પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-7): મારી ધરપકડ કરી અને રિમાન્ડ પુરા થતાં મને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો. મનમાં ડર હતો. કારણ જેલમાં પોલીસ અધિકારીઓ માટે કોઈ અલાયદી વ્યવસ્થા હોતી નથી. જેલમાં કાયમ સ્ટાફની કમી હોવાને કારણે જેલની મોટા ભાગની વ્યવસ્થા પાકા કામના  કેદીઓ જ સંભાળતા હોય છે. ભુતકાળમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા આરોપી અને પોલીસ અધિકારી એક જેલમાં હોય ત્યારે કેદી દ્વારા પોલીસ ઉપર હુમલો થવાની શકયતા હોય છે, પણ સદ્દનસીબે સાબરમતી જેલમાં મને કોઈ માઠા અનુભવ થયા નહીં ત્યાર બાદ મને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો ત્યાં પણ ખાસ ચિંતાનું કારણ ન્હોતુ, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કેસ મુંબઈ ચલાવવાનો હતો. જેના કારણે મને વદોદરા જેલમાંથી મુંબઈની આર્થર રોડ જેલમાં ખસેડવામાં આવ્યો, આર્થર રોડ જેલના સુપ્રીટેન્ડન્ટ સ્મિતા સાઠે હતા. આ જેલમાં અંડર વર્લ્ડના અનેક ખુખાંર ગુનેગારો હતો, પણ સુપ્રીટેન્ડન્ટ સ્મિતા સાઠેની જબરી ધાક હતી. મોટા ગુનેગારો પણ સાઠેથી ડરતા હતા. પોલીસ અધિકારીઓમાં ધરપકડ તો મારી અને હેડ કોન્સટેબલની નરપતની જ થઈ હતી.

જ્યારે બિલ્કીશબાનુની ફરિયાદ પ્રમાણે જે 12 આરોપીઓના નામ આપવામાં આવ્યા હતા. તે તમામ પણ અમારી સાથે જેલમાં હોત, હજી સુધી ખરેખર બિલ્કીશબાનુની ફરિયાદમાં શું છે અને કયાં પુરાવા લેવામાં આવ્યા છે તેની મને ખાસ ખબર ન્હોતી, પણ  અમદાવાદની જુની હાઈકોર્ટમાં જયારે ચાર્જશીટ થયુ તેમાં આરોપી તરીકે ડીવાયએસપી આર એસ ભગોરા, ઈન્સેપકટર ભાભોર, પીએસઆઈ પટેલ, પીએસઓ સોમાભાઈ તેમજ ડૉ અરૂણ અને ડૉ સંગીતાના નામ પણ હતા. કોર્ટે તેમને સમન્સ કરી કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરતા બધા જ કોર્ટમાં હાજર રહેતા કોર્ટે તમામને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો પણ આ વખતનું દ્રશ્ય હ્રદયદ્રાવક હતું. કોર્ટમાં ડૉ. અરૂણ અને સંગીતા પોતાના પુત્ર વરૂણ (ઉં-3) અને સગુણ (ઉં-2)ને સાથે કોર્ટમાં લઈ આવ્યા હતા. કોર્ટે જ્યારે ડૉકટર દંપત્તીને પણ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો અને પોલીસે તેમની કસ્ટડી મેળવી ત્યારે બંન્ને બાળકો માતા-પિતાથી વિખુટા પડી ગયા હતા.

પોલીસ વાનમાં જ્યારે ડૉકટર દંપત્તીને લઈ જવામાં આવતું હતું ત્યારે તેમના પુત્ર વરૂણ અને સગુણ હિબકે ચઢયા હતા. સગુણ તો ખુબ નાનો હતો પણ તેના કરતા એક વર્ષ મોટો વરૂણ થોડુક સમજી રહ્યો હતો કે તે પોતાના માતા-પિતાથી અલગ થઈ રહ્યો છે. વરૂણ પોલીસ સામે જોઈ રડતા રડતા પુછી રહ્યો હતો. કહા લે જા રહે હો મેરે મમ્મી પપ્પા કો આ દ્રશ્ય કોઈ પણ કઠણ મનના વ્યકિતની આંખ પણ ભીની કરે તેવું હતું, પણ મારે પણ લાગણીશીલ થયા વગર કામ કરવાનું હતું કારણ મારી જીંદગીનો પણ સવાલ હતો. મેં ચાર્જશીટના કાગળો વાંચવાની શરૂઆત કરી મને એક પછી એક આઘાત લાગે તેવા પુરાવા કાગળોમાંથી મળવા લાગ્યા, હું તો નિદોર્ષ છું છતાં પરેશાન થઈ રહ્યો છું તેવું મને લાગી રહ્યું હતું, પણ બિલ્કીશનની ફરિયાદ પ્રમાણે સામુહિક બળાત્કાર કેસમાં જેમને આરોપી બનાવવામાં આવ્યા છે ખરેખર તેમાંથી પણ અનેક નિદોર્ષ હતા. હું પણ મુસ્લિમ હતો અને બિલ્કીશ પણ મુસ્લિમ હતી છતાં મને સમજાતું હતું કે બિલ્કીશ ઘણું ખોટું બોલી રહી હતી.

