પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-5): સીબીઆઈના એસપી ઝા સાહેબ કઈ નવી જ સ્ટોરી લઈ આવ્યા હતા, જે કોઈ પણ માની શકે તેમ ન્હોતી. રાજ્યનો એક મુખ્યમંત્રી પોતાની ખોટી લાગણી ગુજરાત પોલીસના પચાસ હજાર પોલીસ જવાનો સુધી પહોંચાડે અને પોલીસ તે પ્રમાણે કામ કરે તેવું કેવી રીતે બની શકે, પણ હવે હું એકલો હતો. મારે શું કહેવુ તેની મને ખબર પડતી ન્હોતી, હું તે દિવસોની ઘટના ફરી યાદ કરી રહ્યો હતો. હું તે તપાસનો હિસ્સો ન્હોતો, પણ જે કઈ બની રહ્યું હતું તે મારા ધ્યાન ઉપર હતું. બિલ્કીશબાનુને અમે ગોધરા રિલીફ કેમ્પાં મુકી આવ્યા હતા. હવે રિલીફ કેમ્પમાં પત્રકારો સહિત મુસ્લિમ નેતાઓ અને કેટલીક સ્વૈચ્છીક સંસ્થાઓની અવરજવર વધી ગઈ હતી. તેઓ બિલ્કીશને પણ મળી રહ્યા હતા. અમે તેની ફરિયાદ નોંધી હતી. તેણે જે કઈ કહ્યું તે અમે નોંધ્યું હતું પણ આશ્ચર્ય વચ્ચે બિલ્કીશને લઈ કેટલાંક લોકો ગોધરા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે કહ્યું આ ફરિયાદ નોંધાવવા માગે છે.

ગોધરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શીવાજી પવાર સામે લખાવ્યું કે તે જ્યારે જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા ત્યારે ટોળાએ તેમને ઘેરી લીધી, ટોળામાં રહેલા શૈલેષ ભટ્ટે તેની સાડા ત્રણ વર્ષની દીકરી સાલેહાને પથ્થર ઉપર પટકી મારી નાખી અને મારી ઉપર જશવંત નાવી-ગોવીંદ નાવી અને નરેશ મોડીયાએ બળાત્કાર ગુજાર્યો હતો. બીજા વીસ-પચ્ચીસ માણસો પણ હતા. આમ બિલ્કીશે નવી જ વાત ગોધરા પોલીસ સામે કહી હતી. જ્યારે બિલ્કીશ લીમખેડા પોલીસ સ્ટેશન આવી ત્યારે તેણે બળાત્કારની ઘટના કહી જ ન્હોતી. ત્યાર બાદ જ્યારે તેને લીમખેડા સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ ગયા ત્યારે તેણે ડૉકટર સામે પણ બળાત્કારની વાત કહી ન્હોતી, ત્યાં માત્ર તેણે પોતાની ઈજાઓ અંગે જ કહ્યું પણ બિલ્કીશની ઘટના હવે વળાંક લઈ રહી હતી. જે કઈ તપાસમાં વળાંક આવી રહ્યા હતા તે અંગે લીમખેડા પોલીસે કામ કરવાનું હતું પણ તે દિશામાં પણ લીમખેડા પોલીસે કંઈ કર્યું નહીં અને એક પણ આરોપીને પકડયા ન્હોતા. ઉપરથી લીમખેડા પોલીસે કોર્ટમાં સમરી રિપોર્ટ ભરી આરોપી મળી આવતા નથી તેવું કોર્ટને જણાવ્યું હતું. મને પ્રશ્ન થતો હતો. જે ઘટના સાથે મારે નીસ્બત નથી તે અંગે મને કેમ પુછી રહ્યા છે.

હું જે રૂમમાં બેઠો હતો, ત્યાં સીબીઆઈના બે અધિકારીઓ આવ્યા, તેમણે બહુ જ પ્રેમથી વાત કરવાની શરૂઆત કરી તેમણે મને કહ્યું ઝા સાહેબ સાથે અમારી વાત થઈ અમને ખબર છે તમે નિર્દોષ છો, પણ નાહકના કેસમાં ફસાઈ રહ્યા છો. સાહેબની ઈચ્છા છે કે તમે સ્ટાર વીટનેસ થઈ જાઓ. તમારે ભાજપનો ડર રાખવાની જરૂર નથી. અમે તમને મુંબઈમાં ભારત સરકારની કોઈ એજન્સીમાં પ્રમોશન સાથે લઈ જઈશું, હું પેલા બે અધિકારીઓ સામે જોઈ રહ્યો હું પણ પોલીસ અધિકારી હતો. મને તેઓ જે કહી રહ્યા હતા તેની ગંભીરતા સમજાઈ રહી હતી.

