પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-4): હવે અમારી મોટી સમસ્યા એવી હતી કે સાત મૃતકો પૈકી છની વ્યકિતની ઓળખ થઈ ન્હોતી, બિલ્કીશની માતા હલીમાબીબીની ઓળખ થઈ હતી પણ તેના સગા લાશ લેવા તૈયાર ન્હોતા, બાકીના છ કોણ હતા અને તેમના સગા કયાં હશે તે શોધવુ હાલની સ્થિતિમાં મુશ્કેલ હતું. શહેરમાં કરફયુ હતો, આમ છતાં અમે છાપરવાડની ટેકરીઓ ઉપર આવ્યા છીએ તેવી ખબર પડતા આદિવાસીઓ સામેની ટેકરી ઉપર બેસી અમને જોઈ રહ્યા હતા અને બુમો પાડી રહ્યા હતા. અમારો સ્ટાફ બહુ ઓછો હતો. અમે તેમને ભગાડી શકીએ તેવી સ્થિતિમાં પણ ન્હોતા. સાતે લાશો નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ શકતા ન્હોતા માટે અમે ટેકરી ઉપર જ ડૉકટર બોલાવી પોસ્ટમોર્ટમ કરાવી નાખ્યું હતું. ડૉ અરૂણ પ્રકાશ અને ડૉ સંગીતાએ અમને પ્રાથિમક રિપોર્ટ આપ્યો તેમાં સ્ત્રીઓ ઉપર સામુહિક બળાત્કાર થયો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. દાહોદના ડેપ્યૂટી કલેટકર પારેખ પણ સ્થળ ઉપર આવી ગયા હતા.

સુર્ય આથમવાની તૈયારીમાં હતો, હું પોતે પણ મુસ્લિમ હતો અને મરનાર પણ મુસ્લિમ હતા. મને વિચાર આવ્યો કે મૃત્ય તો ખરાબ થયું છે પણ તેમની અંતિમવિધી યોગ્ય રીતે થવી જોઈએ મેં મારા સિનિયર અધિકારીઓ સાથે વાત કરી તપાસ તો હેડ કોન્સટેબલ નરપત પટેલ પાસે હતી પણ તે બિચારો નિર્ણય કરી શકે તેવી સ્થિતિમાં ન્હોતો. મેં કહ્યું આપણે બધાની દફનવિધી અહિયા ટેકરી ઉપર કરીએ, બધા માટે અલગ કબર ખોદવાનો સમય પણ  ન્હોતો પણ અંધારૂ થતાં પહેલા દફનવિધી કરી લેવી જરૂરી હતી. મેં તત્કાલ મારી વાન દોડાવી અને ચાંર-પાંચ મજુરો મંગાવી લીધા મેં કહ્યું સાડા પાંચ બાય સાડા પાંચ ફુટનો ખાદો ખોદો, મજુરો કામે લાગી ગયા, અમે તમામની સામુહિક દફનવિધી કરવાનો નિર્ણય કર્યો, મુસ્લિમ હોવાને નાતે મને તમામ ધાર્મિક વિધીની ખબર હતી. તે પ્રમાણે મેં તમામ વિધીઓ કરાવી સાતે વ્યકિતઓને ત્યાં જ દફન કર્યા, આ અંગેની એક રસીદ પણ બનાવી અને લાશ દફન કરી છે તેવી સત્તાવાર નોંધ કરી તેના કાગળો મેં હેડ કોન્સટેબલને નરપતને આપ્યા હતા.

મારી વાત સીબીઆઈના એસપી ઝા ધ્યાનથી સાંભળી રહ્યા હતા તેવુ હું માની રહ્યો હતો. કારણ હું બોલી રહ્યો હતો ત્યારે તેમણે મને કયાંય અટકાવ્યો નહીં, વચ્ચે કોઈ પ્રશ્ન પુછયો નહીં, હું બોલતો જ રહ્યો હતો, મારી વાત પુરી થઈ એટલે હું અટકયો તેમણે મને પુછ્યું આગે કયાં હુવા... મેં કહ્યું બસ યહી હુવા થાં, તે ઝા સાહેબ ખુરશીમાં પાછળ ખસ્યા, ટેબલ ઉપર પડેલુ પેપર વેટ ફેરવવા લાગ્યા, તેઓ મારી સામે જ જોઈ રહ્યા હતા, તેમણે ટેબલ ઉપર ફરી રહેલુ પેપર વેટ એકદમ મુંઠી બંધ કરી રોકી લીધુ અને કહ્યું આપકી કહાની હમને સુનલી, મુઝે લગા કી આપ મુસ્લમાન હૈ સચ બોલેંગે, હું આ વાકય સાંભળી સ્તબ્ધ થઈ ગયો, મને ખબર જ પડી નહીં કે મેં ક્યાં એક પણ વાકય ખોટું કહ્યું છે.

