પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-10): આમ કરતા કરતા ચાર વર્ષ જેલમાં પસાર થઈ ગયા, મુંબઈની ખાસ કોર્ટમાં અમારી સામેની ટ્રાયલ ચાલી રહી હતી. 2008માં જજ સાળવીએ ચુકાદો આપ્યો જેમાં મારા સહિત પાંચ પોલીસ અધિકારીઓ સામે સીબીઆઈએ મુકેલા આરોપો માનવાનો ઈન્કાર કરી અમને નિદોર્ષ છોડી દીધા હતા. જ્યારે હેડકોન્સટેબલ સોમાભાઈને ત્રણ વર્ષની સજા કરી હતી. જો કે કાચા કામના કેદી તરીકે તેમણે પણ ચાર વર્ષ જેલમાં કાઢયા હતા, જેના કારણે તેઓ પણ છૂટી ગયા. પણ તેઓ જેલમાં કાઢેલા દિવસો અને તેમને થયેલી સજાનો આઘાત સહન કરી શકયા નહીં અને જેલમાંથી છુટયા પછી તરત તેમનું મોત નિપજયુ હતું. મને અફસોસ તે વાતનો થયો કે ખાસ કોર્ટે અમને તો નિદોર્ષ છોડયા પણ બિલ્કીશે જે લોકો ઉપર આરોપ મુકયો હતો તે તમામને જન્મટીપની સજા થઈ. જેમાં નરેશ મોડીયા તો જેલમાં મરી ગયો હતો. બાકીના 11 આરોપીઓને આ કેસ સાથે કોઈ નીસ્બત ન્હોતી તેમણે હવે આખી જીંદગી જેલમાં પસાર કરવાની છે અને જેમણે ખરેખર બિલ્કીશ સહિત અન્ય સ્ત્રીઓ સાથે નરાધમો જેવું કામ કર્યું તેઓ આજે ખુલ્લામાં ફરી રહ્યા છે.

સીબીઆઈ દ્વારા ગુજરાત પોલીસના કુલ છ પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી અમે પાંચ નિદોર્ષ છૂટી ગયા હતા. જેના કારણે સીબીઆઈ તરત મુંબઈ હાઈકોર્ટમાં ખાસ અદાલતના આદેશ સામે અપીલ કરી હતી, પરંતુ અમારા વકિલ અમને મુંબઈ હાઈકોર્ટમાં નિદોર્ષ સાબીત કરી શકયા નહીં અને હાઈકોર્ટે અમને ગુનેગાર માન્યા પણ અમે કાચા કામના કેદી તરીકે જે સમય ગાળ્યો તેને જ સજા ગણી લીધી હતી. હું પોલીસ સબ ઈન્સપેકટરમાંથી બઢતી મેળવી પોલીસ ઈન્સપેકટર થઈ ગયો. મને ઓળખતા લોકો કદાચ બધી ઘટના ભુલી ગયા હશે પણ મારૂ મન તે મને ભુલવા દેતુ નથી, અમે નિદોર્ષ છીએ તેવુ બરાડા પાડી રોડ ઉપર બોલી શકાતું નથી, જેઓ મરી ગયા તેમના પ્રત્યે મારી સહાનુભૂતી છે. બિલ્કીશ સાથે જેમણે દુશ્કર્મ કર્યું તેઓ પણ સજાને લાયક છે. પણ અમે કારણ વગર યાતના ભોગવી, આ કેસની તપાસમાં સીબીઆઈના ડીઆઈજી. એસપી, ડીવાયએસપી અને ઈન્સપેકટર સહિત 32 અધિકારીઓ હતા. તેમની પાસે પંદરતો વાહનો હતા, પણ જ્યાં  બનાવ બન્યો ત્યાં અમે ત્રણ લોકોએ માત્ર એક ખટારા જેવી વાનના સહારે 400 લોકોને બચાવ્યા હતા.

અમે ત્યારે અમને જે સુઝયું અને શક્તિ હતી તે પ્રમાણે અમે અમારી ફરજ પ્રમાણિકપણે બજાવી હતી, માણસોની કમી અને સાધનોની તંગીમાં અમે કામ કર્યું સંભવ છે કે અમારી કયાંક ચુક પણ થઈ હશે, પણ અમારા ઈરાદાઓમાં ખોટ ન્હોતી. અમે હિન્દુ-મુસ્લિમના ભેદ વગર પોલીસ તરીકે કામ કર્યું છે. કોઈને રાજકીય ફાયદો અને નુકશાન જશે તેની અમે પરવા કરી નથી. 2015માં હું પોલીસ ઈન્સપેકટર તરીકે નિવૃત્ત થઈ ગયો છું અને હાલમાં જુનાગઢમાં પરિવાર સાથે રહું છું, અમે નિદોર્ષ છીએ તે વાત સાબીત કરવા માટે અમે સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. પણ મને ખબર નથી કે સુપ્રીમ કોર્ટમાં અમારો કેસ ચાલે ત્યાં સુધી હું જીવીત રહીશ કે નહીં, કાયમ આરોપીઓના માનવ અધિકારની વાત થાય છે હું પોલીસ અધિકારી હતો મને લાગે છે કે માનવ અધિકાર પંચે અમારા જેવા પોલીસ અધિકારીઓના માનવ અધિકાર માટે પણ વિચારવું જોઈએ. તમે મને અને મારા સાથીઓને કઈ રીતે મદદરૂપ થઈ શકશો તેની મને ખબર નથી.

હું તમને જે પત્ર લખી રહ્યો છું તેને ડાઈંગ ડેકલેરેશન ગણશો, તેનો અર્થ તેવો પણ નથી કે હું આત્મહત્યા કરવાનો છું, હું ડરપોક નથી હું માથે લાગેલી કાળી ટીલી દુર કરવા માટેની લડાઈ લડી રહ્યો છું, પણ માથે લાગેલા કલંક સાથે જીવી પણ શકતો નથી અને કલંક સાથે મરવા માગતો નથી. હું આ પત્રને ડાઈંગ ડેકલેરેશન એટલા માટે કહી રહ્યો છું કે મરનાર માણસ ખોટું બોલતો નથી તેવું કાયદો માને છે અને હું લાંબુ જીવીશ કે નહીં તેને મને પણ ખબર નથી, પણ લોકો સામે મારી નિદોર્ષતા પુરવાર કરવાનો મારો આ પ્રયાસ છે.

જય હિન્દ                                

ઈદ્રીશ સૈયદ ( નિવૃત્ત પોલીસ ઈન્સપેકટર - જુનાગઢ )

(સમાપ્ત)

- અમારું ફેસબુક પેજ લાઈક કરો,

- ટ્વીટર પર અમને લાઈક કરો,

- અગાઉની અન્ય તમામ સીરીઝ વાંચવા અહીં ક્લિક કરો