પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-3): રણધીકપુરથી બીજલ ડામોરની આશ્રમશાળા પાંચ કિલોમીટર દુર હતી. અમે આમ તો રણધીકપુરથી ખાસ્સા નજીક હતા અને સતત ડર લાગી રહ્યો હતો. જેના કારણે જ અમે જેમ બને તેમ રણધીકપુરથી દુર જતા રહેવા માગતા હતા. કારણ અમે ઘર છોડી દીધા પછી ટોળુ અમને શોધતુ હશે તેની અમને ખબર હતી. બિલ્કીશબાનુંએ કહ્યું દિવસના અજવાળામાં અમે નિકળી શકીએ તેમ ન્હોતા અને આખી રાત ડરમાં પસાર કરવી મુશ્કેલ હતી. એટલે, બધાએ સાથે નક્કી કર્યું કે રાતના અંધારામાં જ આપણે આશ્રમશાળા છોડી જંગલાના રસ્તે દેવગઢ બારીયા જતા રહીએ સવાર સુધી ચાલી અમે દેવગઢ બારીયા પહોંચી જતા પણ અમારી સાથે અમારી માસીની દીકરી પણ હતી. તેને નવ મહિના થઈ ગયા હતા, પણ તેને એકલી છોડી શકાય તેમ ન્હોતી. તે આવી સ્થિતિમાં અમારી સાથે  જંગલના રસ્તે ચાલી રહી હતી અને બધા કુલ મળી 17 હતા, પણ છેલ્લાં દિવસોમાં ઝડપથી ચાલવાને કારણે મારી માસીની દીકરીને દુઃખાવો ઉપડયો હતો અને ત્યારે  કુવાજેર ગામે પહોંચ્યા હતા. અમે બધા ત્યાં જ રોકાઈ ગયા માસીની દીકરીએ એક બાળકને જન્મ આપ્યો, અમે ડરી રહ્યા હતા કે ક્યાંક ટોળું આવી જાય નહીં પણ અમારી પાસે પ્રસૃતી માટે રોકાવવા સિવાય કોઈ  વિકલ્પ ન્હોતો.

તાજી જન્મેલી દીકરીને લઈ ફરી અમે દેવગઢ બારીયા તરફ જંગલમાં આગળ વધવા લાગ્યા ત્યારે જ અમને એકદમ ચીચીયારીઓ સંભળાઈ અમને ખબર નથી પણ અમે ભાગી રહ્યા છે તેવી જાણકારી કોઈ રીતે આદિવાસી ટોળા પાસે આવી ગઈ, અમે છાપરવાડ ગામની ટેકરીઓ ઉપર હતા, અમે ચારે તરફથી ઘેરાઈ ગયા હતા. રાતના અંધારામાં અમારી ઉપર હુમલો થઈ ગયો. ચારે તરફથી પથ્થરમારો થયો અને લાકડીઓ લઈ લોકો અમારી ઉપર તુટી પડયા, ટોળુ નિર્દયતાપુર્વક અમારા પુરૂષોની મારી નાખી રહ્યું હતું. જે સ્ત્રીઓ હતી તેની ઉપર બળાત્કાર ગુજારી રહ્યા હતા. ટોળાએ મારી ઉપર પણ હુમલો કર્યો. મેં તેમને હાથ જોડયા, મારા પેટમાં પાંચ માસનો ગર્ભ છે તેવું કહ્યું મને છોડી દેવાની વિનંતી કરી જેના કારણે ટોળાએ મને છોડી દીધી. આ ઘટનામાં મને હાથે અને પગે ઈજાઓ પણ થઈ છે. બિલ્કીશબાનુ જે કહી રહી હતી તે આખી ઘટનાથી લીમખેડા પોલીસ અજાણ હતી. પોલીસ સ્ટેશન ઓફિસર સોમાભાઈએ બિલ્કીશબાનુએ જે કહ્યું તે નોંધ્યુ અને તેની ફરિયાદ લીધી પોલીસને માટે પહેલી અગ્રતા બિલ્કીશની સારવારની હતી. એટલે, તેને તરત લીમખેડાના સરકારી દવાખાને ડૉ. અરૂણ પ્રકાશ પાસે મોકલી હતી.

