પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ ભાગ-1): 2004 હું પોલીસ સબ ઈન્સપેકટર તરીકે જુનાગઢ ફરજ બજાવી રહ્યો હતો ત્યારે મને પોલીસ કંટ્રોલરૂમ તરફથી સંદેશો મળ્યો કે મારે લીમખેડા સરકારી ગેસ્ટમાં હાઉસમાં સીબીઆઈ સામે નિવેદન નોંધાવવા માટે જવાનું છે. એક ક્ષણ તો હું વિચારમાં પડી ગયો કે સીબીઆઈ સામે મારે કેમ અને શું કામ નિવેદન નોંધાવવા જવાનું છે પણ બીજી જ ક્ષણે મારી યાદશક્તિ ઉપર ચઢી ગયેલી સમયની માટીને ઝાપટતા મને તરત યાદ આવ્યું કે 2002ના કોમી તોફાનમાં રણધીકપુર થયેલા ચકચારી બિલ્કીશબાનુ કેસમાં સીબીઆઈ મારૂ નિવેદન નોંધવા માગતી હશે. હજી થોડા દિવસ પહેલા જ મેં અખબારમાં વાંચ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ કેસની ફેર તપાસનો આદેશ સીબીઆઈને આપ્યો છે, તરત મનમાં એક પ્રકારની શાંતિ પણ વ્યાપી ગઈ, મને ખબર હતી કે બિલ્કીશબાનુ કેસમાં કાગળ ઉપર જે નોંધાયું છે તેના કરતા સત્ય ઘણું જુદુ છે અને જે હિન્દુઓને જેલમાં નાખી દેવામાં આવ્યા છે તે પૈકી મોટા ભાગના નિદોર્ષ છે અને જેઓ દોષીત છે તેઓ ખુલ્લે આમ બહાર ફરી રહ્યા છે.

દેશની સર્વોચ્ચ તપાસ એજન્સીમાં સીબીઆઈનો ક્રમ સૌથી ઉપર છે, મને એક આશા જન્મી કે સીબીઆઈ હવે સત્યના મુળ સુધી જશે અને નિદોર્ષ છુટી જશે અને સાચા ગુનેગાર પકડાઈ જશે, બિલ્કીશબાનુ કેસ સાથે મારે કોઈ નીસ્બત ન્હોતી, મારૂ પોસ્ટીંગ તો ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરમાં હતું,  પણ લીમખેડામાં સ્થિતિ બગડતા મને મદદ માટે બોલાવવામાં આવ્યો હતો. ખેર હું પણ પોલીસ અધિકારી હતો મને ખબર હતી કે સીબીઆઈ કેવા પ્રકારના પ્રશ્નો પુછશે, મને તો આનંદ પણ હતો કે ત્યારે હું પોલીસ અધિકારી જે સત્ય તરફ ના લઈ જઈ શકયો  તે તરફ સીબીઆઈને લઈ જવામાં મદદ કરીશ. સીબીઆઈન ભાષાની, ભૌગલીક જાણકારી અને સોર્સની મર્યાદાઓની પણ મને ખબર હતી. જેના કારણે સીબીઆઈને કઈ રીતે મદદ રૂપ થઈ શકાય તે દિશામાં મારૂ મગજ દોડવા લાગ્યું હતું. જુનાગઢથી દેવગઢબારીયાની સફર લાંબી હોવાને કારણે હું તરત મારી નવી સફર માટે રવાના થયો.

 

સફર દરમિયાન અનેક જુની યાદો અને ઘટનાઓ મારી સાથે સફર કરી રહી હતી, જનાગઢ પાસેનું બીલખાની મારૂ વતન, પિતા સરકારી નોકર, જેના કારણે તેમની નોકરી સાથે અમારી સ્કૂલ પણ ફરતી અને ત્રણ ભાઈઓ જેમાં હું વચલો, અમારે ભણવું જોઈએ તેવું અમ્મી અને અબ્બા બંન્ને  માનતા કે અમારે તમામ ભાઈઓએ સારૂ ભણવું જોઈએ, પણ અબ્બા અમને ભણતા અને સરકારી નોકરી કરતા જોઈ શકયા નહીં,  ત્યારે તેઓ જુનાગઢમાં સેનેટરી ઈન્સપેકટર  તરીકે ફરજ બજાવતા હતા. તેમની ઉમંર 35 વર્ષની હતી અને અચાનક તેમનું ઈંતકાલ થઈ ગયું અને ખુબ નાના હતા હવે શું થશે તેવો પ્રશ્ન અમ્મી સહિત અમારા ત્રણે ભાઈઓના ચહેરા ઉપર હતો, પણ મારા અબ્બાના સિનિયર અધિકારીઓ સારા હતા. તેમણે મારી અમ્મીને આરોગ્ય વિભાગમાં પટાવાળા તરીકે નોકરી અપાવી દીધી જેના કારણે અમારી પાટા ઉપરથી ઉતરી ગયેલી જીંદગી ફરી પાટે ચઢી હતી. અમ્મી શિક્ષીત ન્હોતી પણ ભણતરની તેને કિંમત સમજાતી હતી.

