મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી અને ખુલ્લા હાથની મારામારી થઇ હતી. જ્યાર બાદ કોંગ્રેસના બે ધારાસભ્યોને ત્રણ વર્ષ માટે અને એક ધારાસભ્યને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે કહ્યું કે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ મને મા-બહેનની ગાળો આપતા મેં હુમલો કર્યો હતો.

સાવરકુંડલા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, શરુઆત મે કરી ન હતી. હુમલો કર્યો તે મારી ભૂલ હતી પણ મને તેનો રંજ નથી કારણ કે માર સંસ્કાર પ્રમાણે મા-બહેનની ગાળ ખાવા હું સદનમાં આવ્યો નથી. ભાજપ મને હિટલરશાહી અને દબંગગીરીથી દબાવી પ્રજાઓ અવાજ અટકાવવા માગતી હોય તો તેમ નહીં બને. વિધાનસભાની કાર્યવાહી લાઇવ કરવી જોઈએ જેથી ખબર પડે કે પ્રજાનો અવાજ કોણ રજૂ કરે છે અને પ્રજાનો અવાજ કોણ દબાવે છે. છેલ્લા પાંચ દિવસથી મને ભાજપ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતો હતો અને મને ઉશ્કેરવામાં આવ્યો. મને વ્યક્તિગત ગાળ આપી હોત તો વાંધો ન હતો પરંતુ જનેતા વિશે ગાળ નહીં ખાઉ. ભાજપ એક્શન લેશે તો હું રિએક્શન આપીશ. ગાળ બોલવી ભાજપના સંસ્કાર છે પણ ગાળ સાંભળવી મારા સંસ્કાર નથી. જગદીશ પંચાલ મને મા-બહેન સામી ગાળ બોલ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત, રાજુલા બેઠકના ધારાસભ્ય અમરીશ ડેર અને કલોલ બેઠક પરથી ધારાસભ્ય બળદેવ ઠાકોર દ્વારા કરવામાં આવેલ ધમાલ બાદ ફરી શરુ થયેલા સત્રમાં નીતિન પટેલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ નિવેદન કર્યું હતું કે પરેશ ધાનાણી અને શૈલેષ પરમાર દ્વારા મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો છતાં આ ધારાસભ્યો અટક્યા ન હતા અને ભાજપના ધારાસભ્યો હર્ષ સંઘવી તથા જગદીશ પંચાલને માર મારવાની ધમકી આપી હતી. આ બાબત ચલાવી લેવાય નહી. લોકશાહીની પરંપરાને નુકશાન થાય તેવી આ બાબત છે. અમે સિનિયર નેતાઓ સાથે આ અંગે ચર્ચા કરી છે. હું દરખાસ્ત કરુ છું કે પ્રતાપ દુધાત અને અમરીશ ડેરને 3 વર્ષ અને બળદેવ ઠાકોરને 1 વર્ષ માટે વિધાનસભાની કાર્યવાહીથી સસ્પેન્ડ કરી દાખલારૂપ પગલા લેવામાં આવે. નીતિન પટેલની આ દરખાસ્તને ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ટેકો આપ્યો હતો. જ્યાર બાદ પ્રતાપ દુધાત અને અમરીશ ડેરને 3 વર્ષ અને બળદેવ ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ પણ માગણી કરી હતી કે ભાજપના ધારાસભ્ય પણ આ મામલે જવાબદાર હોવાથી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. જો કે કોંગ્રેસના ધારાસભ્યોએ આ મામલે સત્તાવાર દરખાસ્ત કરી ન હતી અને વોકઆઉટ કરી ગયા હતા. જેથી ભાજપના ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી કરાઇ ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 23 માર્ચના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને વિધાનસભા સદનની કાર્યવાહી દરમિયાન સદન અને સંકુલમાં આવવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. જેથી હવે કોંગ્રેસના આ ત્રણ ધારાસભ્યો કેવી રીતે મતદાન કરશે તે પણ પ્રશ્ન ઉભો થયો છે.