મેં કહ્યું સાહેબ હું તો લીમખેડા પોલીસની મદદમાં આવ્યો હતો. મેં અલગ અલગ ગામોમાંથી 400 જેટલાં મુસ્લિમોને બચાવ્યા અને રાહત કેમ્પમાં છોડી આવ્યો હતો, પણ મને તેમનો ચહેરો જોઈ સમજાયું કે તેઓ મારી વાત ઉપર ભરોસો કરતા નથી.

ઝા સાહેબ  પાછા આગળ તરફ આવ્યા, તેમણે કહ્યું સુનો, સહીં ક્યા હૈ વો મેં આપકો સુનાતા હું, તેમ કહી તેમણે ડાયરી ખોલી કેટલાંક પાના આગળ પાછળ કર્યા, કઈક વાંચ્યુ પછી મને કહ્યું સ્ટોરી કુછ એસી હૈ, તેમણે વાત શરૂ કરતા કહ્યું તા 27 ફેબ્રુઆરીના રોજ ગોધરા સ્ટેશન ઉપર ટ્રેનને સળગાવી દેવામાં આવી તેના કારણે હિન્દુઓ ગુસ્સામાં હતા, તેઓ બદલો લેવા માગતા હતા આ સ્થિતિને કારણે નરેન્દ્ર મોદીની સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. હિન્દુઓ ભાજપથી નારાજ હતા. એટલે નરેન્દ્ર મોદી ઈચ્છતા હતા કે હિન્દુઓને બદલો લેવા દેવો જોઈએ. જો પોલીસ નિષ્ક્રીય થાય તો જ હિન્દુઓ બદલો લઈ શકે. નરેન્દ્ર મોદીએ પોતાના નેતાઓને આ અંગે જાણ કરી હતી. દાહોદના ભાજપના મંત્રી જશવંતસિંહ ભાભોરે નરેન્દ્ર મોદીની આ  લાગણી દાહોદના એસપી એ કે જાડેજાને પહોંચાડી હતી. એસપી જાડેજાએ આ અંગેની જાણ ડીવાયએસપી ભાભોરને કરી હતી અને ભાભોરે તમને નિષ્ક્રીય રહેવાનો આદેશ આપ્યો હતો.

ઝા સાહેબ જે બોલી  રહ્યા હતા તેવું કઈ જ બન્યું ન્હોતું, ઉપરથી મને ફતેપુરથી લીમખેડા મદદ માટે બોલાવામાં આવ્યો હતો. હું મુસ્લિમોને બચાવી રહ્યો હતો ત્યારે મને ભાભોર સાહેબે કયારેય રોકયો ન્હોતો. હું સ્તબ્ધ બની તેમની સામે જોઈ રહ્યો હતો. ઝા સાહેબે કહ્યું બિલ્કીશબાનુ વાળી ઘટના જે દિવસે બની તે દિવસે તમે રધીકપુર સફેદ જીપમાં જતા આ કેસના આરોપીઓને જોયા હતા પણ મને નિષ્ક્રીય  રહેવાનો આદેશ હોવાને કારણે તમે કોઈ કાર્યવાહી કરી નહીં. હું કઈ જ જવાબ આપી શકવાની સ્થિતિમાં ન્હોતો. મને ખબર જ પડતી ન્હોતી  કે સીબીઆઈ જેવી સંસ્થાના એસપી જે કઈ બન્યું જ નથી તેવી વાત મને કેમ કહી રહ્યા હતા, તેઓ મારી સામે જોવા લાગ્યા તેમણે મને પુછ્યું બોલો કયાં કહેંગે. મેં મારી જાતને એકદમ સચેત કરી અને કહ્યું સાહેબ તમે જે કહો છો તેવું કઈ જ બન્યું નથી. હું પોલીસ અધિકારી છું, કઈ રીતે મને મારા કોઈ સિનિયર નિષ્ક્રીય રહેવાનો આદેશ આપી શકે અને મને જ નહીં અમારા કોઈ પણ પોલીસ અધિકારીને આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો નથી. મને તેમણે કહ્યું સારૂ જાવ બાજુની રૂમમાં જઈ બેસો મારા બીજા અધિકારી તમારી સાથે વાત કરશે. હું ઉઠી બાજુની રૂમમાં જઈ બેઠો.

(ક્રમશ:)

- અમારું ફેસબુક પેજ લાઈક કરો,

- ટ્વીટર પર અમને લાઈક કરો,

- અગાઉની અન્ય તમામ સીરીઝ વાંચવા અહીં ક્લિક કરો