મેરાન્યૂઝ નેટવર્ક.પશ્ચિમ બંગાળઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રોય સોમવારે સવારે ઉત્તર બંગાળના ઉત્તર દિનાજપુરમાં પોતાના ઘર પાસે મૃત હાલતમાં મળી આવ્યા છે. ભાજપના ધારાસભ્યની લાશ હેમતાબાદના બિંડલમાં તેમના ઘર પાસેની એક દુકાનની બાલકનીમાં લટકતી હાલતમાં મળી આવી છે. પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે આ હત્યા છે. સાથે જ ભાજપના નેતા રાહુલ સિન્હાએ પણ ટીએમસી પર હત્યાનો આરોપ લગાવતા સીએમ મમતા બેનર્જી પાસે તેની સીબીઆઈ તપાસ કરવાની માગ કરી છે.

પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. હાલ આ લખાય છે ત્યાં સુધી કોઈની ધરપકડ થઈ નથી. આસપાસના લોકોનું સ્પષ્ટ માનવું છે કે ધારાસભ્યની પહેલા હત્યા કરાઈ છે અને બાદમાં તેમની લાશ લટકાવી દેવામાં આવી છે. ધારાસભ્ય દેવેન્દ્રનાથ રેની લાશ લટકતી મળતાં ઘણા તર્ક વિતર્ક થયા છે. ભાજપ આ ઘટનાથી સખ્ત નારાજ છે. તૃણમૂલ કોંગ્રેસ આ હત્યાની પાછલ છે અને તેમાંથી જ કોઈએ આત્મહત્યા જેવી સ્થિતિ બનાવી હોવાનું ભાજપના નેતા રાહુન સિન્હાનું કહેવું છે.

દેબેન્દ્રનાથ 2016માં SCમાટે રિઝર્વ હેમતાબાદ વિધાનસભા સીટ પર CPI(M)ની ટિકિટ પર જીત્યા હતા પરંતુ ગત વર્ષે લોકસભા ચૂંટણી બાદ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મમતા બેનર્જીના રાજમાં ભાજપના નેતાઓની હત્યાઓનો સિલસિલો યથાવત છે. CPM છોડીને ભાજપમાં આવેલા હેમતાબાદના ધારાસભ્ય દેબેન્દ્રનાથ રોયની હત્યા કરવામા આવી. શું ભાજપમાં જોડાયા એ જ તેમનો ગુનો હતો ? જોકે બીજી તરફ પોલીસનું એવું કહેવું છે કે દેબેન્દ્રનાથ રોયના ખિસ્સામાંથી સ્યૂસાઈડ નોટ મળી છે જેમાં ત્રણ લોકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે પરંતુ આ ત્રણ વ્યક્તિ કોણ છે તે અંગે હજુ પોલીસે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી.

પરિવારજનોનું કહેવું છે કેગત રાત્રે લગભગ એકાદ વાગ્યાના અરસામાં કેટલાક લોકો મોટરસાઈકલ પર આવ્યા હતા. દેબેન્દ્રનાથ તેમની સાથે ગયા હતા અને હવે તેમની લાશ મળી છે.