મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે એક તરફ દેશમાં ડુંગળીના ભાવ ૬૦ થી ૮૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે ત્યારે કેન્દ્રિય અન્ન અને પુરવઠા મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યુ છે કે કેન્દ્ર સરકાર પાસે ડુંગળીનો પુરતો જથ્થો છે અને જે રાજ્યોને માંગ હશે તેટલો જથ્થો પુરો પાડવામાં આવશે.  

પાસવાને કહ્યુ કે,અત્યાર સુધીમાં ત્રિપુરાને ૧૮૫૦ ટન, હરિયાણાને ૨૦૦૦ ટન અને આંધ્રપ્રદેશને ૯૬૦ ટન ડુંગળી તાત્કાલીક ૧૫.૫૯ રૂપિયા પ્રતિકિલાના દરથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગ્રાહકોને આ ડુંગળી મહત્તમ ૨૩.૯૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચી શકાશે.

તેમણે ઉમેર્યુ કે દિલ્હી સરકારે ૨૮ સપ્ટેમ્બરે ૫ દિવસ માટે પ્રતિદિવસ ૧૦૦ ટન ડુંગળીની માંગણી કરી છે. આ સિવાય જે રાજ્યોને જેટલી જરૂર હશે તેટલી ડુંગળી આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની કેજરીવાલ સરકાર મોબાઇલ વાન દ્વારા ૨૪ રૂપિયે પ્રતિકિલાના ભાવે લોકોને ડુંગળી વેચી રહી છે. ત્યારે ગુજરાતભરમાં પણ ડુંગળીના ભાવ ૬૦ થી ૮૦ રૂપિયા થયા છે, તો હવે જોવુ રહ્યું તે ગુજરાતની રૂપાણી સરકાર પ્રજાને રાહત આપવા માટે શું પગલા લે છે.