હોસ્પિટલથી બિલ્કીશબાનું સારવાર લઈ પરત આવી પછી હવે તેને ક્યાં રાખવી,.. તે પોલીસ માટે પ્રશ્ન હતો અને લીમખેડા પોલીસ સ્ટેશનમાં બીજા મુસ્લિમોને પણ આશ્રય આપવામાં આવ્યો હતો. તેમની રહેવાની જમવાની અને પાણીની વ્યવસ્થા કરવી હવે મુશ્કેલ બની રહી હતી. શહેરમાં કર્ફયુ નાખી દેવામાં આવ્યો હતો. તેથી નક્કી કરવામાં આવ્યું કે બિલ્કીશ સહિત તમામ મુસ્લિમોને ક્યાંક સલામત સ્થળે લઈ જવામાં આવે એટલે અમે સરકારી વાહનોમાં તેમને ગોધરા ઈકબાલ હાઈસ્કુલમાં આવેલા રિલીફ કેમ્પમાં છોડી આવ્યા હતા. બિલ્કીશની ફરિયાદ પછી હવે તેની ઉપર કાર્યવાહી કરી તપાસમાં જવાનું હતું. પોલીસ સ્ટેશન ઓફિસર સોમાભાઈએ આ ઘટનાની તપાસ લીમખેડાના પોલીસ સબ ઈન્સપેકટર બી આર પટેલને સોંપી હતી. ઘટના ગંભીર હતી. આ મામલે તપાસ પોલીસ સબ ઈન્સપેકટર અથવા તેની ઉપરના અધિકારીએ જ કરવી જરૂરી હતી, પરંતુ પીએસઆઈ પટેલે આ તપાસ પોતે કરવાને બદલે રણધીકપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ નરપત પટેલને સોંપી દીધી હતી.

 

રણધીકપુર તો આઉટ પોસ્ટ હતી, ત્યાં કુલ સ્ટાફ ત્રણ માણસનો હતો.  તે કઈ રીતે આ તપાસ કરે અને ત્યાં સ્થિતિ પણ સારી ન્હોતી. હેડ કોન્સટેબલ નરપત પટેલે મને કહ્યું કે, તપાસ મારે કરવાની છે પણ ત્યાં સ્થિતિ સારી નથી, તમે મારી મદદ કરો તો સારૂ... મને નરપત પટેલની વાત સમજાતી હતી. મારે આ તપાસ સાથે કોઈ સંબંધ ન્હોતો કારણ હું તો ફતેપુર પોલીસ સ્ટેશનમાં હતો. ઘટના લીમખેડા પોલીસ સ્ટેશનની હતી. છતાં હેડ કોન્સટેબલ નરપતની મદદ કરવાનો મેં નિર્ણય કર્યો. મને લાગ્યું કે મામલો ગંભીર છે એટલે કોઈ સિનિયર અધિકારી સાથે હોય તો સારૂ... એટલે મેં સર્કલ ઈન્સપેકટટર આર એમ ભાભોરને સાથે આવવા કહ્યું તેઓ પણ સ્થિતિને સમજી ગયા અમે તા 5મી માર્ચના રોજ સવારે ઘટના સ્થળે છાપરવાડ પહોંચ્યા. હવે બનાવ જે બન્યો હતો જે રસ્તાથી 200 મીટર ઉંચાઈની ટેકરી ઉપર હતો. વાહનો જઈ શકે તેમ ન્હોતા સાઈકલ પણ નહીં અમે બધા ત્યાં ચાલતા પહોંચ્યા. ટેકરી ઉપર પહોંચતા અમે ધ્રુજી ગયા, પોલીસની નોકરીમાં લાશો તો અનેક જોઈ હતી પણ અહિયા ક્રુરતાની હદ હતી.

