પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-8): સીબીઆઈ દ્વારા કુલ 15 સાક્ષીઓને મુંબઈની કોર્ટમાં રજુ કરી મેજીસ્ટ્રેટ સામે નિવેદન નોંધાવ્યા હતા, જેમાં એક સાક્ષી હતો ફારૂક પીંજારા તેના સાક્ષી નિવેદન પ્રમાણે તા 28 ફેબ્રુઆરીના રોજ તે રણધીકપુરમાં તેની માસીના ઘરે હતો, સ્થિતિ બગડતા બધા ભાગી ગયા પણ તેની તબીયત સારી નહીં હોવાને કારણે તે ભાગી શકયો ન્હોતો, બપોરના એક વાગે તેણે પોલીસની જીપની સાયરન સાંભળી, તેને લાગ્યું કે મદદ મળશે એટલે તેણે ઘરની બહાર આવી જોયું તો સામે જ આરોપી રાજુ સોનીની દુકાન પાસે પોલીસની જીપ ઉભી હતી. તેની ઉપર લાલ લાઈટ ચાલુ હતી, ત્યાં રહેલા માણસો પોલીસ સાથે મુસ્લિમોને મારવાની વાત કરતા હતા, પણ પોલીસ જોઈ મેં ત્યાં જવાની હિંમત કરી અને પોલીસને કહ્યું હું મુસ્લિમ છું મારી મદદ કરો, તો પીએસઆઈએ કહ્યું બચવુ હોય તો અહિયાથી ભાગી જા, ત્યારે મેં પીએસઆઈની નેમ પ્લેટ વાંચી તેની ઉપર આઈ એસ સૈયદ લખ્યું હતું અને તેમની બાજુમાં રણધીકપુર આઉટ પોસ્ટના જમાદાર નરપતસિંહ  ઊભા હતા.

પોલીસ અધિકારી મને બચાવવાની ના પાડતા હું  ત્યાંથી ભાગ્યો અને ગામના પાદરમાં માતાજીના મંદિરમાં ગયો જયાંથી મે કંકુ લઈ માથે તીલક કર્યું જેથી મને કોઈ મુસ્લિમ માને નહીં અને ત્યાંથી ભાગી નિકળી ગયો હતો. હવે ફારૂક પીંજારા ખોટું બોલી રહ્યો હતો. તેનો મારી પાસે પુરાવો હતો. મને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા બનાવના દિવસે 12-30 વાગે લીમખેડા જવાનો આદેશ મળ્યો હતો જેની નોંધ હતી. મેસેજ મળ્યાના એક કલાક બાદ હું મારા ડ્રાઈવર અને ઓપરેટર સાથે 13-30 વાગે ફતેપુરથી લીમખેડા જવા નિકળ્યો ત્યારે પણ મેં કંટ્રોલમાં નોંધ કરાવી હતી. લીમખેડા-ફતેપુરનું અંતર 60 કિલોમીટરનું છે. અમે ચાર વાગે રણધીકપુર પહોંચ્યા ત્યારે મને કંટ્રોલ રૂમ દ્વારા ત્યાં જ રોકાઈ જવાનો આદેશ આપાયો હતો. આમ હું જ્યારે ચાર વાગે રણધીકપુર પહોંચ્યો તો મને ફારૂક પીંજારા એક  વાગે કેવી રીતે મળ્યો હોય. આ ઉપરાંત ફારૂક પોતે રણધીકપુરનો નથી તો આઉટ પોસ્ટના જમાદાર નરપતને નામ અને ચહેરાથી કેવી રીતે ઓળખી શકે.

