મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના ચોથા ચરણ માટે આજે 9 રાજ્યોની 71 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે જેમાં મોટા દિગ્ગજોના ભાવી મતદારો નક્કી કરશે. તેમાં બિહારની 5, ઝારખંડની 3, જમ્મુ કશ્મીરની 1, મધ્યપ્રદેશની 6, મહારાષ્ટ્રની 17, રાજસ્થાનની 13, ઓડિશાન 6, પ. બંગાળની 8 અને ઉત્તરપ્રદેશની 13 બેઠકોનો સમાવેશ થાય છે. અહીં 943 ઉમેદવારો વચ્ચે 71 બેઠકો પર જંગ જામવાનો છે.

પશ્ચિમ બંગાળના આસનસોમાં વોટિંગ દરમિયાન હિંસા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. અહીં ટીએમસી પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લાગ્યો છે અને સ્થિતિ સંભાળવા માટે પોલીસે બે બૂથ પર લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. આવા સંજોગોમાં અહીં આસનસોલમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું હતું જેને પગલે ભારે ઉહાપોહ મચ્યો હતો. ત્યાં જ ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કાર પર પથ્થરમારો પણ થયો હતો. જેમાં તેમની કારના કાચ ફૂટી ગયા હતા. બંગાળમાં આસનસોલમાં ભાજપના કાર્યકર્તાઓ પર લાઠી ચાર્જ થયો હતો અને ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની સુરક્ષા કર્મીઓ સાથે રકઝક થઈ હતી.