પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-9): અમે જેલમાં હતા, હું જેલમાં બેસી કેસ કાગળનો અભ્યાસ કરી રહ્યો હતો. સીબીઆઈના અધિકારીઓ પોતાની અનુકુળતા પ્રમાણે કેસને વળાંક આપ્યા હતા અને ચોક્કસ અધિકારીઓને નિશાન બનાવ્યા હતા તે સમજી શકાતું હતું. હવે મને સીબીઆઈના અધિકારીઓ ઉપર શંકા ઉપજી રહી હતી. બિલ્કીશના દાવા પ્રમાણે તે જ્યારે લીમખેડા પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે તેણે સામુહિક બળાત્કાર અને હત્યાની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાજર પીએસઓ સોમા ગોરીએ તેને ધમકી આપી હતી કે બળાત્કારની વાત કરવી નહીં અને કોઈ આરોપીના નામ નહીં નહીંતર ઝેરનું ઈજેકશન આપી દેવામાં આવશે તેવો તેનો દાવો હતો, પણ ખરેખર બિલ્કીશે બળાત્કાર અને હત્યાની જે વિગતો નોંધાવી હતી તે તમામ વિગતો સોમાભાઈએ નોંધી હતી, પરંતુ બિલ્કીશે પોતાની ઉપર બળાત્કાર થયો હોવાની વાત કહી જ ન્હોતી. આ ઉપરાંત જ્યારે તેને મેડીકલ ટેસ્ટ કરાવવા લઈ ગયા ત્યાં પણ તેણે ડૉકટર સામે આવી કોઈ વિગત આપી ન્હોતી. મેડીકલ રિપોર્ટ પ્રમાણે પણ તેના શરિર ઉપર જબરસ્તીના કોઈ નિશાન ન્હોતા અને માની લઈએ તે ડૉકટરને તેણે કહ્યું તો પછી સીબીઆઈએ ડૉકટરને કેમ આરોપી બનાવ્યા નહીં.

મારી વિરૂધ્ધ સાક્ષી ફારૂક પીંજારાને ઊભો કરવામાં આવ્યો તેનો દાવો હતો કે તે પોતાની માસીના ધરમાં હતો અને બીમાર હોવાને કારણે ભાગી શકતો ન્હોતો માટે તે માસીના ઘરમાં સંતાઈ રહ્યો હતો અને બપોરના એક વાગે તે પોલીસની જીપની સાયરન સાંભળી બહાર આવ્યો ત્યારે લાલ લાઈટવાળી  કાર ઊભી હતી, જેમાં પીએસઆઈ સૈયદ હતા.  તેમણે મને ભાગી જવાનું કહેતા હું ભાગી દેવગઢ બારીયા જતો રહ્યો હતો. હવે પીંજારા ખોટું બોલી રહ્યો હતો. તેનો પહેલો પુરાવો એવો હતો કે આ આખા વિસ્તારમાં લોકો પોતાના ઘર માટી-છાણના બનાવે છે. જેમાં ડાળખી અને પાંદડાનો ઉપયોગ કરે છે, પીંજારાની માસીની ફરિયાદ પ્રમાણે સવારે 11 વાગે લોકોએ તેમના ઘર ઉપર હુમલો કરી આગ ચાંપી દીધી હતી, હવે જે ઘર 11 વાગે સળગી ગયું હોય તેમાં પીંજારા કેવી રીતે સંતાઈ રહે, ત્યાર બાદ પીંજારાના દાવા પ્રમાણે તેણે પોલીસની જીપ જોઈ જેની સાયરન તેમણે સાંભળી અને તે મદદ માંગવા આવ્યો પરંતુ પોલીસના રેકોર્ડ પ્રમાણે મને જીપ નહીં મીની બસ પ્રકારની મોબાઈલ વાન ફાળવવામાં આવી હતી જેમાં સાયરન પણ ન્હોતી અને લાલ લાઈટ પણ ન્હોતી.

પીંજારાનો દાવો હતો કે તે બીમાર હોવાને કારણે ભાગ્યો ન્હોતો પણ પરિવારના સભ્યો ભાગી ગયા હતા, પણ જ્યારે મેં તેને મદદ કરવાની ના પાડી ત્યારે તે મંદિરમાં તીલક કરી હિન્દુ જેવો વેશ ધારણ કરી દેવગઢ બારીયા સુધી ભાગ્યો હતો. આમ તે એક વખત કહે છે બીમારીને કારણે ભાગ્યો ન્હોતો અને બીજી વખત તે રણધીકપુર દેવગઢ બારીયા સુધી ભાગ્યો તેવી વાત કરે છે પણ સીબીઆઈએ પોતાને અનુકુળ આવે તેવો પુરાવો લઈ મને આરોપી બનાવ્યો હતો. તેવી જ રીતે બિલ્કીશ ગોધરા પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાની ઉપર ત્રણ આરોપીઓએ બળાત્કાર કર્યો હોવાની વિગત પીએસઆઈ શીવાજી પવાર સામે આપી હતી. પવારે તે પૈકી કોઈ આરોપીને પકડ્યા ન્હોતા તો પણ પવારને કઈ પણ પુછવાની અથવા આરોપી બનાવવાની તસ્દીએ સીબીઆઈએ લીધી નહીં. ત્યાર બાદ આ તપાસ સીઆઈડી ક્રાઈમે કરી હતી. સીઆઈડી દ્વારા પણ કોઈ આરોપી પકડયા ન્હોતા પણ એક પણ સીઆઈડી અધિકારી સામ કોઈ કાર્યવાહી થઈ નહીં.

