મેરાન્યૂઝ નેટવર્ક. કોલકાતા:  પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની હત્યા સામે આજે ભાજપ પક્ષ રસ્તા પર ઉતરી ને મમતા સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. રાજધાની કોલકાતામાં કાર્યકરો રાજ્ય સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં 'નાબન્ના ચલો' આંદોલનનું આયોજન કરી સચિવાલય તરફ પ્રયાણ કરી રહ્યા છે

ભાજપના દેખાવોને ધ્યાનમાં રાખીને વિદ્યાસાગર સેતુ અને હાવડા બ્રિજ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. બંને તરફથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે વિરોધ કરનારા પર લાઠીચાર્જ પણ કર્યો છે. આ સાથે, તેમના પર વોટર કેનનનો મારો પણ કરવામાં આવ્યો છે.વિરોધ કરનારાઓને હટાવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


 

 

 

 

 

ભાજપના નેતા લોકેટ ચેટર્જીએ કહ્યું કે પોલીસ અમારા લોકો પર લાઠીચાર્જ કરી રહી છે. ખિદિરપુર તરફથી પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. શું પોલીસ તેને જોઈ શકતી નથી? તે જ સમયે, ભાજપ મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય રસ્તા વચ્ચે ધરણા પર બેઠા છે.

કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું છે કે પશ્ચિમ બંગાળ સરકારની અંદર ભય છે. આ કારણોસર, તે વિરોધના મૂળ લોકશાહી અધિકારને પણ નકારી રહી છે. રાજ્ય સચિવાલય બંધ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી મોદી જી કે ભાજપનો સવાલ છે, અમને ટીએમસી કે મમતા બેનર્જી પાસેથી કોઈ પ્રમાણપત્રની જરૂર નથી.