મારૂ શિક્ષણ પુરૂ કરી હું નોકરી શોધી રહ્યો હતો. 1976નું વર્ષ હતું, ગુજરાત પોલીસમાં કોન્સટેબલની ભરતી આવી, મારી શૈક્ષણિક લાયકાત પ્રમાણે કોન્સટેબલની નોકરી ઘણી નાની હતી પણ ત્યારે તેવો વિચાર કરવાનો સમય ન્હોતો, કારણ હવે અમ્મી પણ થાકી ગઈ હતી, તેની પણ ઉમંર થઈ હતી. તેને હવે મદદરૂપ થવું મારી ફરજ હતી. જુનાગઢ જિલ્લામાં પોલીસ કોન્સટેબલની ભરતી મેળામાં ગયો અને પાસ પણ થઈ ગયો. જ્યારે મેં પહેલી વખત મારા શરિર ઉપર ખાખી કપડું જોયું ત્યારે મારી છાતીમાં જાણે આખી દુનિયાનો ઓકસીઝન સમાઈ ગયો હોય તેવો અહેસાસ થયો હતો. અમારા જુનાગઢને કોમની સંકુચીતતા સ્પર્શી ન્હોતી, હું મુસ્લિમ છું અને બીજા કરતા અલગ છું તેવો અહેસાસ મને મારી સ્કૂલ, કોલેજ, પડોશ અને શહેરે ક્યારેય આપ્યો જ ન્હોતો. હું પોલીસમાં જોડાયો તેનો સૌથી વધુ આનંદ મારા મિત્રોને હતો તેઓ ગૌરવપુર્વક કહેતા કે ઈદરીશ પોલીસવાળો થઈ ગયો.

પોલીસ કોન્સટેબલ તરીકે મારી નોકરી તો જુનાગઢ અને દ્વારકામાં જ રહી, પણ મનમાં એક તમન્ના હતી કે હું પણ પોલીસ અધિકારી થાઉ, હું તેના માટે ખુબ મહેનત કરતો હતો અને 1998માં મેં પોલીસ સબ-ઈન્સપેકટરની પરિક્ષા પાસ કરી અને હું પીએસઆઈ થઈ ગયો. જેના કારણે હવે મારી બદલની સીલસીલો શરૂ થઈ ગયો. મેં રાજ્યના અનેક શહેરોમાં પીએસઆઈ તરીકે નોકરી કરી, આ દરમિયાન મારા નિકાહ પણ થયા અને ત્રણ દીકરી એક દિકરાનો હું પિતા પણ થઈ ગયો હતો. જો કે પોલીસની નોકરીમાં થતી સતત બદલીઓને કારણે મેં મારા પરિવારને જુનાગઢમાં જ સ્થાઈ કર્યો હતો, હું દેવગઢ બારીયા પહોંચી ગયો હતો. મેં પોલીસ સ્ટેશનમાં જાણકારી મેળવી તો ખબર પડી કે સીબીઆઈ ડીઆઈજી સહિત એસ પી અને ડીવાયએસપી સહિતના કાફલાએ સરકારી ગેસ્ટ હાઉસમાં કેમ્પ કર્યો છે, બિલ્કીશબાનુ કેસના તમામ કાગળો  તેમણે મંગાવી લીધા છે અને ઘણા લોકોના નિવેદન નોંધવા માટે બોલાવ્યા છે.

હું નિશ્લીંત હતો મારી કોઈ ભૂમિકા ન્હોતી અને મારે કઈ છુપાવવાનું પણ ન્હોતુ, મારી ફરજ દરમિયાન મેં જે જોયું, મેં જે કઈ કર્યું તે બધુ જ મારે સાચુ કહેવાનું હતું, કારણ મારી પાસે છુપાવવાનું કોઈ કારણ ન્હોતુ, હું તૈયાર થઈ સરકારી ગેસ્ટ હાઉસ ઉપર પહોંચ્યો, ગેસ્ટ હાઉસના કેમ્પસમાં સરકારી ગાડીઓની કતાર હતી, પોલીસના જવાનો પણ હતા અને લોકો નિવેદન આપવા માટે આવ્યા હતા, હું અંદર દાખલ થયો મેં એક અધિકારીને પરિચય આપતા કહ્યુ હું પીએસઆઈ ઈદરીશ સૈયદ મને નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યો છે.