કુલ સાત લાશો પડી હતી, કોહવાઈ પણ ગઈ હતી અને દુર્ગંધ પણ આવવા લાગી હતી. ચાર મહિલાઓ અને ત્રણ બાળકો હતા. પુરૂષો ભાગી શકયા માટે ઈજા થવા છતાં બચી ગયા પણ સ્ત્રીઓ ઉપર હત્યા પહેલા બળાત્કાર પણ થયો હોવાનું જોઈ શકાતું હતું, એક પોલીસ અધિકારી તરીકે ગુસ્સો આવી રહ્યો હતો આરોપી સામે મળે તો ગોળી મારી દઉ તેવું લાગી રહ્યું હતું. અમારી પાસે સ્ટાફ ઓછો હતો, અમે પંચનામુ કરવાની શરૂઆત કરી સાથે પંચમાં બિલ્કીશના સગા અબ્દુસત્તાર અને એક સ્ત્રીને લઈ આવ્યા હતા પણ અબ્દુલ ખુબ ડરેલો હતો. અમે તેને મરનારની ઓળખ પુછી તો તે માત્ર બિલ્કીશની માતા હલીમાબીબીને ઓળખી શકયો. સામે ટેકરી ઉપર આદિવાસીઓનું ટોળું ચીચીયારીઓ પાડી અમને ડરાવી રહ્યું હતું, તેઓ અમને પણ અ્હિયાથી જતા રહેવાનું કહી રહ્યા હતા. આ સ્થિતિમાં અમે કામ કરી રહ્યા હતા. અમે મેજીસ્ટ્રેટને પણ જાણ કરી હતી. પંચનામા બાદ અમારે લાશો પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની હતી પણ 200 મીટર ટેકરી ઉપરથી લાશો લઈ જવી મુશ્કેલ હતી.

આખરે અમે અમે નક્કી કર્યું કે સ્થળ ઉપર ડૉકટરને બોલાવી પોસ્ટમોર્ટમ કરાવીએ એટલે અમે લીમખેડા આરોગ્ય કેન્દ્રને જાણ કરી પણ ત્યાંથી ડૉકટર આવ્યા નહીં. અમે દુધીયાના ડૉકટર અરૂણ પ્રસાદ અને તેમના પત્ની ડૉ. સંગીતા પ્રસાદ હતા, તેઓ પણ બાંડીમારના ડૉકટર હતા. તેમને જાણ કરી એટલે અરૂણ પ્રસાદ અને સંદીતા પ્રસાદ ત્યાં આવ્યા તેમણે સ્થળ ઉપર સાતે લાશોનું નિયમ પ્રમાણે પો્સ્ટમોર્ટમ પણ કર્યું. હવે પ્રશ્ન હતો કે લાશ  કોને સોંપવી, હલીમાબીબી સિવાય  કોઈની ઓળખ થઈ ન્હોતી, અમે અબ્દુલ સત્તારને હલીમાબીબીની લાશ લેવાનું કહ્યું પણ તે ડરેલો હતો અને સતત ઉલ્ટીઓ કરી રહ્યો હતો. તેણે લાશ લેવાની ના પાડી દીધી હતી. આ મૃતકોના સગા હતા તેઓ જીવ બચાવવા વિવિધ સ્થળે ભાગી છુટયા હતા. કોને કયાં શોધવા તે પ્રશ્ન હતો. સમગ્ર જિલ્લામાં ક્યાંય કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ન્હોતી જ્યાં લાશો સાચવી શકાય, સાંજ થઈ ગઈ હતી, હજી અંધારૂ થઈ જાય તો મુશ્કેલી વધવાની હતી. કારણ જંગલની ટેકરીઓ પર લાઈટ ન્હોતી અને અમારી પાસે પોલીસ ફોર્સ પણ ન્હોતો.

(ક્રમશ:)

- અમારું ફેસબુક પેજ લાઈક કરો,

- ટ્વીટર પર અમને લાઈક કરો,

- અગાઉની અન્ય તમામ સીરીઝ વાંચવા અહીં ક્લિક કરો