બિલ્કીશે સીબીઆઈ સામે આપેલી ફરિયાદમાં 25-30 આરોપીઓ બે સફેદ જીપમાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. સીબીઆઈએ 12 આરોપીઓને પકડયા તો બાકીના આરોપીઓ કોણ હતા. તે શોધવાનો કેમ પ્રયત્ન કર્યો નહીં, બે સફેદ જીપ હતી, તો સીબીઆઈએ એક જ સફેદ જીપ કબજે કરી તો બીજી કયાં ગઈ, બિલ્કીશ ઉપર બળાત્કાર થયો ન્હોતો તેવો દાવો પણ કરતો નથી, કારણ મને પોલીસ અધિકારી તરીકે મને જે સત્ય સમજાઈ રહ્યું હતું તે જુદુ હતું. બિલ્કીશનો દાવો હતો કે તેઓ કુલ 17 માણસો ભાગી રહ્યા હતા. જેમાં ટોળાએ તેને અને સદામ સહિત એક બાળકને જીવતા છોડી દીધા, પણ મારી જાણકારી પ્રમાણે ખરેખર 17 વ્યકિતઓ એક સાથે ભાગી રહી ન્હોતી. બિલ્કીશને તે વિસ્તારના આદિવાસીઓ ઓળખતા હતા. જીવ બચાવવા માટે બિલ્કીશ જઈ રહી હતી ત્યારે સ્થાનિકોએ તેને અને સદામ સહિતના બાળકોને આશ્રય આપ્યો હતો, પણ સાંજે આ વિસ્તારના દારૂ પીનારા લોકોએ બિલ્કીશ સાથે તેની રજા વગર શરિર સંબંધ બાંધ્યો હતો.

બીજા દિવસે સ્થાનિકોએ આઉટ પોસ્ટ જમાદાર નરપતને સદામ સહિત અન્ય એક બાળક સોંપતા જમાદારે બાળકોને રાહત કેમ્પમાં મોકલી આપ્યા હતા. હવે સવાલ એવો છે કે સીબીઆઈમાં આપેલા નિવેદન પ્રમાણે ટોળાએ બિલ્કીશની દિકરી સાલેહાને પણ મારી નાખી હતી. તો પછી તે સદામ અને તેની સાથે રહેલા બાળકને કેમ જીવતા જવા દે, સીબીઆઈ તપાસમાં સામેલ થઈ ત્યારે સદામ મોટો થઈ ગયો હતો પણ સીબીઆઈ સદામને મળવા સુધ્ધા ગઈ જ નહીં, ડૉકટર દંપત્તી ઉપર આરોપ હતો કે તેમણે પીએમ કર્યું જ નહીં અને લાશો વડોદરા મોકલવાની વ્યવસ્થા કરી નહીં, પણ ત્યારની સ્થિતિ પ્રમાણે પોલીસ ફોર્સ ન્હોતો અને 100 કિલોમીટર વિસ્તારમાં ડેડ બોડી સાચવવાની કોઈ વ્યવસ્થા ન્હોતી. તેને સીબીઆઈએ ધ્યાને લીધી જ નહીં.

ડૉકટર્સની સાથે વર્ગ-4નો કર્મચારી કાળુ પણ આવ્યો હતો. તેણે ડીકંપોઝ થયેલા શરિરને ડૉકટરની સૂચના પ્રમાણે ચીર્યા હતા અને ટાંકા લીધા હતા પણ સીબીઆઈએ કાળુનું નિવેદન લીધુ નહીં કારણ કાળુ નિવેદન લેવામાં આવે તો પોસ્ટમોર્ટમ થયું હતું તેવું સાબીત થતું હતું. પણ ત્યારે મારે જેલમાં બેઠા બેઠા કાગળો વાંચવા અને વિચાર કરવા સિવાય કઈ કરવાનું ન્હોતું.

(ક્રમશ:)

- અમારું ફેસબુક પેજ લાઈક કરો,

- ટ્વીટર પર અમને લાઈક કરો,

- અગાઉની અન્ય તમામ સીરીઝ વાંચવા અહીં ક્લિક કરો