પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-2): મારે કઈ યાદ કરવાની જરૂર ન્હોતી કારણ મને તે દિવસની એક એક ક્ષણ યાદ હતી, હું જીંદગીમાં તે દિવસો કોઈ રીતે ભલી શકું તેમ નથી. એક પોલીસ અધિકારી તરીકે તો ઠીક પણ એક માણસ તરીકે પણ હું અંદરથી હલી ગયો હતો. દાહોદનું ફતેપુરનું પોલીસ સ્ટેશન આમ તો નાનું હતું. વસ્તીને કારણે પોલીસ સબઈન્સપેકટર કક્ષાનું હતું. હું સેકન્ડ પોલીસ ઈન્સપેકટર તરીકે હતો, મારા સિનિયર પોલીસ સબ ઈન્સપેકટર પરમાર હતા. પોલીસ અધિકારી તરીકે અમે બંન્ને પોલીસ સબ ઈન્સપેકટરનો અમારો વિસ્તારમાં દબદબો હતો.

અમારા વિસ્તારમાં કોઈ ગુનેગાર અથવા અસામાજીક તત્વો માથુ ઉચકી શકે તેવી હિંમત ન્હોતી, તા 27 ફેબ્રુઆરી 2002માં રોજ ગોધરા સ્ટેશનમાં સાબરમતી એકસપ્રેસ ટ્રેન સળગાવી દેવામાં આવી હતી, તે દિવસથી મેં મારા સ્ટાફને એલર્ટ કરી દીધો હતો. મને પોલીસ અધિકારી તરીકે ખબર હતી કે ટ્રેનમાં કાર સેવકોને સળગાવી દેવાની ઘટનાને કારણે જનમાનસમાં ગુસ્સો હતો. મારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ મુસ્લિમો રહેતા હતા.

મારે તકેદારી રાખવાની હતી. હું મારા સ્ટાફ સાથે રસ્તા ઉપર આવી ગયો હતો. મને ખબર હતી કે પોલીસની હાજરી ઘણી ઘટનાઓ રોકી શકે તેમ હતી, સ્ટાફ ઓછો હતો, છતાં રસ્તા ઉપર રહેવુ જરૂરી હતું. હું અને મારા સિનિયર સબઈન્સપેકટર સાથે મળી કામ કરતા હતા. ફતેપુરમાં કોઈ બનાવ બને નહીં તે માટે સ્થાનિક આગેવાનોની મિટીંગ બોલાવી પોલીસને સહકાર આપવા અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તેમાં મદદરૂપ થવા વિનંતી કરી, બીજા  દિવસે તા 28મીના રોજ ગુજરાત બંધનું એલાન અપાઈ ગયું હતું. વિસ્તાર છોડી જઈ શકાય તેમ ન્હોતો.

 

રાત મેં પોલીસ સ્ટેશનમાં જ પસાર કરી, મારૂ ધ્યાન સતત વાયરલેસ મેસેજ તરફ હતું. અમારા વિસ્તારમાં કોઈ બનાવ ન્હોતો, પણ આસપાસના વિસ્તારમાં બંધના એલાન દરમિયાન હિંસા શરૂ થઈ ગઈ હતી, જે હું મેસેજમાં સાંભળી રહ્યો હતો. હું સતત પેટ્રોલીંગ કરી રહ્યો હતો જ્યાં ચાર-પાંચ લોકો એકઠા થયા હોય તેમને ભગાડી દેતો હતો.

