. જેઓ આપણા જેવા કપડાં પહેરતા નથી અને આપણા જેવો ખોરાક ખાતા નથી તેમનાથી આપણે અંતર રાખીએ છીએ.
  4. આપણે કોઈના કામના આધારે તેની જાતી નક્કી કરીએ છીએ,
  5. આપણા ઘરમાં દિકરા-દિકરી અને પુત્રવધુ માટે અલગ અલગ  માપદંડો છે,
  6. ઘરની સ્ત્રીઓ લાજ કાઢવી પડે અથવા સ્ત્રીઓ બુરખો પહેરવો જ જોઈએ તેવુ માનીએ છીએ
  7. આપણા ધાર્મિક સ્થળ અથવા મંદિરમાં ચોક્કસ જાત-જ્ઞાતિને લોકોને જ ુ્પ્રવેશ કરવાની છુટ છે
  8. આપણી મદદની જયારે કોઈને જરૂર હતી અને આપણે મદદ  કરી શકીએ તેવી સ્થિતિમાં હતા છતાં આપણે મદદ કરી નથી તેવુ કયારેય બન્યુ છે
  9. જેઓ આપણી સાથે સંમત્ત નથી , તેઓ આપણા દુશ્મન છે તેવુ તમે માનો છો