મારે ઝા સાહેબ ઈચ્છી રહ્યા હતા તે પ્રમાણે નરેન્દ્ર મોદીથી લઈ જશવંત ભાભોર, એ કે જાડેજા અને ડીવાયએસપી ભાભોરના નામ લખાવવાના હતા. મેં સામો સવાલ પુછ્યો કે હું આવું કેવી રીતે કરી શકું જે બન્યું જ નથી તેની સાક્ષી કેવી રીતે આપુ. બંન્ને અધિકારીઓએ એકબીજા સામે જોયું પછી મને એક અધિકારીએ ફરી શાંતિથી સમજાવ્યો કે કઈ જ કરવાનું નથી, અમે તમને કોર્ટમાં રજુ કરીશું તમારે સીઆરપીસી 164 પ્રમાણે મેજીસ્ટ્રેટ સામે અમે કહ્યું તેવું નિવેદન આપી જતાં રહેવાનું છે અને અમે અમારૂ વચન પાળીશું.

હું તેમની સામે જોઈ રહ્યો, તેઓ સમજી રહ્યા હતા કે હું તેમની વાત સાથે સંમત્ત નથી. એટલે બીજા એક અધિકારી મારી પાસે આવ્યા તેમણે મારા ખભા ઉપર હાથ મુકતા કહ્યું જુઓ મારે તમને કહેવું જોઈએ નહીં પણ અમે જે પ્રમાણે કહીએ છીએ તે પ્રમાણે નિવેદન આપો તો અમે આ  કેસમાં સામેલ એનજીઓ પાસેથી તમને પાંચ કરોડ પણ અપાવીશું, પહેલા નોકરીની લાલચ આપી, હવે પૈસા ઉપર આવ્યા હતા. હું જાણતો હતો કે મારી ખોટી જુબાની કેટલા લોકોની જીંદગી બરબાદ કરી શકે તેમ હતી. આ વખતે સીબીઆઈના  જોઈન્ટ ડાયરેકટર ગેસ્ટ હાઉસમાં દાખલ થયા, તેમને જોઈ તેમના અધિકારીઓ ઊભા થઈ ગયા અને હું પણ. જોઈન્ટ ડાયરેકટરે મને પગથી માથા સુધી જોયો, હું પોલીસ યુનિફોર્મમાં હતો, તેમણે કડક અવાજમાં મારૂ નામ પુછ્યું મેં કહ્યું પીએસઆઈ એ આઈ સૈયદ તેમણે મારુ નામ સાંભળતા જ તેઓ મારી ઉપર ભડકાય અને તેમણે પોતાના અધિકારી સામે જોતા કહ્યું આ માણસના યુનિફોર્મ ઉપર સ્ટાર શોભા આપતા નથી તેના સ્ટાર ઉખેડી ફેંકી દો. મને બહુ આશ્ચર્ય થયું છતાં મેં હિંમત કરી કહ્યું સર તમે મને સાંભળ્યો જ નથી.

મેં મારા ખભા ઉપર રહેલા સ્ટાર બદનામ થાય તેવું કોઈ જ કામ કર્યું નથી. મારૂ વાકય પુરૂ થાય તે પહેલા જોઈન્ટ ડાયરેકટર ત્યાંથી રવાના થઈ ગયા, બધાની વચ્ચે મારૂ આ પ્રકારનું અપમાન થયું તેના કારણે અંદરથી ગુસ્સો આવી રહ્યો હતો, શરીર પણ ગરમ થઈ ગયું હતું. જોઈન્ટ ડાયરેકટર ગયા પછી પેલા બે અધિકારીઓએ મને ખુરશીમાં બેસાડયો અને ફરી વાત શરૂ કરી તેમણે મને કહ્યું જુઓ કુદરત આવી તક દરેક વખતે આપતી નથી. પૈસા પણ મળશે અને ભારત સરકારમાં સારી નોકરી પણ મળશે. ડર રાખ્યા વગર જે તક મળી છે તેને ઝડપી લો. હું પોલીસ અધિકારી હતો મને કાયદાની ખબર હતી, છતાં અંદરથી એક અજાણ્યો ડર લાગી રહ્યો હતો. હું કોઈ પણ ભોગે ખોટું કરીશ નહીં તેવું મન બનાવી લીધુ હતું. છતાં જાણે સમય જ થંભી ગયો હોય તેવું લાગી રહ્યું હતું. હું એકલો પડી ગયો હતો. તેઓ જુદી જુદી રીતે મને સાક્ષી થઈ જવા માટે સમજાવી રહ્યા હતા, બંન્ને અધિકારીઓ એક પછી એક વાત કરતા હતા, તેમની વાતમાં સૌમ્યતા હતી, છતાં તે કઠી રહી હતી.

(ક્રમશ:)

- અમારું ફેસબુક પેજ લાઈક કરો, |

- ટ્વીટર પર અમને લાઈક કરો, |

- અગાઉની અન્ય તમામ સીરીઝ વાંચવા અહીં ક્લિક કરો