જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): પશ્ચિમ કચ્છ પોલીસનાં એસપી દ્વારા વધુ એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મુન્દ્રાનાં કસ્ટોડીયલ કેસ પછી માંડવી મરીન પોલીસ સ્ટેશનનાં એક કોન્સ્ટેબલ દ્વારા માર મારવાના પ્રકરણમાં સંડોવાયેલા કોન્સ્ટેબલનો મામલો સોશિયલ મીડિયામાં બહાર આવ્યો હતો. જેમાં તપાસને અંતે કસૂરવાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ગુનેગારો ઉપરાંત પોતાના જ ડિપાર્ટમેન્ટના ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા લોકો ઉપર કાર્યવાહી કરવાને પગલે કચ્છનાં પોલીસ બેડામાં સસ્પેનશનની આ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં પશ્ચિમ કચ્છનાં માંડવી મરીન પોલીસ સ્ટેશનનો એક વિવાદાસ્પદ મામલો બહાર આવ્યો હતો. જેમાં ફલજી ચૌધરી નામનાં એક પોલીસ કર્મચારીની હકીકત સામે આવી હતી. જેમાં કોન્સ્ટેબલ ચૌધરી દારૂના એક કેસમાં કથિત રીતે સંડોવાયેલા એક વ્યક્તિનાં મિત્રને માર મારે છે. હીમાંશુગીરી ગોસ્વામી નામનાં આ વ્યક્તિની વ્યથા આધાર પુરાવા સાથે માંડવીના એક સજાગ પત્રકાર સુરેશભાઈએ પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંગને મોકલી હતી. જેને ગંભીરતાથી લઈને એસપી સૌરભસિંગે ઇન્કવાયરીનો ઓર્ડર કર્યો હતો. અને તેની તપાસ નખત્રાણા વિભાગનાં ડેપ્યુટી એસપી યાદવને સોંપવામાં આવી હતી. તપાસને અંતે કોન્સ્ટેબલ ફલજી ચૌધરીની ભૂમિકા સ્પષ્ટ થતા જ એસપી સૌરભસિંગએ તેને સસ્પેન્ડ કરી દીધો હતો. એસપી સિંગની કડક અને ધાક બેસાડતી કાર્યવાહીને પગલે સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે. મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ ચૌધરીને ફરજ મોકૂફ કરવાની વાતને એસપી સૌરભસિંગએ સમર્થન આપ્યું હતું.


 

 

 

 

 

કાસ્ટોડિયલ કેસનાં આરોપી ફરાર જાહેર કરાયા

મુન્દ્રા મરીન પોલીસનાં કોન્સ્ટેબલ ચૌધરીની ઘટના પહેલા વિવાદમાં આવેલા મુન્દ્રનાં કાસ્ટોડિયલ કેસનાં ફરાર પોલીસ કર્મચારીઓને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. બે વ્યક્તિનાં મર્ડર કેસમાં આરોપી એવા મુન્દ્રા પોલીસનાં ત્રણ કર્મચારી એવા શક્તિસિંહ ગોહિલ, અશોક કન્નડ અને જયદેવસિંહ ઝાલાને એસપી સૌરભસિંગએ ભાગેડુ જાહેર કર્યા છે. ચોરીના આરોપ સંદર્ભે મુન્દ્રા તાલુકાનાં સમાઘોઘા ગામમાંથી યુવાનોને આ પોલીસ કર્મચારીઓ દ્વારા ગેરકાયદે ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં બે યુવાનના મોત થયા હતા. ત્યારબાદ આ પોલીસ કર્મચારી ભાગી ગયા હતા. જે હજુ સુધી પકડાયા નથી. આ કેસમાં મુન્દ્રનાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર સહિત જીઆરડીનાં જવાન અને ગામનો સરપંચ હાલ જેલમાં છે. મુન્દ્રનાં આ વિવાદાસ્પદ પ્રકરણ પછી જ માંડવી મરીનનાં ચૌધરીનો કિસ્સો બહાર આવ્યો હતો. અને તેમાં પણ એસપી સિંગ દ્વારા કડક અને ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી.

મુન્દ્રા કેસમાં ડેપ્યુટી એસપી સામે પણ આક્ષેપ

કચ્છનાં વિવાદાસ્પદ મુન્દ્રા કાસ્ટોડિયલ કેસમાં પીઆઇથી માંડીને કોન્સ્ટેબલ કક્ષાનાં પોલીસ કર્મચારી સામે તપાસ અને કાર્યવાહી થઈ છે તેવામાં એક ડીવાયએસપી સામે પણ આક્ષેપ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ભુજ વિભાગનાં ડીવાયએસપી જયેશ એન. પંચાલ સામે પણ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન શંકા કરવામાં આવી છે. લાંબા સમયથી કચ્છમાં ફરજ બજાવી રહેલા ડીવાયએસપી જે.એન.પંચાલ સામે એવો આક્ષેપ થયો છે જે ઘટનાની 17મી તારીખે તેઓ મુન્દ્રામાં ગયા હતા. જેમાં તેઓ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પણ ગયા હતા. જોકે તે વખતે તેમને આવી કોઈ અટકાયત અંગે ખબર ન હતી. આ અંગે કોર્ટમાં પણ પંચાલ નિવેદન આપી ચુક્યા છે. જેમાં પંચાલે તેઓ આવી કોઈ ગેરકાયદે અટકાયતથી બેખબર હોવાનું જણાવ્યું હતું. પંચાલ પશ્ચિમ કચ્છમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ઇન્સ્પેક્ટર હતા ત્યારથી કચ્છને સારી રીતે જાણે છે. અને ત્યારબાદ ડેપ્યુટી એસપીના પ્રમોશન પછી કચ્છમાં જ આવ્યા હતા.


 

 

 

 

 

ગુન્હાહિત તત્વો સામે એસપીની લાલ આંખ

કડક અને પ્રમાણિક IPS અધિકારી તરીકે સામાન્ય લોકોમાં જાણીતા પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંગ માત્ર ગુન્હાહિત તત્વો સામે જ નહીં પરંતુ તેમના ડિપાર્ટમેન્ટના ભ્રષ્ટ તત્વો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. તેમની આ મુહિમના ભાગરૂપે તેમણે અગાઉથી કાર્યરત એક હેલ્પ લાઈનનો નંબર પોતાની પાસે રાખી લોકોને અપીલ કરી છે કે, કોઈપણ ગુન્હાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો તેમને મોબાઈલ નંબર 99799 23450 ઉપર કોલ કરીને અથવા તો વોટ્સએપ દ્વારા જાણ કરે. અગાઉ આ નંબર ભુજનાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં રહેતો હતો. બાતમી આપનાર વ્યક્તિને સુરક્ષા અને વિશ્વાસ રહે તથા સમગ્ર કાર્યવાહી ઉપર સીધી તેમની નજર રહે તે આશયથી હેલ્પલાઈનનો આ નંબર પોતાની પાસે રાખ્યો હોવાનું એસપી સૌરભસિંગએ જણાવ્યું હતું.