મને ખબર હતી કે એક વખત ટોળુ એકઠું થઈ જશે પછી સ્ટાફની અછતને કારણે તેમને નિયંત્રીત કરવું મારા માટે શકય બનશે નહીં. બપોર થવા આવી અમારા વિસ્તારમાં શાંતિ હતી. હું મારી મોબાઈલ વાનમાં જ હતો ત્યારે અમારા વાયલેસ સેટ ઉપર મેસેજ આવ્યો ડીવાયએસપી દ્વારા મને લીમખેડા પોલીસ સ્ટેશનની મદદે જવાનો આદેશ હતો, ત્યારે ઘડીયાળમાં 12-30 થઈ રહ્યા હતા. વાયરલેસ સેટ ઉપર આવી રહેલા મેસેજ પ્રમાણે મને લીમખેડાની ગંભીરતા સમજાઈ હતી, ત્યાં હિન્દુના ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. લીમખેડામાં મુસ્લિમોની મિલ્કતને નિશાન બનાવવામાં આવી રહી હતી. લૂંટ-ફાટ શરૂ થઈ ગઈ હતી. આગ લગાડવામાં આવી રહી હતી, જે મળે તેને રહેંસી નાખવામાં આવી રહ્યા હતા. આમ લીમખેડા ગયા વગર પણ મને ત્યાંની ગંભીર સ્થિતિનો ખ્યાલ આવી રહ્યો હતો. અમારા ફતેપુરમાં શાંતિ હતી એટલે મને મદદમાં બોલાવામાં આવ્યો હતો. વાયરલેસ મેસેજ બાદ મેં તરત મારા સિનિયર સબ ઈન્સપેકટરને જાણ  કરી તેમણે મને કહ્યું સૈયદ હું ફતેપુર સંભાળી લઈશ તમે લીમખેડા રવાના થાવ.

હું ફતેપુરથી નિકળ્યો ત્યારે 13-30 થઈ ગયા હતા. હું મદદમાં નિકળ્યો હતો. મારી સ્થિતિ પણ કઈ સારી ન્હોતી, મારી મોબાઈલ વાનમાં ડ્રાઈવર ભરતસિંહ અને વાયરલેસ ઓપરેટર કુષ્ણકાંત હતા. આમ અમે ત્રણે લીમખેડા જવા રવાના થયા, પણ રસ્તામાં ઠેર ઠેર વૃક્ષો કાપી આડશ મુકી દેવામાં આવી હતી. જેના કારણે અમે રસ્તામાં વાન રોકી આડશો દુર કરી લીમખેડા તરફ આગળ વધી  રહ્યા હતા. લગભગ ચાર વાગ્યા હશે અમે રણધીકપુરથી પાંચ કિલોમીટર દુર હતા. ફતેપુર -લીમખેડાનું અંતર 60 કિલોમીટર હતું, કંટ્રોલ રૂમ દ્વારા અમારૂ લોકેશન પુછવામાં આવ્યું અમે કહ્યું અમે રણધીકપુરથી પાંચ  કિલોમીટર દુર છીએ, થોડી જ વારમાં અમને સંદેશો મળ્યો કે રધણીકપુરમાં હિંસા ફાટી નિકળી છે. અમારે રધણીકપુરમાં  હોલ્ટ કરવો, અમારી મદદે લીમખેડાના સર્કલ પોલીસ ઈન્સપેકટર પણ આવી રહ્યા છે.

લીમખેડા પોલીસ સ્ટેશનની હદમાં રણધીકપુર આવતુ હતું. નાનકડુ ગામ પણ મુસ્લિમોની વસ્તી ખાસી હતી. તેમને ફરતે આદિવાસી વસ્તી હતી. રણધીકપુરમાં માત્ર આઉટ પોસ્ટ હતી જેમાં  હેડ કોન્સટેબલ અને બે કોન્સટેબલનો સ્ટાફ સામાન્ય દિવસોમાં રહેતો હતો. રણધીકપુરમાં તોફાન શરૂ થઈ જતા આ ત્રણનો સ્ટાફ કાંઈ કરી શકે તેમ ન્હોતો તેથી મારે ત્યાં રોકાઈ કામ શરૂ કરવાનું હતું. હું રણધીકપુર પહોંચ્યો, જે મુસ્લિમો ફસાયા હતા તેમને તેમના ઘરમાંથી કાઢી હું દુધિયા ગામ તરફ જવાના રસ્તે પહોંચાડી રહ્યો હતો. મારે સ્ટાફ અને હથિયારધારી માણસો પણ ન્હોતા. પણ ટોળાની પાછળ વાન દોડાવી દોડાવી તેમને ભગાડી રહ્યો હતો.

