મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: સરકાર દ્વારા ટ્રાફિક નિયમને લઈને તાજેતરમાં જે રીતે મસ મોટી રકમનાં દંડની જોગવાઈ કરવામાં આવી છે તેને લઈને લોકોમાં કચવાટ અને ભયનું વાતાવરણ છે. ખાસ કરીને નિયમની અમલવારીમાં પોલીસ સહિતના સરકારી અધિકારીઓ-કર્મચારીઓ છટકી જતા હોવાની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે ટ્રાફિકનાં નિયમને લઇને પશ્ચિમ કચ્છનાં એસપીએ સોમવારે પોતાનાથી જ અનોખી શરૂઆત કરી હતી. જેમાં તેમણે પોતાની કચેરી ખાતે આવતા હેલ્મેટ વગરનાં પોલીસના પોલીસ કર્મચારીઓને દંડ ફટકાર્યો હતો. એસપીએ નિયમની કડક અમાલવારીની શરૂઆત પોતાના કર્મચારીઓથી કરતા ભુજ સહિત સમગ્ર પશ્ચિમ કચ્છમાં આગામી દિવસોમાં ટ્રાફિકનાં નિયમોને લઇને કોઈને બક્ષવામાં નહીં આવે એવા સંકેત મળી રહ્યા છે.

ભુજની એસપી કચેરીમાં હેલ્મેટ વિના દ્વિ ચક્રી વાહનો ઉપર આવતા પોલીસ કર્મચારીઓ ઉપરાંત મુલાકાતીઓને દંડ ફટકારવાની કડક સુચનાને પગલે સિટી ટ્રાફિફનાં સબ ઇન્સ્પેક્ટર વી.બી.ઝાલા તેમનાં સ્ટાફ સાથે કચેરીનાં મુખ્ય ગેટ ઉપર જ ગોઠવાઈ ગયા હતા. સવારે દસ વાગ્યાથી બપોરનાં બાર વાગ્યા સુધીમાં તો ટ્રાફિકની ટીમ દ્વારા પંદર જેટલા લોકોને વગર હેલ્મેટે વાહન ચલાવવા બદલ પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોઈપણ કામ કે નિયમની શરૂઆત પોતાનાથી કરવાને કારણે સામાન્ય લોકોમાં પણ એક સારો સંદેશ જતો હોવાને કારણે પોલીસે નિયમની અમલવારી પોતાના ઘરથી જ કરી હતી.