સીબીઆઈમાં સીપાઈથી લઈ ડીજીપી સુધી કોઈને યુનિફોર્મ પહેરવાનો હોતો નથી એટલે મેં જેમની સાથે વાત કરી તેમનો હોદ્દો કયો હતો તેની મને ખબર ન્હોતી, પણ મારૂ નામ અને હોદ્દો સાંભળતા તેમણે મને ઉપરથી નીચે સુધી જોયો. તેમની આ નજર મને ગમી નહીં, પણ મારે તેની સાથે પનારો પાડવાનો ન્હોતો, મારે તો નિવેદન નોંધાવી જતા રહેવાનું હતું. પેલી વ્યકિતએ મને એક રૂમ તરફ ઈશારો કરતા કહ્યું વહાઁ એસપી ઝા સહાબ હૈ, આપકી હી રાહ દેખતે હૈ, હું રહ્યો સામાન્ય પોલીસ સબઈન્સપેકટર અને એક પોલીસ સુપ્રીટેન્ડન્ટ અને તે પણ સીબીઆઈના એસપી મારી રાહ જુવે છે તેવુ સાંભળતા એક ક્ષણતો શરીરમાં એક જુદો જ અનુભવ થયો. હું તે રૂમ તરફ આગળ વધ્યો, બહાર ખાનગી કપડામાં ઊભા રહેલા સીપાઈને મેં ઝા સાહેબને મળવું છે તેવું કહ્યું તે અંદર ગયો અને તરત બહાર આવ્યો તેમણે મને અંદર જવાનો ઈશારો કર્યો, હું અંદર ગયો અને એસપી ઝાને સલામ કરી ઊભો રહ્યો, તેઓ પણ મને બહુ વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. પહેલા પેલી બહાર ઉભેલી વ્યકિત જે રીતે મને જોયો તેવી જ નજર હતી. મને લાગ્યું કે આ સીબીઆઈવાળા બધા સામે આવી રીતે કેમ જુવે છે. હું ઊભો જ રહ્યો, તેમણે કઈ પણ બોલ્યા વગર હાથનો ઈશારો કરી મને બેસવાનું કહ્યું.

પહેલા તો હું સમજયો જ નહીં અને સમજ્યો તો મને ખાતરી થતી ન્હોતી કે કોઈ પોલીસ સુપ્રીટેન્ડન્ટ મને ખુરશીમાં બેસાડે કારણ ગુજરાત પોલીસમાં તો હું કોઈ એસપી સામે ખુરશીમાં બેઠો હોઉ તેવું ભાગ્યે જ બન્યું હતું. તેમના ઈશારા પછી પણ હું ઊભો જ હતો એટલે તેમણે મને કહ્યું બેઠો, હું ખુરશીમાં બેઠો, એકદમ ટટ્ટાર. એસપી ઝાએ ટેબલ ઉપર પડેલી ડાયરીમાં નજર કરી અને મને પુછ્યું કયા નામ હૈ આપકા, મેં કહ્યું સર પીએસઆઈ ઈદરીશ સૈયદ, તેમણે ખાલી માથુ હલાવ્યું.. પછી વિચાર કરી કહ્યું જબ દંગે હુવે આપકા પોસ્ટીંગ કહા થા, મેં કહ્યું સર મેં ફતેપુર પોલીસ સ્ટેશનમે સેકન્ડ પોલીસ સબઈન્સપેકટર થા.. તેમણે આંખો જીણી કરી અને મારી સામે શંકાની નજરે જોયું અને તરત પુછ્યું આપકા પોસ્ટીંગ ફતેપુર થા તો આપ રણધીકપુર કૈસે પહોંચ ગયે. મારા ચહેરા ઉપર એક આછુ સ્મિત આવ્યું.

 

પણ ઝા સાહેબને તે ગમ્યુ નહીં, મેં તરત મારી પાસે હાથમાં રહેલી ફાઈલ ટેબલ ઉપર મુકી અને તેમાંથી એક કાગળ બહાર કાઢી સાહેબ સામે ધરતા કહ્યું સર મેરા પોસ્ટીંગ તો ફતેપુર થા, લેકીન તા 28 ફરવરી 2002 દોપહર 12-30 કો મુજે કંટ્રોલ રૂમ સે મેસેજ મીલા મુજે લીમખેડા જાના હૈ. મેં મારી પાસે રહે વાયરલેસ મેસેજની સ્લીપ તેમના ટેબલ ઉપર મુકી. સ્લીપ ગુજરાતીમાં હતી. કદાચ તેમને ગુજરાતી આવડતુ ન્હોતુ છતાં તેમના ચહેરા ઉપર ભાવ તેવો હતો કે તેમને બધી ખબર પડે છે. તેઓ ધ્યાનથી કંટ્રોલ રૂમના મેસેજને જોઈ રહ્યા હતા. પછી એકદમ ખુરશીમાં ટટ્ટાર થયા અને બંન્ને હાથ ટેબલ ઉપર મુકી કોણીઓ ટેબલ ઉપર ટેકવતા કહ્યું ચલો સૈયદ એક કામ કરતે હૈ આપકી જુબાની સુનતે હૈ ઉસ દિન કયા હુવા થાં.

(ક્રમશ:)

 

- અમારું ફેસબુક પેજ લાઈક કરો,

 

 

- ટ્વીટર પર અમને લાઈક કરો,

 

 

- અગાઉની અન્ય તમામ સીરીઝ વાંચવા અહીં ક્લિક કરો