લીમખેડાના સીપીઆઈ પાસે જીપ હતી. જ્યારે મારી પાસે વાન હતી. એટલે જેટલા મુસ્લિમોને વાનમાં બેસાડી શકાય તેમને બેસાડી હું લીમખેડા પોલીસ સ્ટેશન છોડી આવતો હતો. હિન્દુઓનું ટોળુ કોઈ પણ ભોગે મુસ્લિમોને મારવા માગતું હતું પણ પોલીસ તરીકે અમારે તેમને બચાવવાના હતા.

અમને જાણકારી મળી કે, રણધીકપુરમાં કેટલાંક સારા હિન્દુઓ પણ છે જેમણે આ ઘટના પછી પોતાના ઘરમાં મુસ્લિમોને આશ્રય આપ્યો છે પણ જશવંત અને ગોવિંદ નાવીના ઘરમાં મુસ્લિમો છે તેવી ખબર પડતા ટોળાએ નાવીનું ઘર ઘેરી લીધું છે અને તેઓ મુસ્લિમોને મારી નાખવા માગે છે. હું તરત તેમની મદદે પહોંચ્યો અને નાવીના ઘરમાં 12 મુસ્લિમોને ઘરમાંથી કાઢી લીમખેડા પોલીસ સ્ટેશન સલામત મુકી આવ્યો હતો. આમ અનેક મુસ્લિમોને મેં આ વિસ્તારમાંથી સલામત રીતે બહાર કાઢયા હતા, ત્યાર બાદ મને સૂચના મળતા મારે લીમખેડા જ રોકાઈ  જવાનું હતું.

તા 4 ફેબ્રુઆરી સવારનો સમય હતો, લીમખેડા પોલીસ સ્ટેશનમાં એક યુવતી દાખલ થઈ તેના પહેરવેશ ઉપરથી જ તે મુસ્લિમ હોવાનો મને અંદાજ આવ્યો તે સીધી પોલીસ સ્ટેશન ઓફિસર સોમાભઈ કોરી પાસે ગઈ, પોલીસ સ્ટેશનમાં જ અનેક મુસ્લિમોને આશ્રય આપવામાં આવ્યો હતો.

 

આ યુવતીએ પોતાનો પરિચય આપતા કહ્યું તેનું નામ બિલ્કીશબાનુ યાકુબ રસુલ છે તેના લગ્ન દેવગઢ બારીયા થયા છે, પણ ઈદને કારણે તે પોતાની દીકરી સાલેહા સાથે પોતાના પિતાના ઘરે રણધીકપુર આવી હતી, ત્યાં સ્થિતિ બગડી, ગોધરાની ઘટના બાદ ગામના આદિવાસી લોકો એકત્રીત થયા અને તેઓ મારો મારોની બુમો પાડવા લાગ્યા તેથી તેઓ ડરી ગયા, પરિવારમાં માતા-પિતા-ભાઈ-બહેન અને પિતરાઈ સહિત 17 વ્યકિતઓ હતી અને ગામ છોડી દેવાનો નિર્ણય કર્યો અને ઘર છોડીએ તે પહેલા ગામના સરપંચ કડકીયા ભાઈને ત્યાં રોકાયા પણ ત્યાં પણ સલામતી નહીં લાગતા પાંચ કિલોમીટર બીજલભાઈ ડામોરની આશ્રમશાળામાં રોકાયા હતા અને નિર્ણય કર્યો કે રાતના અંધારામાં  આપણે નિકળી જઈશું અને જંગલવાળા રસ્તે દેવગઢ બારીયા પહોંચી જઈશું.

 

(ક્રમશ:)

- અમારું ફેસબુક પેજ લાઈક કરો,

- ટ્વીટર પર અમને લાઈક કરો,

- અગાઉની અન્ય તમામ સીરીઝ વાંચવા