પણ મારા મતની કોઈ કિંમત ન્હોતી. હું જે માનુ છું તે વાત મારે કોર્ટમાં સાબીત કરવાની હતી. મેં પહેલા આરોપીઓના નામ વાંચ્યા તો આઘાત લાગ્યો કારણ આ 12 આરોપીઓએ પહેલા મુસ્લિમ સ્ત્રીઓ ઉપર બળાત્કાર કર્યો અને પછી તેમની હત્યા કરી તેવો આરોપ પણ હતો, પરંતુ આ 12 આરોપીઓ પૈકી શૈલેષ ભટ્ટ અને મીતેશ ભટ્ટ સગા ભાઈઓ છે. તેવી જ રીતે નરેશ મોડીયા અને પ્રદિપ મોડીયા પણ ભાઈ છે. તેમજ કેસર મોડીયા અને બકા મોડીયા પણ સગા ભાઈ થાય છે જ્યારે જશવંત નાવી અને ગોવીંદ નાવી કાકા-ભત્રીજા થાય છે. આમ સગાભાઈઓ અને કાકા ભત્રીજા સામુહિક બળાત્કાર કરે તેવું મેં મારી પોલીસને નોકરીમાં ક્યારે જોયું ન્હોતું, ફરી કહું છું મારો મત નહીં પણ આ આરોપી નિદોર્ષ છે તેવા પુરાવા પણ મારી પાસે હતા. જ્યારે બીપીન જોષી નામનો આરોપી એકદમ અપંગ છે. તેના બંન્ને પગ કામ કરતા નથી તેને ચાલવા માટે પણ કાંખ ઘોડીની જરૂર પડે છે. તે કઈ રીતે ટેકરી ઉપર આવે અને બળાત્કાર કરે... આ કેસમાં જેમને સાક્ષી તરીકે મુકવામાં આવ્યા હતા. તેવા લોકોને તો મેં તે દિવસે બચાવ્યા હતા અને સલામત સ્થળે મુકી આવ્યો હતો પણ તે જ સાક્ષીઓના નિવેદન મારી વિરૂધ્ધમાં હતા.

બિલ્કીશબાનુનું નિવેદન વાંચ્યું તો એક નવી જ સ્ટોરી સામે આવી બિલ્કીશે નોંધાવ્યું હતું કે, તે દિવસે તેના પરિવારના 17 વ્યકિઓ સાથે તેઓ છાપરવાડના જંગલોમાં ભાગી રહ્યા હતા ત્યારે બે સફેદ જીપમાં 25-30 માણસો આવ્યા, જેમાં શૈલેષ ભટ્ટ હતો, આ ટોળાને મેં વિનંતી કરી કે તમે મારા ભાઈ અને કાકા જેવા છો દયા કરો હું ગર્ભવતી છું પણ શૈલેષ ભટ્ટે મારી દીકરી સલેહાને પછાડી મારી નાખી પછી મારી ઉપર ત્રણ વ્યકિતઓએ બળાત્કાર ગુજાર્યો, તેવી જ રીતે મારી માસીની દીકરી સાથે પણ થયું તેની તાજી જન્મેલી બાળકીને પણ મારી નાખી. હું મરી ગઈ છું તેવો ડોળ કર્યો એટલે ટોળુ મને છોડી જતુ રહ્યું. ત્યારે મારા શરિર ઉપર કોઈ કપડું ન્હોતુ હું ટેકરી ઉતરી નીચે આવી ત્યારે મને એક આદિવાસી સ્ત્રીએ કપડાં આપ્યા જે પહેરી હું એક હેન્ડ પંપ ઉપર પાણી પીવા ગઈ ત્યારે મેં જોયું તો એક પોલીસની જીપ જતી હતી. મેં તેમને રોકયા તેઓ મને લીમખેડા પોલીસ સ્ટેશન લઈ આવ્યા જયાં મેં મારી ઉપર 12 વ્યકિતએ બળાત્કાર કર્યો તેના નામ પણ પીએસઓ સોમાભાઈને આપ્યા પણ તેમણે મને ધમકી આપી કે બળાત્કારની વાત કરીશ નહીં અને કોઈના નામ નોંધાવતી નહીં, નહીંતર સારવારના બહાને ઝેરનું ઈન્જેકશન આપી ખતમ કરી નાખીશું એટલે મેં ત્યાં કોઈના નામ આપ્યા ન્હોતા.

(ક્રમશ:)

- અમારું ફેસબુક પેજ લાઈક કરો,

- ટ્વીટર પર અમને લાઈક કરો,

- અગાઉની અન્ય તમામ સીરીઝ વાંચવા અહીં ક્લિક કરો