ફારૂકના દાવા પ્રમાણે તેણે પોલીસની જીપ જોઈ, તેણે સાયરન સાંભળી અને તેની ઉપર લાલ લાઈટ પણ ચાલુ હતી, પરંતુ હું ફતેપુરથી નિકળ્યો ત્યારે જીપમાં નહીં પણ મીનીબસ પ્રકારની મોબાઈલ વાન હતી. જેની ઉપર લાઈટ પણ નથી અને તેમાં સાયરન પણ નથી. આમ ફારૂક એક પછી એક ખોટા પુરાવા આપી રહ્યો હતો. સીબીઆઈની ઈચ્છા પ્રમાણે અને સીબીઆઈએ તૈયાર કરેલા નિવેદન સાક્ષી તરીકે મુકવામાં આવી રહ્યા હતા. અહિયા વાત માત્ર ફારૂકની નથી મેં જેમને બચાવ્યા તેઓ પણ મારી વિરૂધ્ધ જુબાની આપતા હતા, એટલુ જ  નહીં જેમણે મુસ્લિમોને બચાવવામાં મદદ કરી તેમને પણ બક્ષ્યા ન્હોતા. 28મીએ સ્થિતિ બગડતા રણધીકપુરના ગોવીંદ નાવી અને ચતુર નાવીએ અ્બ્દુલ સત્તાર સહિત 12 મુસ્લિમોને પોતાના ઘરમાં સંતાડી તેમનો જીવ બચાવ્યો હતો અને આ તમામ મુસ્લિમોની જમવાની વ્યવસ્થા પણ કરી હતી. બહારની સ્થિતિ એટલી ખરાબ હતી કે સંબંધે કાકા ભત્રીજા થતા નાવી તેમને પોતાના ઘરમાંથી કાઢી બહાર સલામત સ્થળે મોકલી શકે તેવો અવકાશ ન્હોતો.

નાવી પરિવારે આ 12 મુસ્લિમોને તા 4 માર્ચ સુધી સાચવ્યા હતા. આમ આટલા દિવસો સુધી મુસ્લિમોને તેમણે આશ્રય આપ્યો છે તેવી જાણ ગામ લોકોને થઈ જતા ગામના ટોળા નાવીના ઘરની સામે આવી ગયા હતા. તેઓ નાવી પાસે મુસ્લિમોને સોંપી દેવાની માગણી કરી રહ્યા હતા. આ ટોળુ નાવી પરિવારે આશ્રય આપેલા મુસ્લિમોને મારી નાખવા માગતુ હતું, ગોવીંદ નાવીને લાગ્યું કે સ્થિતિ તેમની હાથ બહાર જઈ રહી છે ત્યારે તેમણે પોલીસની મદદ માગી એટલે હું મોબાઈલ વાન સાથે ત્યાં પહોંચ્યો ભીડ વધારે હતી અને અમે વાનમાં ત્રણ પોલીસ વાળા જ હતા, એટલે મેં ભીડની પાછળ પોલીસ વાન દોડાવી ભીડને દુર કરી ત્યાર પછી અબ્દુલ સત્તાર સહિત તમામને પોલીસ વાનમાં બેસાડી દુધીયા જતા રસ્તા ઉપર સલામત સ્થળે લઈ ગયો હતો. આ તમામ જયારે પોલીસવાનમાંથી ઉતર્યા ત્યારે મારા પગ પકડી જીવ બચાવવા માટે આભાર માન્યો હતો. તે અબ્દુલ સત્તાર હવે સીબીઆઈનો સાક્ષી થઈ ગયો હતો. તેમણે પોલીસ સામે જ નહીં પણ આશ્રય આપનાર ગોવીંદ અને  ચતુર વિરૂધ્ધ પણ નિવેદન આપ્યું જેના કારણે તેઓ આરોપી થઈ ગયા હતા.

અમે જેલમાં હોવાને કારણે બીજી અનેક સમસ્યાએ વધી રહી હતી, મારી મોટી દીકરીનું લગ્ન તો થઈ ગયુ હતું, પણ બીજી બે દીકરી અને દિકરો ભણતા હતા. હું જેલમાં ગયો ત્યારે મારો દિકરો ધોરણ 10માં ભણતો હતો, ઘરની સ્થિતિ ખરાબ થઈ જતા તેણે ભણવાનું છોડી નોકરી કરવાની શરૂઆત કરી હતી. જ્યારે ડૉ અરૂણ અને ડૉ સંગીતા હજી પ્રોબેશન ઉપર હોવાને કારણે તેમનો તો પગાર જ બંધ કરી દેવામાં આવ્યો હતો. ડૉ સંગીતા માનસીક રોગના દર્દી થઈ ગયા હતા. ટીવી ઉપર કોઈને હાથકડી બાંધેલો જુવે એટલે માનસીક સંમતુલન ખોઈ બેસતા હતા. આ જ પ્રકારે તમામ પોલીસ અધિકારીઓના ઘરની સ્થિતિ આવી જ હતી, પણ હવે અમને પુછનાર અને મદદ કરનાર કોઈ ન્હોતું.

(ક્રમશ:)

- અમારું ફેસબુક પેજ લાઈક કરો,

- ટ્વીટર પર અમને લાઈક કરો,

- અગાઉની અન્ય તમામ સીરીઝ વાંચવા અહીં ક્લિક કરો